________________
ગાથા-૮૨
૬૭૧
જીવને વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા કહ્યો છે.
વસ્તુતઃ આત્મા જો કર્મનો કર્તા હોય તો તે માત્ર વિભાવપરિણામરૂપ ભાવકર્મનો જ કર્તા છે. આત્મા માત્ર પોતાનાં પરિણામનો જ કર્તા છે. આત્મા પોતાના ભાવોનો કર્તા છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા રાગ-દ્વેષરૂપ ભાવકર્મનો કર્તા છે. આત્મા પુદ્ગલકર્મનો કર્તા નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. ભાવકર્મના નિમિત્તે આત્મામાં કાર્પણ વર્ગણાનો કર્મરૂપે બંધ થાય છે, તેથી વ્યવહારનયની દૃષ્ટિએ આત્મા પુદ્ગલકર્મોનો કર્તા છે. આમ, નિશ્ચયથી તે ભાવકર્મનો કર્તા છે અને વ્યવહારથી દ્રવ્યકર્મનો.૧
આત્માને અનાદિ કાળથી કર્મપુદ્ગલનો સંબંધ છે, જેના કારણે તે પોતાના પૂર્ણ ચૈતન્યરૂપમાં પ્રકાશી શકતો નથી. જેમ તપેલા ઉપર ઢાંકણું ઢાંકવાથી તપેલામાં કઈ ખાદ્ય ચીજ છે તે જાણી શકાતી નથી, તેમ આત્મા ઉપર કર્મનાં આવરણ આવી જતાં આત્માના ગુણો પૂર્ણ સ્વરૂપે પ્રગટ થઈ શકતા નથી. કર્મરહિત જીવમાં અર્થાત્ મુક્ત જીવમાં સર્વ સ્વાભાવિક ગુણો પ્રગટ હોય છે, પરંતુ સંસારી જીવ અનંત કાળથી કર્મોથી બદ્ધ હોવાના કારણે તે ગુણોને પ્રગટ કરી શકતો નથી. જીવની સાથે કર્મોનો બંધ હોવાથી જીવના સર્વ સ્વાભાવિક ગુણ અપ્રગટ રહે છે, તેથી તેને પૂર્ણ દર્શન પણ હોતું નથી અને પૂર્ણ જ્ઞાન પણ હોતું નથી. તે પૂર્ણ ચારિત્રવાન પણ હોતો નથી. તેની અનંત શક્તિ અપ્રગટ રહે છે. તેને વિવિધ પ્રકારનાં સુખ-દુઃખ ભોગવવા પડે છે. તેને નિશ્ચિત કાળ સુધી શરીરમાં રહેવું પડે છે, વિવિધ ગતિઓમાં ભટકવું પડે છે. તેને અનેક રૂપો ધારણ કરવાં પડે છે, નીચ અને ઉચ્ચ કુળોમાં જન્મ લેવાં પડે છે. જીવમાં જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ જે અનંત ગુણો વિદ્યમાન છે; તે અનંત ગુણોને આવૃત કરવાની સાથોસાથ જીવને જન્મ-મરણ કરાવવામાં, ઊંચ-નીચ આદિ કહેવરાવવામાં કર્મ કારણભૂત બને છે.
આત્મા પોતે અમૂર્ત છે, પરમ વિશુદ્ધ છે; પરંતુ કર્મના કારણે શરીરની સાથે મૂર્ત બનીને અશુદ્ધ અવસ્થામાં સંસારમાં પરિભ્રમણ કરે છે. પોતે પરમાનંદસ્વરૂપ હોવા છતાં સુખ-દુઃખના ચક્રમાં ફરે છે, અજર-અમર હોવા છતાં જન્મ-મૃત્યુના પ્રવાહમાં વહે છે. જે આત્મા પરમ શક્તિસંપન્ન છે, તે જ દીન, હીન, દુઃખી, દરિદ્રીના રૂપે સંસારમાં યાતના અને કષ્ટ ભોગવે છે.
કર્મની ગતિ ગહન છે, તે ટાળી શકાય તેમ નથી. સેંકડો ભવો વીતી જાય તોપણ ભોગવ્યા વગર કર્મોનો નાશ થતો નથી. ત્રણે લોકમાં કર્મનો પ્રભાવ સર્વત્ર ૧- જુઓ : આચાર્યશ્રી દેવસેનજીકત, ‘નયચક્રાદિ સંગ્રહ', પંચાસ્તિકાયાધિકાર, ગાથા ૧૨૫
‘कम्मं दुविहवियपं भावसहावं च दबसब्भावं । भावे सो णिच्छयदो कत्ता ववहारदो दवे ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org