________________
૫૫૯
તો માનેલી જ છે, તેથી તે જ પુરુષ હોવી સિદ્ધ થઈ જશે. વળી, બુદ્ધિ જો નિત્ય છે તો પુરુષને ઉપાધિરૂપે વળગેલી તે બુદ્ધિ ક્યારે પણ દૂર નહીં થાય અને તો પછી પુરુષનો મોક્ષ કેવી રીતે થાય? બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તો તેનો નાશ થતાં વાસના ક્યાં રહેશે? અને જો વાસના કશેક પણ ન રહે તો પુનઃ પ્રપંચની ઉત્પત્તિ કેવી રીતે થઈ શકે? જો એમ માનવામાં આવે કે બુદ્ધિનો નાશ થતાં વાસના પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને પ્રકૃતિમાં રહી તે પ્રપંચોત્પત્તિ કરે છે, તો પછી બુદ્ધિ જેવા સ્વતંત્ર તત્ત્વની સિદ્ધિ કરવાનું કોઈ પ્રયોજન નહીં રહે. પ્રકૃતિમાં રહેલી વાસના પણ જો બુદ્ધિમાં રહીને જે કામ તેણે કરવાનું હતું તે કરી શકે, તો જ્ઞાનાદિ ગુણો પણ બુદ્ધિમાં આશ્રિત તરીકે ઉત્પન્ન થઈને પછી જે કાર્ય કરી શકે તે કાર્ય પ્રકૃતિમાં જ આશ્રિત તરીકે આવિર્ભાવ પામીને પણ કરી શકે એમ માની શકાય. આમ, બુદ્ધિને નિત્ય કે અનિત્ય બન્નેમાંથી એક પણ માની શકાતી નહીં હોવાથી બુદ્ધિ જેવું તત્ત્વ સિદ્ધ થતું નથી.
ગાથા-૭૬
વળી, જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિનાં હોય, આત્માને બંધાવાનું કે મુકાવાનું હોય જ નહીં, તો પછી સાંખ્યદર્શનપ્રવર્તક કપિલે જે કહ્યું છે તે મિથ્યા ઠરવાની આપત્તિ આવશે. મહર્ષિ કપિલે કહ્યું છે કે પચ્ચીસ તત્ત્વને જાણનારો ગમે તે હોય ગૃહસ્થાશ્રમમાં રહેતો હોય, જટાધારી સંન્યાસી હોય, જટા વિનાનો મુણ્ડ હોય કે શિખાધારી હોય; ગમે તે હોય પણ તે પુરુષનો અવશ્ય મોક્ષ થાય છે એમાં કોઈ સંદેહ નથી. આ વિધાન તો પુરુષના મોક્ષની વાત કરે છે અને જો પુરુષનો મોક્ષ હોય તો તેનો બંધ પણ હોય જ, કેમ કે બંધાયા વિના મોક્ષ કેવો? અને જો પુરુષ બંધાતો હોય તો તેને કર્મનો કર્તા-ભોક્તા માનવો જ રહ્યો.
જો જીવ કર્મ વગેરેનો કર્તા નથી તો તેને કર્મ વગેરેનું બંધન હોવું ઘટે નહીં અને જો બંધન હોવું ન ઘટે તો પછી મોક્ષ તો ઘટી શકે જ નહીં, કેમ કે બંધનમાંથી છુટકારો થવો એ મોક્ષ છે. આની સામે સાંખ્યો એમ કહે છે કે અમે પણ જીવને બંધ થાય છે એવું કહેતા જ નથી. અમે તો એમ કહીએ છીએ કે પ્રકૃતિ ક્રિયાવાળી હોવાથી તે જ બંધાય છે. વળી, સાત્ત્વિક, રાજસ અને તામસ ભાવ સાથે પણ પ્રકૃતિને જ સંબંધ છે અને તેથી પ્રકૃતિ જ બંધાય છે; માટે પુરુષને બંધ હોવો ન ઘટે. તેઓ કહે છે કે પ્રકૃતિ અને વિકૃતિથી ભિન્ન એવા પુરુષનો બંધ અને મોક્ષ થતો નથી, પરંતુ પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ થાય છે. આત્મા કદાપિ બંધાયેલો નથી તેમ છૂટો પણ નથી, પરંતુ પ્રકૃતિ પોતાનાં પરિણામ દ્વારા બંધાય છે અને મુક્ત થાય છે; અર્થાત્ બંધ અને મોક્ષ પ્રકૃતિના આશ્રયે રહેલ છે અને તેનો આત્માને વિષે ઉપચાર કરીએ છીએ, તેથી આત્માનો બંધ અને મોક્ષ કહ્યો છે. પુરુષના બંધ-મોક્ષ તો ઉપચારથી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org