________________
૫૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે. વળી, વિષયનો ઉપભોગ કરવા છતાં પણ પ્રકૃતિ પ્રવૃત્તિશીલ હોવાથી ફરીથી તે વિષયમાં પ્રવૃત્તિ કરે છે, તેમ વિવેકખ્યાતિ થવા છતાં પણ પ્રકૃતિનો સ્વભાવ પ્રવૃત્તિ કરવાનો હોવાથી ફરીથી પુરુષાર્થ માટે તે પ્રવૃત્તિ કરશે. નર્તકીનું દૃષ્ટાંત પણ સાંખ્યમતના સિદ્ધાંતનું ઘાતક છે, કારણ કે નર્તકી પ્રેક્ષકોને એક વાર નૃત્ય દેખાડીને નિવૃત્ત થવા છતાં પણ નૃત્ય સારું હોવાથી પ્રેક્ષકોને કુતૂહલ થાય છે, તેથી નર્તકી પુનઃ નૃત્ય માટે પ્રવૃત્ત પણ થાય છે; તેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું સ્વરૂપ દેખાડીને પુનઃ પુરુષાર્થ માટે પ્રવૃત્ત કેમ ન થાય? તેથી પ્રકૃતિનો બંધ-મોક્ષ નહીં માનતા પુરુષનો સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ મોક્ષ જ સ્વીકારવો શ્રેષ્ઠ છે. પુરુષનો જ બંધ, મોક્ષ અને સંસાર માનવો જોઈએ. અનેક પુરુષોમાં આશ્રિત એવી પ્રકૃતિનો જ બંધ, મોક્ષ અને સંસાર છે, પરંતુ પુરુષનો નથી એમ કહેવું યુક્તિયુક્ત નથી.
- નર્તકી તો ધનપ્રાપ્તિ વગેરે પ્રયોજન માટે નાચે છે અને અવસર જોઈને, દાનાદિની પ્રાપ્તિ થઈ ગયેલી જોઈને નાચતી બંધ થઈ જાય છે. આ નાચવું અને અટકવું એ બને નર્તકી પોતાના અનુભવથી કરે છે. અચેતન એવી પ્રકૃતિ તો આ બન્ને કઈ રીતે કરી શકે? સાંખ્યોને કર્તા તરીકે પુરુષ માન્ય નથી અને પ્રકૃતિને પોતાને તો પોતે જડ હોવાથી કોઈ અનુભવ નથી, તો આ સઘળાં કથન બંધબેસતાં કઈ રીતે થાય? વળી, ‘જેમ નર્તકી સભાને પોતાની જાત દેખાડી પાછી ફરે છે, તેમ પુરુષને પોતાનું જ્ઞાન કરાવીને પ્રકૃતિ નિવૃત્ત થાય છે' એવું સાંખો કહે છે; પરંતુ પુરુષને આત્મદર્શન કરાવવું એ જડ અચેતન એવી પ્રકૃતિને સંભવતું નથી. આત્મદર્શન કરાવવાનું પ્રકૃતિને કોઈ પ્રયોજન પણ નથી કે એ અંગેનું જ્ઞાન પણ નથી. તો એ કઈ રીતે આત્મદર્શન કરાવે?
સાંખ્યમત પ્રમાણે પુરુષ કૂટસ્થ નિત્ય છે અને પ્રકૃતિના વિયોગને પુરુષનો મોક્ષ માન્યો છે તે યુક્તિયુક્ત નથી, કારણ કે મોક્ષ થાય ત્યારે આત્માની દશા ફરે છે કે નહીં તે વિષે સાંખ્યો સ્પષ્ટ સમાધાન આપી શકતા નથી. પૂર્વે જે સંસારી દશા હતી તેમાં ફેરફાર થઈને નવી શુદ્ધ, મુક્ત અવસ્થા પ્રગટ થાય છે કે કોઈ પણ જાતના ફેરફાર વિનાની એની એ જ સંસારી દશા કાયમ રહે છે? દશા ફેરફાર પામે છે એમ જો તેઓ કહે તો સાંખ્યસમ્મત કૂટસ્થ નિત્યપણું ઊડી જાય છે અને આત્મામાં પરિણામી નિત્યપણું સિદ્ધ થાય છે. જેનું કોઈ નવું સ્વરૂપ ક્યારે પણ ઉત્પન્ન ન થાય કે જૂનું
સ્વરૂપ ક્યારે પણ નાશ ન પામે પણ સ્થિર રહે, ફેરફાર વિનાનું રહે તે કૂટસ્થ નિત્ય કહેવાય છે. તેથી મોક્ષદશા જો નવી પ્રગટ થાય તો પુરુષની કૂટસ્થ નિત્યતા તો રહે જ નહીં. કૂટસ્થ નિત્યતાને અબાધિત રાખવા જો તેઓ એમ કહે કે “એની સંસારી દશા જે હતી તે જ કોઈ પણ જાતના ફેરફાર વિના પછી પણ રહે છે'; તો પછી સંસારી દશા કરતાં મુક્ત દશામાં અધિક શું થયું? આત્મા પહેલાં પણ શુદ્ધ હતો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org