________________
ગાથા-૭૬
પપ૭ વળી, મુક્ત જીવોને પ્રતિબિંબનો અભાવ હોવાથી મુક્તપણું છે અને સંસારના જીવોને પ્રતિબિંબનો અભાવ હોવાથી તેમને મુક્તપણું નથી, એવી સાંખ્યવાદીઓની દલીલનો જવાબ આ પ્રમાણે પણ આપી શકાય કે મુક્ત જીવોને સંસારી અવસ્થામાં જો પ્રતિબિંબિત થવાનો સ્વભાવ હોય તો તે મુક્ત અવસ્થામાં પણ કાયમ રહે, કારણ કે સાંખ્યમતમાં આત્મા કૂટસ્થ નિત્ય માનેલ છે, અર્થાત્ તેનો કોઈ પણ સ્વભાવ કોઈ પણ કાળે બદલાતો નથી. મુક્ત અવસ્થામાં પ્રતિબિંબિત થવાનો સ્વભાવ મટીને અપ્રતિબિંબિત થવાનો સ્વભાવ થાય છે એમ કહેવામાં આવે તો આ કથન પણ વ્યાજબી નથી, કારણ કે એક સ્વભાવનો વિનાશ અને બીજા સ્વભાવની ઉત્પત્તિ માનવાથી આત્માનું ફૂટસ્થ નિત્યપણું ટકી શકતું નથી. જો પુરુષમાં પૂર્વરૂપનો ત્યાગ અને ઉત્તરરૂપની પ્રાપ્તિ
સ્વીકારવામાં આવે તો પુરુષમાં સક્રિયતા આવી જાય છે, પરંતુ પુરુષનું સક્રિયપણું તો સાંખ્ય દર્શનને મંજૂર નથી.
વળી, આત્માને કર્તા તથા ભોક્તા નહીં માનતાં અને બુદ્ધિને કર્તા તથા ભોક્તા માનતાં અન્ય એક દૂષણ પણ આવે છે. શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તો સમજાય કે સાંખ્ય દર્શનની આ માન્યતા યુક્તિસંગત નથી, કેમ કે ચેતનમાં ચૈતન્ય રહે અને કૃતિ (કર્તુત્વ) વગેરે ગુણો બુદ્ધિમાં રહે તે વાત જ બરાબર નથી. નિયમ તો એમ છે કે ચૈતન્ય અને કૃતિ એક સ્થાને રહેનારાં છે. જો ચૈતન્ય અને કૃતિના સમાનાધિકરણની વાત જવા દઈએ તોપણ પ્રશ્ન એ થાય કે જે જડ બુદ્ધિને સાંખ્ય દર્શને કર્કી અને ભોત્રી માની છે, તે બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય? પ્રકૃતિના પ્રથમ પરિણામરૂપ તથા શુભાશુભ કર્મના કર્તા-ભોક્તારૂપ બુદ્ધિને જો નિત્ય માનવામાં આવે તો કદાપિ પુરુષનો મોક્ષ નહીં થવાની આપત્તિ આવશે, કેમ કે સાંખ્યમત પ્રમાણે બુદ્ધિના અભાવને જ મોક્ષ કહ્યો છે અને તેવા મોક્ષથી તો બુદ્ધિનો ક્ષય થશે અને તેથી બુદ્ધિની નિત્યતાની હાનિ થશે. બુદ્ધિ જો નિત્ય માનવામાં આવે તો તે ઉપાધિરૂપે પુરુષને વળગેલી હોવાથી પુરુષનો મોક્ષ અસંભવ ઠરશે અને પુરુષના મોક્ષ માટે જો બુદ્ધિનો નાશ માનવામાં આવે તો પછી બુદ્ધિને નિત્ય માનવાની વાત ઊડી જશે; એટલે કે બુદ્ધિને નિત્ય માની શકાય તેમ નથી. જો બુદ્ધિને અનિત્ય માનવામાં આવે તો તેનો અર્થ એ થયો કે બુદ્ધિ ઉત્પન્ન થનારી વસ્તુ છે, તેથી જ્યાં સુધી બુદ્ધિની ઉત્પત્તિ જ થઈ ન હતી ત્યાં સુધી, બુદ્ધિ વિના ઉત્પન્ન નહીં થઈ શકનારા અને બુદ્ધિમાં જ રહી શકનારા એવા ધર્મ-અધર્માદિ પણ ઉત્પન્ન ન જ થયા હોય. જો આમ હોય તો પુરુષનો સંસાર જ ક્યાંથી રહે? અર્થાત્ ત્યારે જ પુરુષનો મોક્ષ થઈ ગયો હોત, કેમ કે ધર્મ-અધર્મથી જ સંસાર સંભવે છે. તે ધર્મ-અધર્માદિ વિનાનો પુરુષ જો ક્યારેક પણ હતો તો તે વખતે જ તેનો મોક્ષ કેમ ન થઈ ગયો? એ વખતે તેને સંસારમાં પકડી રાખનાર કોણ હતું? તેથી બુદ્ધિને જો અનિત્ય માનવામાં આવે તો સંસાર એટલે કે ભવ નહીં થાય, કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org