________________
ગાથા-૮૨
૬૭૫ છે, તેની સાથે મળતા આવતા અર્થમાં કેટલાક શબ્દો જૈનેતર દર્શનમાં મળે છે.
| સર્વ ભારતીય આસ્તિક દર્શનોમાં કર્મનો સ્વીકાર થયો છે. જે દર્શનો આત્મવાદી છે અને પુનર્જન્મને માને છે, તેને પુનર્જન્મની સિદ્ધિ માટે કર્મ માનવાં જ પડે છે. તે દર્શનોની ભિન્ન ભિન્ન પ્રક્રિયાના કારણે અથવા ચેતનસ્વરૂપમાં મતભેદ હોવાના કારણે જો કે કર્મનું સ્વરૂપ જુદું જુદું નિરૂપાયેલું છે, તોપણ સર્વ આત્મવાદીઓએ કોઈ ને કોઈ નામે કર્મનો સ્વીકાર કરેલો છે એમાં કોઈ શંકા નથી. એ નિશ્ચિત છે કે ચાર્વાક દર્શન સિવાયનાં સર્વ દર્શન અને તત્ત્વજ્ઞાનનો આધાર આત્મા છે અને આત્માની જુદી જુદી સ્થિતિ તથા તેનાં પરિવર્તનનું રહસ્ય કર્મસિદ્ધાંત દ્વારા દિગ્દર્શિત કરવામાં આવે છે.
આમ, ચાર્વાક દર્શન સિવાય સર્વ દર્શનો કર્મસિદ્ધાંતને માન્ય કરે છે, પરંતુ કર્મના વિષયમાં જૈન દર્શનની જેમ કોઈ અન્ય દર્શને વિસ્તારથી - સૂક્ષ્મતાથી ચર્ચા કરી નથી. મીમાંસા દર્શનમાં કર્મકાંડ સંબંધમાં પુષ્કળ વિવેચન છે, પણ વેદવિહિત કર્મના ફળરૂપે સ્વર્ગાદિ મેળવી શકાય એ સિવાય મીમાંસા દર્શને ખાસ કંઈ કહ્યું નથી. કર્મનાં સ્વભાવ તથા પ્રકૃતિ વિષે તેણે બહુ સ્પષ્ટીકરણ કર્યું નથી. બહ્મપદાર્થના સ્વરૂપના નિર્ણય પાછળ વેદાંત વ્યસ્ત હોવાથી, એ વિચારવમળમાંથી બહાર નીકળી કર્મના વિષયમાં તેણે કોઈ ચર્ચા કરી નથી. કર્મની મીમાંસા કરવાનો તેને અવકાશ પ્રાપ્ત થયો હોય એમ જણાતું નથી. સાંખ્ય તથા યોગ દર્શનના સંબંધમાં પણ એમ જ કહી શકાય. વૈશેષિક દર્શન પણ કર્મની તાત્ત્વિક આલોચના કરતું નથી. જો કે ન્યાય દર્શને કર્મના સ્વરૂપનો નિર્ણય કરવા કંઈક પ્રયત્ન કર્યો છે. પ્રાચીન ન્યાયમાં કર્મ અને કર્મફળવાદની યુક્તિ ઉપર જ ઈશ્વરનું અસ્તિત્વ આધાર રાખી રહ્યું છે, પરંતુ નવ્યર્નયાયિકો એ યુક્તિ વિષે બહુ શ્રદ્ધા ધરાવતા નથી. કર્મની સાથે ફળને જોડવા માટે ઈશ્વરનો સ્વીકાર કરવાને બદલે ફળને સંપૂર્ણ કર્માધીન માનવું, અર્થાત્ કર્મ પોતે જ પોતાનાં ફળ ઉપજાવે છે એ નિર્ણય સ્વીકારવો તેમને વધુ યોગ્ય જણાય છે. બૌદ્ધ દાર્શનિકોનો મત પણ આ પ્રકારનો છે. જૈન દર્શનમાં કર્મનું ઘણું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. કર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ અને અત્યંત ઊંડું વિવેચન આગમો અને આગમેતર ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે.
જૈન દર્શન કર્મને કેવળ પુરુષકૃત માનતું નથી, તેમ એને નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી માનતું. જૈનમત પ્રમાણે કર્મ તે એક પ્રકારનું દ્રવ્ય છે અને જીવથી એ ભિન્ન છે. જીવ અને કર્મ અને પૃથક પૃથક દ્રવ્યો છે. કર્મ એ વસ્તુતઃ જડ પદાર્થ છે, તે આત્માની જેમ જ સ્વાધીન દ્રવ્ય છે અને તે જીવવિરોધી છે. કર્મ પુદ્ગલસ્વભાવી છે. કર્મ જીવોને સંસારમાં રખડાવનાર છે એમ જૈન દર્શન માને છે.
જૈન દાર્શનિકોએ ચૈતન્યસ્વરૂપી જીવદ્રવ્ય સાથે કર્મરૂપી અજીવદ્રવ્ય કઈ રીતે મળી જાય છે તે બહુ સૂક્ષ્મતાથી વર્ણવ્યું છે. તેમના મત અનુસાર આ વિશ્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org