________________
ગાથા-૮૨
૬૬૭
પરિણમે તો ભાવકર્મની નિષ્પત્તિ થાય છે અને આ ભાવકર્મના નિમિત્તે ફરીથી દ્રવ્યકર્મ બંધાય છે.
જીવના જે રાગાદિ ભાવરૂપ ભાવકર્મ છે, તેનું ફળ દ્રવ્યકર્મ છે. ભાવકર્મ કારણ છે અને દ્રવ્યકર્મ કાર્ય છે. ભાવકર્મ તે દ્રવ્યકર્મના બંધનું કારણ છે અને દ્રવ્યકર્મ એ ભાવકર્મનું કાર્ય છે. વળી, દ્રવ્યકર્મના ઉદય વખતે જીવને તદનુસાર રાગાદિ ભાવ થઈ શકે છે. જીવ ધારે તો તે રાગાદિ ભાવ ન પણ થવા દે, પણ રાગાદિ ભાવ થવા માટે દ્રવ્યકર્મનો ઉદય થવો જરૂરી છે. માટે અહીં દ્રવ્યકર્મ કારણ છે અને ભાવકર્મ કાર્ય છે. આમ, આ બન્ને વચ્ચે કારણ-કાર્યભાવ છે. ભાવકર્મ અને દ્રવ્યકર્મમાં કારણ-કાર્યભાવ છે. એ કારણ-કાર્યભાવ કૂકડી (મરઘી) અને તેના ઈંડાના કારણ-કાર્યભાવ જેવો છે. કૂકડીમાંથી ઈંડું થાય છે એટલે કૂકડી કારણ છે અને ઈંડું એ કાર્ય છે; છતાં જો કોઈ પૂછે કે કૂકડી પહેલી કે ઈંડું પહેલું, તો એનો ઉત્તર આપી શકાતો નથી, કારણ કે કૂકડીમાંથી ઈંડું થાય છે એ સાચું છે, છતાં કૂકડી પણ ઈંડામાંથી ઉત્પન્ન થયેલી છે. કૂકડીમાંથી ઈંડાની અને ઈંડામાંથી કૂકડીની ઉત્પત્તિ છે. બન્નેમાં કારણ-કાર્યભાવ તો છે જ, પરંતુ બન્નેમાં પહેલું કોણ છે એ કહી શકાતું નથી. અને તેથી જ તે બન્નેનો કારણ-કાર્યભાવરૂપ સંબંધ સંતતિની અપેક્ષાએ અનાદિ કહ્યો છે. તેવી જ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે, એટલે ભાવકર્મને કારણ અને દ્રવ્યકર્મને કાર્ય કહેવામાં આવે છે; પરંતુ જો કોઈ એમ પ્રશ્ન કરે કે ભાવકર્મ અને દ્રવ્યકર્મ એ બન્નેમાં પ્રથમ સત્તા કોની માનવી, તો એનો ઉત્તર આપી શકાતો નથી; કારણ કે ભાવકર્મની નિષ્પત્તિ દ્રવ્યકર્મ ન હોય તો થતી નથી, એટલે ભાવકર્મનું કારણ દ્રવ્યકર્મ છે. રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ એ દ્રવ્યકર્મનાં નિમિત્તથી જ થાય છે. જો નિમિત્ત વિના તે ઉત્પન્ન થાય તો તે રાગાદિને આત્માનો સ્વભાવ માનવો પડે અને તેથી મુક્ત આત્માઓમાં પણ રાગાદિ સંભવે. આમ, તેમને પણ બંધનો પ્રસંગ આવે. કોઈ પણ નિમિત્ત વિના જે હોય તેનું નામ સ્વભાવ છે. મુક્ત આત્માઓએ દ્રવ્યકર્મરૂપ નિમિત્તનો આત્યંતિક નાશ કરેલ છે, માટે તેમને પરભાવમાં પરિણમવું પડતું નથી અને તેથી તેઓ કદી નવીન કર્મોથી બંધાતા નથી. તેઓ અનંત કાળ સુધી મુક્ત જ રહેશે. આ રીતે દ્રવ્યકર્મના અભાવમાં ભાવકર્મની નિષ્પત્તિ થતી નથી, એટલે દ્રવ્યકર્મ ભાવકર્મનું કારણ છે. માટે ઈંડા અને કૂકડીની જેમ ભાવકર્મ અને દ્રવ્યકર્મનો સંબંધ, પરસ્પર કારણ-કાર્યભાવ સંતતિની દૃષ્ટિએ અનાદિ છે. એ બન્ને કર્મની પરંપરા અનાદિ કાળની છે.
પહેલાં ઈંડું કે પહેલાં કૂકડી તેની વિચારણા કરતાં છેલ્લે ક્યાંક તો વિરામ લેવો જ પડે છે, અટકવું જ પડે છે. માટે તે બન્નેની અનાદિતા સ્વીકાર્યા વિના ચાલતું નથી. તેની પરંપરા અનાદિ માનવી પડે છે. તે જ પ્રમાણે ભાવકર્મ અને દ્રવ્યકર્મની પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org