________________
ગાથા-૮૬
૭૭૫
સર્જનક્રિયાનો અંત નહીં થવાથી એક પણ કાર્યની સંપૂર્ણતયા રચના થઈ શકશે નહીં! જેમ ઘટમાં તેની ઉત્પત્તિક્ષણથી આરંભીને સમાપ્તિ પર્વત, જ્યાં સુધી સંપૂર્ણ ઘટ તૈયાર ન થયો હોય ત્યાં સુધી તેમાં જળને લાવવું, ધારણ કરવું ઇત્યાદિ અર્થક્રિયાઓ નહીં થવાથી, તેમાં ઘટ શબ્દનો વ્યવહાર થતો નથી; તેમ ઈશ્વર નિત્ય હોવાના કારણે તેનો સ્વભાવ પણ નિત્ય હોવાથી ઈશ્વર નિરંતર જગતને બનાવ્યા જ કરશે અને તેથી કદાપિ તેનો અંત નહીં આવે તેમજ તે સર્જનક્રિયાનો વિરામ ન થવાથી કોઈ પણ કાર્યની સમાપ્તિ નહીં થાય; અને જ્યાં સુધી કોઈ પણ કાર્યની સમાપ્તિ નહીં થાય ત્યાં સુધી ઈશ્વર જગતનો નિયતા છે તેમ પણ નહીં કહી શકાય.
જો એમ કહેવામાં આવે કે જગતને બનાવવાનો સ્વભાવ ઈશ્વરમાં નથી, તો તો કોઈ સમયે ઈશ્વર જગતને રચી નહીં શકે. જો ઈશ્વરનો જગતની રચના કરવાનો સ્વભાવ ન હોય તો આકાશની જેમ તે ક્યારે પણ જગતને બનાવી શકશે નહીં. આકાશનો સ્વભાવ જગતની રચના કરવાનો નહીં હોવાથી તે જેમ જગતને બનાવી શકતું નથી, તેમ ઈશ્વરનો પણ જગતકતૃત્વ સ્વભાવ નહીં હોવાના કારણે તે ક્યારે પણ જગતનું ઉત્પાદન કરી શકશે નહીં.
વળી, જો ઈશ્વરનું એકાંત નિત્યપણું માનવામાં આવે તો તે સૃષ્ટિના સર્જનની જેમ તેનો સંહાર પણ કરી શકે નહીં, કેમ કે ઈશ્વર જો સર્જન અને સંહાર આદિ ભિન્ન ભિન્ન કાર્યો કરતો હોય તો સ્વભાવભેદ થવાથી ઈશ્વરમાં અનિત્યતા માનવી પડે. અહીં પ્રશ્ન થાય છે કે ઈશ્વર જે સ્વભાવ વડે સૃષ્ટિની રચના કરે છે, તે જ સ્વભાવ વડે સંહાર કરે છે કે તેનાથી ભિન્ન સ્વભાવ વડે? જો તે સર્જનસ્વભાવથી જ સંહાર કરે તો સર્જન અને સંહાર એ બન્નેનું એકપણું થઈ જશે, કારણ કે સર્જન અને સંહારરૂપ ઉભયકાર્યના કર્તા એવા ઈશ્વરનો સ્વભાવ એક માન્યો. એક સ્વભાવવાળા કારણથી ભિન્ન ભિન્ન કાર્યોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો તે સર્જન કરવાના સ્વભાવથી નહીં, પરંતુ તેનાથી ભિન્ન સ્વભાવ વડે સંહાર કરે છે એમ માનવામાં આવે તો સ્વભાવભેદ થઈ જાય. સ્વભાવભેદ એ અનિત્યતાનું લક્ષણ છે, તેથી ઈશ્વરમાં અનિત્યપણું આવશે. જેમ આહારનાં પરમાણુથી યુક્ત પાર્થિવ શરીરમાં નિરંતર નવી નવી પર્યાયોની ઉત્પત્તિ થવાના કારણે તેમાં સ્વભાવભેદ થવાથી પાર્થિવ શરીર અનિત્ય છે, તેમ ઈશ્વરમાં પણ સ્વભાવભેદ થવાથી અનિત્યપણું ઠરશે.
સર્જન અને સંહાર બને ભિન્ન સ્વભાવથી થાય છે તે તો નૈયાયિકો માને છે, કેમ કે તેમના અભિપ્રાય મુજબ રજો ગુણ વડે ઈશ્વર સૃષ્ટિની રચના કરે છે, તમો ગુણ વડે સંહાર અને સત્ત્વ ગુણ વડે સ્થિતિ (પાલન) કરે છે. પરંતુ ભિન્ન ભિન્ન સ્વભાવરૂપ અવસ્થાના ભેદથી અવસ્થાવાનનો પણ ભેદ થાય છે, તેથી ઈશ્વરમાં ભિન્ન ભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org