________________
ગાથા-૪૪
૨૯
અને પ્રમાણિત રજૂઆત કરીને તેના ઉપર જૈન દર્શનની માન્યતાઓનું એવું ખૂબીથી નિરૂપણ કર્યું છે કે તે ગ્રંથ હૃદયગ્રાહી બની જાય છે. તેમાં તેમણે કરેલ અન્ય દાર્શનિકોના સિદ્ધાંતોનું ખંડન વિતંડના સ્વરૂપે નથી, પરંતુ દરેકે દરેક પ્રશ્ન ઉપર જૈન દર્શનની સ્પષ્ટ માન્યતાનું સચોટ નિરૂપણ સરળ પ્રવાહી ભાષામાં કરવામાં આવ્યું છે. અન્ય દર્શનોના વિદ્વાનો માટે જડ, પ્રાકૃત, તામસ વગેરે કટુ શબ્દો ન વાપરતાં, તેમણે શ્રી વ્યાસને ઋષિ, શ્રી કપિલને પરમર્ષિ અને શ્રી ઉદયનને પ્રામાણિક પ્રકાંડ કહી પોતાની મસહિષ્ણુતાનો પરિચય આપ્યો છે. તેમનું અન્ય દર્શનોનું જ્ઞાન અને તે પ્રત્યેનું વિચાર-ઔદાર્ય પ્રશંસનીય છે. તેમની શૈલી સમૃદ્ધિના કારણે આ ગ્રંથ માત્ર ટીકાગ્રંથ નહીં રહેતાં એક સ્વતંત્ર મૌલિક રચના તરીકે ગણના પામ્યો છે. આ બધાં કારણોને લઈને ‘સ્યાદ્વાદ મંજરી' ભારતીય દર્શનનો અને તેમાં પણ જૈન દર્શનનો એક સુંદર ગ્રંથ છે.
નવ્યન્યાયના અસાધારણ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે (વિક્રમની અઢારમી શતાબ્દીમાં) પણ પોતાના ‘તર્કભાષા’, ‘અનેકાંતવ્યવસ્થા', ‘જ્ઞાનબિંદુ' આદિ ગ્રંથોમાં અન્ય દર્શનોની દલીલો રજૂ કરી છે. તેમના ‘અધ્યાત્મસાર' નામના ગ્રંથના સમકિત અધિકારમાં અન્ય દર્શનોની દલીલો દર્શાવી તેનું સમાધાન અત્યંત સરળ અને સચોટ રીતે નિરૂપવામાં આવ્યાં છે. ‘સમ્યક્ત્વ સ્થાન ચઉપઇ' નામના ગ્રંથમાં અન્ય દર્શનોની એકાંત માન્યતાઓનું ખંડન કરી, સ્વાવાદ દ્વારા તે સર્વનો સમન્વય સાધ્યો છે. આ ગંભીર વિષયને તેમણે ગુજરાતી ભાષામાં રજૂ કર્યો છે, જે તેમનું અનોખું ભાષાપ્રભુત્વ અને અગાધ વિદ્વત્તાનું ફળ છે. અન્યથા આવો ગંભીર વિષય આવી લોકભાષામાં રજૂ કરવો દુષ્કર છે.
શ્રીમદે (વિક્રમની વીસમી શતાબ્દીમાં) “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં, જેનો વિચાર કરવાથી સમકિત પ્રાપ્ત થાય એવાં આત્માનાં છ પદનો બોધ કર્યો છે. આ શાસ્ત્રમાં ગુરુશિષ્યસંવાદ દ્વારા આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ધાર કરાવી તેઓશ્રીએ પરમાર્થપ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે. તેની યોજના એવા પ્રકારે કરી છે કે જેથી જગતમાં પ્રવર્તી રહેલાં ષડ્રદર્શનનો સાર તેમાં આવી જાય. ચાર્વાક, બૌદ્ધ, ન્યાય વગેરે દર્શનોનો મત શિષ્યની શંકારૂપે રજૂ કરી, સદ્ગુરુ દ્વારા તેનું યથાર્થ સમાધાન આપવામાં આવ્યું છે. શિષ્ય પોતાના મતના સમર્થન માટે અનેક દલીલો રજૂ કરે છે અને સદ્ગુરુ તેની દલીલોમાં રહેલી ભૂલ બતાવી, વસ્તુસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવી તેના ચિત્તનું સમાધાન કરે છે.
પ્રસિદ્ધ એવાં છ દર્શનોમાંથી કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, તો કોઈ એકાંત અનિત્ય માને છે; કોઈ આત્માને એકાંતે અકર્તા કહે છે, તો કોઈ એકાંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org