________________
૫૯
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્પષ્ટ સમજણ જૈન દર્શનમાં આપવામાં આવી છે; એટલે કોઈ પણ બાબતમાં ઈશ્વરીય કર્તુત્વને વિચારવાની જરૂર પણ પડતી નથી. આવી સમજણનો જ્યાં અભાવ છે ત્યાં જ ઈશ્વરકર્તુત્વની કલ્પના આકાર પામી શકે છે.
ઉપરની ચર્ચાનો સાર એ છે કે ઈશ્વરકર્તુત્વવાદી જેમ ક્રિયા કરવામાં ઈશ્વરની પ્રેરણાને સ્થાન આપે છે, તેમ જૈન પરંપરા આપતી નથી. સંસારમાં જે વ્યવસ્થા જણાય છે તેનો આધાર શો છે? એ પ્રશ્નના ઉત્તરરૂપે ઈશ્વરકર્તુત્વવાદીઓ એમ કહે છે કે સર્વશક્તિમાન ઈશ્વર જગતનિયંતા છે. તેઓ કહે છે કે આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે, પરંતુ જૈનો આવા ઈશ્વરના સ્થાને કર્મને મૂકે છે. જૈન દર્શનમાં કર્મના સિદ્ધાંત દ્વારા બધો ખુલાસો થતો હોવાથી, સંસારચક્ર માટે જવાબદાર એવી કોઈ એક સર્વોપરી વ્યક્તિની કલ્પનાની જરૂર તેને જણાઈ નથી. જૈનમત અનુસાર જીવોનાં કર્મોના કારણે જ આ સંસારચક્ર ચાલે છે અને તેમનાં કર્મોના કારણે જ સઘળું વ્યવસ્થિત થાય છે. કર્મ કરવાનું સામર્થ્ય જીવમાં જ છે. ઉપરવાળા કોઈને પણ કર્તા માનવા કરતાં જીવને જ પોતાનાં સારાં-નરસાં કર્મોનો કર્તા માની લેવામાં આવે તો બધી સમસ્યાઓ અને વિટંબણાઓનો ઉકેલ આવી જાય. પછી ઈશ્વરના માથે પણ કોઈ દોષ કે આરોપ મૂકવાનો પ્રશ્ન જ ન રહે.
આમ, ઈશ્વરકર્તુત્વ કોઈ પણ રીતે ઘટી શકતું નથી. કર્તારૂપે ઈશ્વરની માન્યતા જૈન દર્શનને સ્વીકાર્ય નથી. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એ જ સમસ્ત સંસારનો કર્તા છે, સંસારના સચરાચર બધા પદાર્થોનો એ સંચાલક છે એવી કલ્પનાને જૈન દર્શનમાં સ્થાન નથી. જૈન દર્શનના મત અનુસાર કૃતકૃત્ય એવા ઈશ્વરને દુનિયા બનાવવાના પ્રપંચમાં નાખવા ઉચિત નથી.
જૈન દર્શન ઈશ્વરકર્તુત્વને સ્વીકારતું નથી, પરંતુ તેનાથી એમ ન સમજવું કે જૈન દર્શન ઈશ્વરને માનતું જ નથી. જૈન દાર્શનિકો ઈશ્વરકર્તુત્વવાદને માનતા ન હોવાથી જૈન દર્શનને અનીશ્વરવાદી દર્શન તરીકે પોતાના ગ્રંથોમાં ઉલ્લેખવાનું દુઃસાહસ વ્યાપક રૂપમાં કરવામાં આવ્યું છે. જૈન દર્શનને નાસ્તિક કહેવા સુધીનું દુઃસાહસ પણ કેટલાક લોકોએ કર્યું છે. તેથી એટલું સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જૈનો ઈશ્વરત્વ અથવા ઈશ્વરીય સ્વરૂપમાં શ્રદ્ધા નથી ધરાવતા એમ છે જ નહીં. જૈનો ઈશ્વરને માને જ છે, પરંતુ ઈશ્વર જગતનો કર્યા છે અને કર્મનો પ્રેરક છે એમ તેઓ નથી માનતા. જૈનોએ ઈશ્વરની સત્તાનો નિષેધ નથી કર્યો પણ ઈશ્વરકર્તુત્વવાદનો નિષેધ કર્યો છે. વૈદિક પરંપરામાં ઈશ્વરનું જગતકર્તા તરીકેનું જે સ્થાન છે, તેનો જૈન પરંપરામાં કોઈ અવકાશ નથી. નિત્ય ઈશ્વરનું સાક્ષી તરીકેનું સ્થાન કે જે યોગ પરંપરામાં સચવાયું છે, તે પણ જૈન પરંપરામાં નથી. જૈન પરંપરામાં આધ્યાત્મિક સાધનાના શિખરે પહોંચેલ જીવ, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org