________________
૬૯૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
થયો હોય તો, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમની હોવાથી તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો હોય. તેથી તે કર્મ સાત હજાર વર્ષ વીતતાં ફળવાન થાય. જો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત કાળનો બંધાયો હોય તો અંતર્મુહૂર્ત વીતતાં તે કર્મ ઉદયમાં આવે છે.
બંધ અને ઉદય વચ્ચેની સ્થિતિને સત્તા કહેવાય છે અને તે કાળને અબાધાકાળ કહેવાય છે. કર્મ જે રૂપમાં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે એવો નિયમ નથી, અર્થાત્ અબાધાકાળમાં કર્મ નિષ્ક્રિય જ પડી રહેતાં નથી. તેના ઉપર અનેક રીતે કરણો(યોગ અને કષાય)ની અસર ચાલુ હોય છે, તેથી કર્મોમાં જુદાં જુદાં પરિવર્તનો સંક્રમણ, ઉર્તન, અપવર્તન, ઉપશમન, ઉદીરણા, નિધત્ત, નિકાચના થઈ શકે છે. અબાધાકાળ પૂરો થતાં તે કર્મ પોતાનું ફળ બતાવે છે.
રાગ-દ્વેષના ભાવોથી તથા મન-વચન-કાયાની પ્રવૃત્તિથી કર્મની રજકણો આત્મા ઉપર ચોંટી જાય છે અને અબાધાકાળ વીતતાં તે પોતાનું ફળ આપે છે. કર્મનો અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી કર્મ ફળ આપવાનું શરૂ કરે તેને કર્મનો ઉદય કહેવામાં આવે છે. કર્મના સ્થિતિબંધ અનુસાર તેનો સત્તાકાળ હોય છે. સત્તાકાળ પૂરો થાય છે ત્યારે કર્મપરમાણુ ઉદયમાન થઈ ફળ આપે છે અને જીવ તે ફળ ભોગવે છે. કર્મની સ્થિતિ જેટલી બંધાઈ હોય તે અનુસાર કર્મનાં પરમાણુઓ ક્રમશઃ ઉદયમાં આવે છે અને ફળ આપીને આત્માથી છૂટાં પડી જાય છે; અર્થાત્ જ્યારે કર્મસ્થિતિ સમાપ્ત થઈ જાય છે ત્યારે કર્મ પોતાનું ફળ બતાવીને નષ્ટ થઈ જાય છે, આત્માથી અલગ થઈ જાય છે.
આમ, પૂર્વકર્મના શુભાશુભ ઉદયમાં આત્મા જોડાય છે ત્યારે નવીન કર્મરજનો આત્મપ્રદેશો જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રમાં સંચય થાય છે. કર્મો તેનો અબાધાકાળ પૂરો થયા પછી ફળે છે અને પ્રકૃતિ, પ્રદેશ, રસ તથા સ્થિતિ અનુસાર તેનામાં ફળ આપવાનું જે સામર્થ્ય હોય છે તે રીતે પરિણમે છે. શુભાશુભ કર્મ સ્વતંત્રપણે ફળ આપી નિવૃત્ત થાય છે. કર્મ તેની પ્રકૃતિ આદિ પ્રમાણે ફળ આપતું હોવાથી તેનો જડ સ્વભાવ તેના ફળ આપવાપણામાં બાધક થતો નથી.
આ ગૂઢ સિદ્ધાંત સામાન્ય જીવોને પણ જલદીથી ગ્રાહ્ય થાય તે માટે શ્રીમદે પ્રસ્તુત ગાથામાં એક ઉદાહરણ આપ્યું છે
ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય'
ઝેર અને અમૃત બન્ને જડ પુદ્ગલ છે, તેમાં ઝેરનો ગુણ મરણ પમાડવાનો અને અમૃતનો ગુણ દીર્ઘાયુષ્ય આપવાનો છે. તે બન્ને અચેતન હોવાથી પોતાના ગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org