________________
૫૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રગટાવી ચૂક્યા છે; જેઓ વીતરાગ, નિરાકુળ, કૃતકૃત્યપદને પામ્યા છે એવા ઈશ્વર, નિજાનંદની મોજ મૂકીને શા માટે જગતના જીવોનાં કર્મના કર્તા થવા જાય? એવી વ્યાકુળતારૂપ ઇચ્છા ઉત્પન્ન થવાનું કારણ શું? કોઈકને સારાં તો કોઈકને ખરાબ કર્મ કરવાની પ્રેરણા શા માટે કરે? ઇત્યાદિ અનેક દોષો ઈશ્વરને પ્રેરકકર્તા ગણતાં ઉદ્ભવે છે.
ઈશ્વરીય પ્રેરણાથી જીવ કર્મ બાંધે છે એમ માનતાં ઈશ્વરમાં દોષોનો પાર રહે નહીં. ઈશ્વરને કર્મની પ્રેરણા આપનાર માનવાથી તેમને ઉપાધિવાળા માનવા પડે અને ઈશ્વર જો ઉપાધિવાળા હોય તો તેમનામાં અને સંસારી જીવમાં કોઈ ફરક રહે નહીં. ઈશ્વરને પ્રેરકકર્તા માનવાથી તેઓ રાગાદિ દોષોના પ્રભાવવાળા થઈ જાય અને તેથી તેમનું ઈશ્વરપણું જ રહે નહીં. આમ, કોઈ પણ પ્રકારે ઈશ્વરનું કર્તાપણું સિદ્ધ થઈ શકતું નથી. તેથી એમ ફલિત થાય છે કે જીવનાં કર્મનો કર્તા જીવ પોતે જ છે, પ્રકૃતિ કે ઈશ્વર નથી.
- ઈશ્વરકર્તુત્વવાદીઓની માન્યતા છે કે આ સૃષ્ટિની રચના ઈશ્વરે કરી છે. વિશેષાર્થ
દૃષ્ટિગોચર થતું આ ચરાચર જગત ઈશ્વરે બનાવ્યું છે. નદી અને સમુદ્ર, નાળાં અને તળાવ, ડુંગરાઓ અને ખીણો, ધરતી અને આકાશ, પાણી અને હવા, વન અને બગીચાઓ આ સર્વ ઈશ્વરે બનાવ્યાં છે. ઈશ્વરે જ બધું બનાવ્યું છે. ઈશ્વર જ બધાંનો ઘડવૈયો છે. સૃષ્ટિનો વિધાતા, પાલનહાર તથા સંહારક ઈશ્વર જ છે.
ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરને જગતના નિયંતા તરીકે સ્વીકારે છે અને માને છે કે ઈશ્વરની ઇચ્છા વિના ઝાડનું પાંદડું પણ નથી હાલતું. તેથી જ તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય', ‘ઉપરવાળાની મરજી મુજબ થશે', “ધણીનું ધાર્યું થાય', ‘માલિક કરશે એમ જ થશે' ઇત્યાદિ કથનો કરતા હોય છે. તેઓ ઈશ્વરને જગતનો કર્તા તથા જીવોનાં સુખ-દુઃખનો કર્તા માને છે; પરંતુ ઈશ્વરને કર્તા ગણવાથી તો તેનામાં ઘણા બધા દોષો આવે છે. તે દોષો કઈ રીતે આવે છે તે સમજવા માટે પ્રથમ તો ઈશ્વરનું સ્વરૂપ નિર્ધારવું ઘટે છે. ઈશ્વરનું સર્વમાન્ય સ્વરૂપ નક્કી કરવું જરૂરી છે.
ઈશ્વર એટલે વિશુદ્ધ ચેતના. જેઓ પૂર્ણ, શુદ્ધ, પવિત્ર છે તે છે ઈશ્વર. સર્વ કર્મથી રહિત એવા શુદ્ધાત્મા તે ઈશ્વર છે. ઈશ્વર નિર્મળ, નિરંજન, નિષ્કલંક છે. તેમનામાં કિંચિત્માત્ર પણ અશુદ્ધતા કે અપૂર્ણતા નથી. તેમનામાં લેશમાત્ર પણ રાગાદિ વિભાવો નથી. તેઓ સર્વજ્ઞ-સર્વદર્શી છે. તેમનામાં અનંત શક્તિઓ છે. તેમને અપાર, અમર્યાદિત, અનહદ, અદ્વિતીય આનંદ હોય છે. તે આનંદને માણવામાં તેઓ તલ્લીન હોય છે. તેમને કોઈ આકુળતા-વ્યાકુળતા કે દુઃખ નથી. તેમને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ નથી. તેઓ કૃતકૃત્ય દશામાં બિરાજમાન છે. ઈશ્વર સર્વોત્કૃષ્ટ દશાવાન છે. ઈશ્વરના વર્ણન માટે તો ગ્રંથોના ગ્રંથો, શાસ્ત્રોના શાસ્ત્રો લખાયાં છે. ટૂંકમાં શુદ્ધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org