________________
પપ૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બુદ્ધિરૂપ તત્ત્વથી પદાર્થના બોધરૂપ જે જ્ઞાન થાય છે તે આત્માનો ધર્મ નથી, પણ તે પ્રકૃતિના વિકારનો જ ધર્મ છે. ચેતનાશક્તિ પદાર્થનું જ્ઞાન કરતી નથી, બુદ્ધિથી પદાર્થનું જ્ઞાન થાય છે એમ તેનો સિદ્ધાંત છે. પરંતુ “ચેતનાશક્તિ પદાર્થોના જ્ઞાનથી શૂન્ય છે' એ તેમનું વચન મિથ્યા છે. ‘વિત્' ધાતુ જ્ઞાનના અર્થમાં પ્રયુક્ત હોવાથી, જાણવું અથવા જેના વડે જણાય તે ચિત્ કહેવાય છે. તેથી જો ચેતનાશક્તિ સ્વ અને પર(પદાર્થ)નું જ્ઞાન કરી શકતી ન હોય તો તે ચેતનાશક્તિ કહેવાશે નહીં.
વળી, અમૂર્ત એવી ચેતનાશક્તિનું બુદ્ધિમાં પ્રતિબિંબ પણ પડી શકે નહીં, કેમ કે પ્રતિબિંબ તો મૂર્ત પદાર્થનું જ પડે છે. અરૂપી એવા આકાશનું જેમ દર્પણમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ બુદ્ધિમાં અરૂપી ચેતનનું પ્રતિબિંબ પડતું નથી. કોઈ કહે કે ઊંડા કૂવા વગેરેમાં પાણી ઊંડું છે' એવું જે કહેવાય છે તે તેમાં પડેલા આકાશના પ્રતિબિંબને જોઈને જ કહેવાય છે, તો પછી અરૂપીનું પ્રતિબિંબ ન પડે એવું શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે એમાં જે ગંભીરપણું ભાસે છે તે પાણીનો ધર્મ છે, આકાશનો નહીં; માટે તે પ્રતિબિંબ આકાશનું નથી.
દર્પણ વગેરે સ્વચ્છ દ્રવ્યમાં અન્ય વસ્તુની જે છાયા પડે છે, તેને પ્રતિબિંબ કહેવાય છે. દર્પણની અંદર દેહના જે અવયવો (પુદ્ગલો) સંક્રાંત થયા હોય છે તેને પ્રકાશનો યોગ થવાથી તેની દર્પણમાં ઉપલબ્ધિ થાય છે, તેનું દર્શન થાય છે, અન્ય પુદ્ગલોનું દર્શન થતું નથી. આ પ્રતિબિંબ સ્થળ પુદ્ગલોનું જ હોય છે. આમ, સ્થૂળ પુદ્ગલમય દેહ વગેરે દ્રવ્યનું જ પ્રતિબિંબ પડે છે એ વાત નક્કી થઈ; તેથી પ્રશ્ન થાય કે અશરીરી અરૂપી એવા આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં કઈ રીતે પડે? પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડી શકતું નથી.
અરૂપી એવા પુરુષનું ચૈતન્ય જો બુદ્ધિમાં સંક્રમી શકે તો આકાશ વગેરે અરૂપી દ્રવ્યના ગુણ પણ બુદ્ધિમાં શા માટે ન સંક્રમે? અર્થાત્ જો એ નથી સંક્રમી શકતા તો ચૈતન્ય પણ કઈ રીતે સંક્રમી શકે? આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં કહે છે કે પુરુષનું પ્રતિબિંબ હોઈ જ શકતું નથી, કારણ કે જે મૂર્ત હોય (રૂપાદિવાળી વસ્તુ હોય) તેનું જ પ્રતિબિંબ હોઈ શકે અને આત્મા તો મૂર્તિ નહીં પણ અમૂર્ત જ છે. વળી, મુક્ત આત્માની જેમ સંસારી જીવોને પણ પ્રતિબિંબનો અભાવ હોવાથી સકળ સંસારના જીવો મુક્ત થઈ જશે અને તેથી કોઈ પણ આત્માના આશ્રયે ભોગ નામની વસ્તુ ઘટી શકશે નહીં.૧ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૨૩
'प्रतिबिम्बोदयोऽप्यस्य नामूर्तत्वेन युज्यते । मुक्तैरतिप्रसंगाच्च न वै भोगः कदाचन ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org