________________
૬૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
થાય? મરકત જેવા ઉત્તમ રત્ન મેળવનારને જેમ કાચના ટુકડાઓ ગમતા નથી, તેમાં પ્રીતિ કે રુચિ રહેતી નથી; તેવી જ રીતે અચિંત્ય ચિંતામણિ એવા નિજ શુદ્ધ આત્મસ્વભાવના જાણનારને સંસારના તુચ્છ અસાર બાહ્ય પદાર્થોમાં રુચિ રહેતી નથી. જ્ઞાનીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનભાવ હોય છે. જ્ઞાનીને જ્ઞાનમયી આત્મા વિના અન્ય કાંઈ રુચતું નથી.
જ્ઞાનીના અંતરમાં જ્ઞાયકભાવની જ મુખ્યતા હોય છે. તેઓ જાણે છે કે ‘હું પરદ્રવ્યનું પરિણમન કરી શકું નહીં તથા પરદ્રવ્ય પણ મારું પરિણમન કરી શકે નહીં. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહીં'; તેથી તેઓ કર્તાભાવરહિત, જાણવાની ક્રિયા જ્ઞપ્તિક્રિયા કરે છે. તેમને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, જ્ઞેયલુબ્ધતા નથી; તેઓ પરિવર્તનોને સતત નિર્લેપભાવે જાણે છે. તેમાં તેઓ તન્મય થતા નથી, માત્ર તેને જુએ છે. પહેલાં દ્રષ્ટાનો વિવેક ન હતો, હવે તે વિવેક જાગી ગયો છે; તેથી બધી પરિસ્થિતિમાં તેઓ દ્રષ્ટા જ રહે છે, સાક્ષીભાવે જ રહે છે. જ્ઞાની સર્વ ઘટનાના સાક્ષીરૂપે જ રહે છે. જ્ઞાની તો માત્ર સાક્ષી છે, કર્તા-ભોક્તા નથી. તેઓ પોતાની અંદર સરકી ગયા હોય છે. તેમણે ભીતરમાં બેઠક જમાવી હોય છે, કર્તા-ભોક્તાભાવમાંથી સાક્ષીભાવમાં સ્થિત થઈ ગયા હોય છે; તેથી બહારના કોઈ પણ પ્રસંગથી અંતરમાં તરંગો ઉત્પન્ન થતા નથી. તેઓ કશાથી પ્રભાવિત થતા નથી. દરેક ઘટના જાણે દર્પણમાં પડતું પ્રતિબિંબ! દર્પણને પ્રતિબિંબથી કોઈ ફરક પડતો નથી. ગંદો માણસ સામે હોય તો દર્પણમાં તથારૂપ પ્રતિબિંબ પડશે, પણ તેથી દર્પણ ગંદું નહીં થાય. ગમે તેવું ગંદું પ્રતિબિંબ દર્પણમાં પડે તોપણ દર્પણ હંમેશાં એવું ને એવું જ રહે છે. ગંદકીનું પ્રતિબિંબ પડવા છતાં દર્પણ તો સ્વચ્છ જ રહે છે. જેમ પ્રતિબિંબોથી દર્પણ મેલું થતું નથી, તેની સ્વચ્છતા કાયમ જ રહે છે; તેમ સાક્ષી પણ સદા સ્વચ્છ રહે છે. જીવનમાં ગમે તેવી ઘટનાઓમાંથી પસાર થાય પણ પોતાની અનંત સ્વચ્છતાની નિર્દોષતાની તેમની પકડ છૂટતી નથી. જ્ઞાનીના જ્ઞાનમાં કંઈ પણ જણાય તોપણ તેઓ જ્ઞાયકભાવે જ રહે છે, કર્તા-ભોક્તા થતા નથી.
-
Jain Education International
જ્ઞાની સાક્ષીભાવે જ રહે છે. ઉદય તેમના સાક્ષીભાવને દૂષિત કરી શકતો નથી. ઉદયકર્મની ધારા તેમની બોધધારાથી અત્યંત દૂર વહે છે. તેઓ ઉદયને બળવાન થવા દેતા નથી. ઉદય બળવાન થતો નથી એની કસોટી એ છે કે તેઓ કશાથી રાજી કે નારાજ થતા નથી. ‘આ આમ થયું હોત તો ઠીક કે આ આમ ન થયું હોત તો ઠીક' એવા વિકલ્પોમાં ઊલઝાતા નથી. તેઓ પરપદાર્થ સંબંધી વિકલ્પોમાં ન અટવાતાં કેવળ પોતાના આત્મભાવમાં જ, તેની રમણતામાં જ મસ્ત રહે છે. તેઓ સ્વરૂપમાં જ મગ્ન રહે છે.
–
For Private & Personal Use Only
www.jainelibrary.org