________________
ગાથા-૭૮
૬૦૭
જ્ઞાનીપુરુષોને સર્વ વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ માટે પરમ સ્વીકારભાવ વર્તે છે. આત્માનુભવીને શાતા-અશાતાના ઉદયમાં હર્ષ-શોકાદિ ભાવો થતા નથી. તેઓ તેમાં લુબ્ધ કે ક્ષુબ્ધ થતા નથી. કર્મોદયજન્ય સંયોગ કે વિયોગમાં તેઓ પોતાના આત્માને તેનાથી અળગો જાણતા હોવાથી તેના માટે તેમને રાગ કે દ્વેષનાં પરિણામ થતાં નથી.
‘જગતમાં કંઈ જ મારું નથી' એવી પ્રતીતિ હોવાથી તેમને જગતના પદાર્થો પ્રત્યે રાગદ્વેષ થતા નથી.
રાગાદિ ભાવો અધ્રુવ છે, અનિત્ય છે, અશરણ છે, દુઃખરૂપ છે આમ જાણતા હોવાથી જ્ઞાની તે સર્વથી નિવૃત્ત થાય છે. રાગાદિ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન થયું હોવાથી તેઓ રાગાદિ ભાવોથી નિવર્તે છે. નિર્વિકલ્પ નિર્મળ આત્માને અવલંબતા જ્ઞાની રાગાદિ વિકારી ભાવોથી નિવર્તે છે. જ્ઞાની પોતાના સ્વરૂપમાં રહેતા હોવાથી રાગાદિનો ક્ષય કરે છે. આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતા હોવાથી, પરદ્રવ્યના નિમિત્તથી ચેતનમાં થતા ચંચળ વિકલ્પોને અટકાવીને જ્ઞાની રાગાદિનો ક્ષય કરે છે. જેમ સમુદ્રમાં ઊઠેલા વમળે લાંબા કાળથી વહાણને પકડી રાખ્યું હોય તોપણ જ્યારે વમળ શમે છે ત્યારે તે વહાણને છોડી દે છે; તેમ જ્ઞાની વિકલ્પોના વમળને શમાવીને રાગાદિને છોડી દે છે.
જીવ અજ્ઞાન અવસ્થામાં રાગાદિ કરવારૂપ ભૂલ કરતો હતો. અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનભાવે પરિણમતાં તે રાગાદિ ભાવોનો કર્તા મટી જાય છે. ‘આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પરપદાર્થોની અવસ્થા તે તો મારાં કાર્ય નથી; પણ અંદર જે શુભાશુભ ભાવ થાય છે તે પણ મારાં કાર્ય-કર્તવ્ય નથી' એમ સર્વ પદ્રવ્ય-પરભાવોથી ભિન્ન પડી, નિર્દોષ, પવિત્ર ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં રાગાદિના કર્તાપણાને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે રાગાદિનું કર્તાપણું હતું તે દૂર થઈ જાય અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે જ્ઞાયકના લક્ષે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ રાગાદિના કર્તાપણાને મટાડી દે છે. જ્ઞાનમાં જ્યારે જ્ઞાયકભાવ પકડાય છે ત્યારે શુભાશુભ ભાવોનું કર્તાપણું મટી જાય છે અને જ્ઞાની કર્મોથી છૂટતા જાય છે. રાગનું લક્ષ છોડી દઈ તેઓ જ્ઞાનમાં વર્તે છે, આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. અજ્ઞાન ટળ્યું હોવાથી તેઓ પોતાના જ્ઞાનસ્વભાવના ભાનમાં વર્તે છે, જ્ઞાનસ્વભાવમાં ટકે છે. જ્ઞાનીને નિર્મળ શુદ્ધ સ્વરૂપનું ભાન હોવાથી તેઓ કર્મોદયને જ્ઞાતા-દ્રષ્ટાભાવે વેદે છે, તેથી તેઓ કર્મના કર્તા નહીં પણ સ્વભાવના કર્તા છે.
જેમ ફરતી ઘંટી ઉપર બેઠેલી માખી સ્થિર છે, અર્થાત્ ઘંટી ફરે અને તેની સાથે માખી પણ ફરતી દેખાય, છતાં તે તો સ્થિર જ છે; તેમ જ્ઞાની પણ ઉદય પ્રમાણે વિચરે છતાં નિજસ્વભાવમાં સ્થિર છે, તેથી તેઓ નિજસ્વભાવના કર્તા છે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org