________________
૧૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આ શંકાનું સમાધાન એમ છે કે પુણ્યના ફળને સુખ કહેવામાં આવે છે એ જ સૌથી મોટો ભ્રમ છે. વસ્તુતઃ પુણ્યનું ફળ સુખ નથી. પુણ્યનું ફળ પણ દુઃખ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે કર્મજન્ય છે. પુણ્યનું ફળ કર્મજન્ય હોવાથી દુઃખરૂપ જ છે. જે જે કર્મજન્ય હોય તે તે પાપના ફળ જેવું જ હોય. તેમાં સુખ હોઈ જ ન શકે, તે માત્ર દુ:ખરૂપ જ હોય.
આની સામે એમ દલીલ કરવામાં આવે કે તો પછી પાપના ફળની બાબતમાં પણ વિરોધી અનુમાન આપી શકાય કે પાપનું ફળ પણ વસ્તુતઃ સુખરૂપ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી થાય છે. જે કર્મના ઉદયથી થાય છે તે પુણ્યના ફળની જેમ સુખરૂપ જ હોય છે. પાપનું ફળ પણ કર્મોદયજન્ય છે, તેથી તે પણ સુખરૂપ હોવું જોઈએ. વળી, પુણ્યના ફળનું સંવેદન જીવને અનુકૂળ ભાસે છે, તેથી તે સુખરૂપ છે, છતાં તેને દુઃખરૂપ કહેવું એ વાત તો પ્રત્યક્ષવિરુદ્ધ પણ છે. ધન, પદ આદિની પ્રાપ્તિ વગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું તે તો પ્રત્યક્ષવિરુદ્ધ છે. જે સ્વસંવેદનપ્રત્યક્ષથી સુખરૂપે અનુભવમાં આવે છે તેને દુઃખરૂપ કહેવું એ પ્રત્યક્ષથી વિરુદ્ધ હોવાથી અયુક્ત છે.
આ દલીલનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે - સંસારી જીવ જેને સુખનું પ્રત્યક્ષ કહે છે તે અભ્રાંત નથી, યથાર્થ પ્રત્યક્ષ નથી; પણ ભાંત છે, અયથાર્થ પ્રત્યક્ષ છે. તેથી સંસારી જીવે માની લીધેલા પ્રત્યક્ષ સુખને દુઃખરૂપ કહેવામાં પ્રત્યક્ષ વિરોધ નથી. વળી, સંસારી જીવ જેને પ્રત્યક્ષ સુખ કહે છે તે હકીકતમાં તો સુખ નથી પણ દુઃખ જ છે. ખરી વાત એ છે કે સંસારમાં રચ્યાપચ્યા રહેનાર જીવને કશે પણ સાચું સુખ મળી શકતું નથી. જેને તે સુખ કહે છે તે તો દુ:ખનો પ્રતિકાર છે.
મોહવશ જીવને વિષયભોગની ઉત્સુકતા જાગે છે, તેથી જ્યાં સુધી વિષયભોગ નથી થતો ત્યાં સુધી મનમાં અરતિ રહ્યા કરે છે. જ્યારે વિષય ભોગવાય છે ત્યારે વિષયભોગની ઉત્સુકતાના કારણે જાગેલી અરતિનો થોડા સમય માટે અભાવ થાય છે. આમ, શબ્દાદિ સાધનો સુખ નથી આપતાં, કિંતુ જાગેલી અરતિનો માત્ર પ્રતિકાર કરે છે. તેથી જીવોને અરતિરૂપ દુઃખનો અભાવ થાય છે. આ દુઃખના અભાવમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે.
દા.ત. ખુજલીવાળા મનુષ્યને ચળ આવે છે ત્યારે તેને શરીરને ખણવાની ઇચ્છા થાય છે. જો એ પોતાના શરીરને ખણે નહીં તો તેના મનમાં અરતિ - ઉદ્વેગ ઉત્પન થાય છે. આથી શરીરને ખણીને તે અરતિનો પ્રતિકાર કરે છે, છતાં તે કહે છે કે શરીરને ખણવાથી મને સુખનો અનુભવ થાય છે.' પરંતુ એક નીરોગી માણસ તો શરીરને ખંજવાળતો નથી, જ્યારે ખુજલીવાળો માણસ પોતાના શરીરને ખંજવાળીને દુ:ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org