________________
ગાથા-૭૭
૫૭૭
નથી. આમ, ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી. ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી તે સિદ્ધ કરવા અન્ય એક તર્ક રજૂ કરતાં શ્રીમદ્ લખે છે
‘તે જગતકર્તા નથી, અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જો ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે.’૧
-
વળી, ઈશ્વરે જગત બનાવ્યું તો શેમાંથી બનાવ્યું? જગતનું ઉપાદાનકારણ શું? આના જવાબમાં કેટલાક ઈશ્વરકતૃત્વવાદીઓ એમ કહે છે કે ઈશ્વર સર્વશક્તિમાન છે, તે ઉપાદાનકારણ વિના પણ જગત બનાવી શકે છે. પરંતુ આમ કહેવું જરા પણ યુક્તિસંગત નથી. આવું કહેવા માટે કોઈ પ્રમાણ નથી. જેમ ગધેડાના શિંગડાં માટે કોઈ પ્રમાણ નથી, તેમ આ કથન માટે પણ કોઈ પ્રમાણ નથી. ઉપાદાનકારણ વિના કદાપિ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી.
કેટલાક એમ માને છે કે આદિમાં ઈશ્વરે તત્ત્વનું સર્જન શૂન્યમાંથી કર્યું હતું. પરંતુ ઈશ્વર શૂન્યમાંથી તત્ત્વનું સર્જન કરી શકે એમ જો માનવામાં આવે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈશ્વર શૂન્યમાંથી તત્ત્વનું સર્જન કેવી રીતે કરે? એ કેવળ અશક્ય છે, કારણ કે શૂન્યમાંથી કશું સર્જી શકાય નહીં. અસનો સદ્ભાવ અને સત્નો અભાવ થતો નથી. જે નથી તે કદી ઉત્પન્ન થતું નથી, જે છે તેનો કદી નાશ થતો નથી. તો પછી આદિમાં ઈશ્વરે તત્ત્વને રચ્યું હોય તો શેમાંથી રચ્યું? આ પ્રશ્નનો ઉત્તર એમ આપી શકાય કે મૂળ તત્ત્વ તો હતું જ અને તે નિત્ય છે. તેનો આદિ નથી તથા તેનો અંત પણ નથી, કારણ કે મૂળનું મૂળ હોતું જ નથી. પરિણામે એમ માન્યા વિના છૂટકો જ નથી કે ઈશ્વર કે બીજું કોઈ તત્ત્વને રચી શકે નહીં. તત્ત્વ નિત્ય જ છે એ વાતમાં કંઈ જ સંદેહ નથી.
જો તત્ત્વ નિત્ય જ છે તો પછી હવે એ પ્રશ્ન થાય છે કે એ તત્ત્વમાંથી ઈશ્વર આ વિશ્વને રચી શકે કે નહીં? તેનું સમાધાન એ છે કે તત્ત્વ તો પ્રથમથી છે જ. જો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૨૬ (પત્રાંક-૫૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org