________________
ગાથા-૪૬
૫૮
નથી, તેનો બીજો પણ કોઈ અનુભવ થતો નથી; તેથી આત્મા નથી. હવે પ્રસ્તુત ગાથામાં તે કહે છે કે જો આત્માને માનવો જ હોય તો દેહ તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિય તે જ આત્મા છે, અથવા પ્રાણ તે જ આત્મા છે એમ માનવા યોગ્ય છે. આત્મા જેવું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ જ આત્મા છે, તેનાથી ભિન્ન એવું કોઈ આત્મતત્ત્વ છે જ નહીં.
(૧) શિષ્ય જણાવે છે કે દેહ એ જ આત્મા છે, દેહથી ભિન્ન આત્મદ્રવ્યનું અસ્તિત્વ નથી. દેહ તે જ આત્મા છે એમ માનવાનું કારણ એ છે કે જીવન જિવાતું હોય તો તે આ દેહથી જ જિવાય છે. હલન-ચલન વગેરે ક્રિયાઓ દેહ જ કરે છે. હું જાડો છું, હું પાતળો છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું' વગેરે અહંપણાનો જે વ્યવહાર કરવામાં આવે છે તે દેહને અનુલક્ષીને થાય છે. ‘હું ભૂખ્યો છું' એવાં વિધાનો આત્મા અને દેહની અભિનતા સાબિત કરે છે. જો આત્મતત્ત્વ દેહથી ભિન્ન હોત તો આવાં વિધાનો નિરર્થક ઠરત. જેને આત્મા કે જીવ કહેવામાં આવે છે તે પણ તેના દેહને સંબોધીને કહેવાય છે. માનવ, પશુ, પક્ષી, જંતુ વગેરેને જઈને કહેવામાં આવે છે કે આ જીવ છે. 'જીવ'નું સંબોધન દેહને જોઈને જ થાય છે. આમ, આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, તેનું કોઈ રૂ૫ જણાતું નથી, બીજા કોઈ પણ અનુભવથી તે જણાતો નથી; જ્યારે દેહ તો પ્રત્યક્ષ દેખાય છે, તેનું નિશ્ચિત રૂપ જણાય છે, બીજી ઇન્દ્રિયો દ્વારા પણ તે અનુભવમાં આવે છે; માટે દેહ તે જ આત્મા છે. દેહનું જ બીજું નામ આત્મા છે. દેહથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવા યોગ્ય નથી.
(૨) આત્મા સંબંધી પોતાની વિચારણાને વિસ્તારમાં શિષ્ય કહે છે કે દેહ તો જડ છે, માટે તે કંઈ જાણતો નથી એમ કોઈ કહે તો એમ કહી શકાય કે ઇન્દ્રિયો જાણે છે, તેથી ઇન્દ્રિય જ આત્મા છે એમ માનવું ઘટે છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે અને જગતના પદાર્થોનું જ્ઞાન તો ઇન્દ્રિયો વડે જ થાય છે. જો કોઈ ઇન્દ્રિય કામ કરતી અટકી જાય છે તો તેના વિષયનું જ્ઞાન પણ થતું નથી. કોઈ માણસ આંખ ગુમાવી બેસે છે તો તે કોઈ પદાર્થને જોઈ શકતો નથી. જે ઇન્દ્રિયની શક્તિ ઘટી જાય છે, તેના વિષયનું જ્ઞાન પણ ઘટી જાય છે. કોઈ માણસની કાનની શક્તિ ક્ષીણ થઈ જાય છે તો તેને ઓછું સંભળાય છે. આમ, ઇન્દ્રિયો દ્વારા જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે અને જ્ઞાન આત્માનો ગુણ છે, માટે ઇન્દ્રિયો જ આત્મા છે. જ્ઞાનેન્દ્રિયનું જ બીજું નામ આત્મા છે. ઇન્દ્રિયોથી ભિન્ન આત્મતત્ત્વનું અસ્તિત્વ માનવાની જરૂર નથી.
(૩) આત્મા વિશેની વિચારણામાં આગળ વધતાં શિષ્ય કહે છે કે પ્રાણ તે જ આત્મા છે. ઇન્દ્રિયોમાં ખામી આવે અને કામ કરતી અટકી જાય છતાં પણ શ્વાસોચ્છવાસ ચાલતા હોય છે ત્યાં સુધી જીવ છે એમ માનવામાં આવે છે. તે ઉપરથી શ્વાસોચ્છવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org