________________
૬૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પણ આત્મા કર્તા નથી એમ જો કહીએ તો તો પછી તેનું કંઈ પણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને યોગક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચૈતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે, અને તેથી પરમાર્થનયથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી.’૧
-
દરેક જીવનું પરમાં અક્રિયપણું છે. જીવ પરમાં અક્રિય હોવા છતાં અજ્ઞાન અવસ્થામાં રાગ-દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ તે પરમાં સક્રિય છે. વેદાંતાદિ દર્શન પ્રમાણે જીવને અશુદ્ધ અવસ્થામાં પણ પરનું સક્રિયપણું નથી. જૈન દર્શન અનુસાર જીવનું સ્વભાવવશ પરમાં અક્રિયપણું હોવા છતાં, અશુદ્ધ અવસ્થામાં થતા વૈભાવિક પરિણમનના કારણે પરમાં સક્રિયપણું છે અને મુક્ત દશામાં પરમાં અક્રિયપણું છે. સંસાર અવસ્થામાં શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિપરીતતારૂપ દોષના કારણે જીવને વ્યવહારથી પરનો કર્તા કહ્યો છે, ત્યાં વ્યવહારથી પરનું સક્રિયપણું સ્વીકાર્યું છે અને મુક્ત અવસ્થામાં પરનું અક્રિયપણું કહ્યું છે.
વળી, મુક્ત દશામાં શુદ્ધાત્માને પરનું અક્રિયપણું હોવા છતાં ત્યાં સ્વભાવનું સક્રિયપણું છે. શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો -વિભાવનો કર્તા નથી, માટે અક્રિય (અકર્તા) કહેવા યોગ્ય છે; પણ પોતાના અક્ષય અનંત જ્ઞાન-આનંદ ગુણમાં તેઓ ટકીને પરિણમે છે, માટે તેઓ સ્વભાવના કર્તા છે અને તેથી તેમને સક્રિય (કર્તા) કહેવા યોગ્ય છે. પૂર્ણ, શુદ્ધ, મુક્ત દશામાં પોતાની ચૈતન્યસત્તામાં પોતાના આનંદાદિ ગુણનું ટકીને બદલાવું દરેક સમયે છે; અને તે મુક્ત જીવનું સક્રિયપણું છે.
દરેક વસ્તુનું દ્રવ્યસ્વભાવે નિત્યપણું છે અને તેના ગુણનું નિરંતર પરિણમવાપણું છે. મુક્ત દશામાં પણ દરેક ક્ષણે ગુણનું પરિણમવું થાય છે. જો પોતાના ગુણમાં સક્રિયપણું ન હોય તો ત્રણે કાળની અવસ્થાનો ભોગવટો ન થઈ શકે. જો જીવ ફૂટસ્થ રહે, તદ્દન અક્રિય થઈ જાય તો બીજી ક્ષણનો આનંદ તે જીવને થઈ શકે નહીં; તેથી મુક્તાવસ્થામાં પણ પોતાની ચૈતન્યતામાં ટકીને પરિણમવું થાય છે. ગુણની અવસ્થા પલટવાની અપેક્ષાએ સક્રિયપણું છે અને તે જ સમયે નિત્ય, વસ્તુસ્વભાવે ટકવાની અપેક્ષાએ અક્રિયપણું છે.
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૭ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org