________________
७८०
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
રસવાળાં કર્મો બંધાય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યકર્મ ભોગવવાનું સ્થાન પણ જગતમાં હોવું જોઈએ! તે સ્વર્ગ! અને ઉત્કૃષ્ટ પાપકર્મ ભોગવવાનું જે સ્થાન તે નરક તથા મધ્યમ કર્મો ભોગવવાનું જે સ્થાન તે તિર્યંચ-મનુષ્યભવ. આ રીતે કર્મો ભોગવવાનાં
સ્થાનો પણ છે અને તે તે સ્થાનોમાં જવાવાળો જીવદ્રવ્યનો કર્મવશ સ્વભાવ છે. માટે આત્મા કર્મોનો કર્તાભોક્તા છે તથા કર્મભોગનાં સ્થાનો છે. હે શિષ્ય! આ વાત અતિ ગહન છે છતાં અહિં અમે સાવ સંક્ષેપમાં = અતિસંક્ષેપમાં સમજાવેલ છે.'
આમ, પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ જણાવે છે કે જીવના શુભાશુભ ભાવનું ફળ ભોગવવા માટેનાં સ્થાનક આ જગતમાં છે. જીવનાં પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે, તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન થાય, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન થાય અને શુભાશુભ દ્રવ્યની મધ્યસ્થિતિ થાય એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે; તે આદિ હેતુથી ભોગ્યસ્થાન હોવાં ઘટે છે અને તેથી જીવ તથાપ્રકારનાં કર્મ ભોગવે છે. તે તે ભોગવવા લાયક જુદાં જુદાં પ્રકારનાં સ્થાન હોવાનો અને તેમાં જવાનો જડ અને ચેતન પદાર્થોનો પોતપોતાનો ભાવ છે. હે શિષ્ય, આ વાત ઘણી ઊંડી છે, તોપણ તદ્દન ટૂંકામાં અહીં કહી છે. આ પ્રમાણે શ્રીગુરુ પાંચ ગાથામાં શિષ્યની આત્માના કર્મફળભોસ્તૃત્વ સંબંધી શંકાનું નિવારણ કરે છે. શ્રીગુરુ તર્ક-યુક્તિથી શિષ્યનો સંશય છેદી નાખે છે અને તેને યથાર્થ પ્રતીતિ કરાવે છે કે આત્મા કર્મફળનો ભોક્તા છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાન વિશ્વની માંહ્ય;
સ્વ પર ભાવ રૂપે સદા, બાહ્યાભ્યતર માંહ્ય. જડ ચેતનથી વિભાવના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; અધ્યવસાય યોગે કરી, અને વિચિત્ર બનાવ. એમાં ઊંડા ઊતરતાં, સ્થિર ભાવે સમજાય; ગહન વાત છે શિષ્ય આ, વચને કહી ન શકાય. સદ્ગુરુ સંત કૃપા વડે, જાગે જો સદ્ભાવ; અનુભવ ગોચર વસ્તુની, કહી સંક્ષેપે સાવ.''
૧- શ્રી ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા, “આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર', પૃ. ૫ર ર- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૫ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૪૧-૩૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org