________________
૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
તે ક્રોધને જાણે છે, ક્રોધના અભાવને પણ જાણે છે; પણ ક્રોધના અભાવમાં તેનો અભાવ થતો નથી. તેનું જાણવારૂપ કાર્ય તો સતત ચાલુ રહે છે.
આના ઉપરથી નક્કી થાય છે કે (૧) શરીરની ક્રિયા, (૨) ચેતનની શુભાશુભ પરિણામરૂપ વિકારી ક્રિયા અને (૩) ચેતનની જાણવારૂપ જ્ઞપ્તિક્રિયા આ ત્રણે કાર્યો એકસાથે થઈ રહ્યાં છે. તેમાં પ્રથમનાં બે કાર્યો તો ક્ષણિક છે નાશવાન છે, જ્યારે ત્રીજું જાણવાપણાનું કાર્ય ત્રિકાળ રહે છે. આ ત્રીજું કાર્ય અજ્ઞાની જીવના લક્ષમાં આવતું નથી. જ્ઞપ્તિક્રિયા તેની પકડમાં આવતી નથી, માત્ર શરીરની ક્રિયા તથા શુભાશુભ ભાવરૂપ વિકા૨ી ક્રિયા તેની પકડમાં આવે છે. આ બે ક્રિયા ઉપરાંત કોઈ ત્રીજી ક્રિયા જ્ઞપ્તિક્રિયા પણ થઈ રહી છે અને એનો સ્તર તે બે ક્રિયાઓના સ્તરથી ભિન્ન છે. એ તથ્ય તેની સમજમાં આવ્યું નથી. તે આત્માની સ્વાભાવિક ક્રિયાને ઓળખતો નથી અને તેથી શરીરની ક્રિયાઓને તથા વિકારી પરિણામોને પોતાનાં માની લે છે. શરીરની ક્રિયાઓને અને રાગ-દ્વેષરૂપ પરિણામોમાં તે પોતાપણું માને છે. આ જ મિથ્યાત્વ છે. આ જ સંસાર છે. જ્યાં સુધી જીવ પોતાની સ્વાભાવિક ક્રિયાને ઓળખતો નથી ત્યાં સુધી તેનો સંસાર મટતો નથી.
-
અનાદિ કાળથી જીવે શરીરની ક્રિયાઓને તથા શુભાશુભ પરિણામોને જ જાણ્યાં છે, ત્રીજી જાણવાની ક્રિયાનો તેને ખ્યાલ જ આવ્યો નથી, પરિણામે તેને જ્યારે પણ ધર્મ કરવાનું મન થયું ત્યારે તેણે કાં શરીરાશ્રિત ક્રિયાઓને બદલી કાં પરિણામોને ફેરવવાની ચેષ્ટા કરી. ધર્મ કરવા માટે જીવ એક બાજુ શરીરાશ્રિત અશુભ ક્રિયાઓને શુભમાં બદલવા મથ્યો અને બીજી બાજુ અશુભ પરિણામોને શુભમાં બદલવા મથ્યો. આ બે ક્રિયાઓમાં જે પરિવર્તન આવ્યું એને જ તેણે ધર્મ માની લીધો. પરંતુ આ બે ક્રિયાઓ પરાશ્રિત હોવાથી તેનાથી ધર્મ થતો નથી. શરીરની ક્રિયા અને શુભાશુભ પરિણામ, આ બન્ને ક્રિયાઓ આત્માની સ્વાભાવિક ક્રિયા ન હોવાથી તે બન્નેમાં ફેરફાર થવામાત્રથી ધર્મ થવાનો સંભવ નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે અને તેનો સંબંધ ત્રીજી ક્રિયા સાથે જ્ઞપ્તિક્રિયા સાથે છે. ધર્મનો સંબંધ પર સાથે તો નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ નથી. ધર્મમાં પ૨ ઉપર કે વિકાર ઉપર દૃષ્ટિ હોતી નથી, પરંતુ પરથી અને વિકારથી ભિન્ન પોતાના અસંયોગી, અવિકારી, ત્રિકાળી જ્ઞાયકસ્વભાવ ઉપર દૃષ્ટિ હોય છે.
Jain Education International
-
=
પરદ્રવ્યનું છોડવા-મૂકવાનું તો આત્મામાં નથી, તેથી જડક્રિયાથી મોક્ષ થાય નહીં. જે શુભાશુભ ભાવ થાય છે તે પણ પરલક્ષે થતા હોવાથી વિકાર છે, તેના લક્ષે પણ મોક્ષ થાય નહીં. આમ, જડની ક્રિયાથી અને વિકારી ક્રિયાથી મોક્ષ થાય નહીં. બાહ્ય સંયોગ હોવા છતાં અને પર્યાયમાં રાગ-દ્વેષ હોવા છતાં ‘હું આ જડથી ભિન્ન છું અને
For Private & Personal Use Only
www.jainelibrary.org