________________
ગાથા-૭૬
૫૫૧
કરી તેને અશુદ્ધ કહેવો તે નય છે અને આત્માને સર્વથા શુદ્ધ કે સર્વથા અશુદ્ધ કહેવો તે દુર્નય છે. આત્માની વર્તમાન અશુદ્ધ અવસ્થાના નિષેધપૂર્વક આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વભાવનો જ શિષ્ય સ્વીકાર કર્યો છે, જે તેની શંકાના “સદા' શબ્દ દ્વારા અભિપ્રેત છે (‘આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ'). તેની માન્યતામાં રહેલી એકાંતપણાની આ ભૂલને સમજાવી, આત્માના શુદ્ધાશુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરી, આત્મા અપેક્ષાએ અસંગ (શુદ્ધ) અને અપેક્ષાએ સસંગ (અશુદ્ધ) છે એમ બતાવી, આત્મા સર્વથા અબંધ નથી પણ અપેક્ષાએ કર્મનો કર્તા છે એમ આ ગાથામાં શ્રીગુરુ સિદ્ધ કરે છે.
શ્રીગુરુ શિષ્યની શંકાનું સમાધાન કરતાં કહે છે કે આત્માને સદા અસંગ માનવા યોગ્ય નથી. જો આત્માને કોઈ સંગ જ ન હોત તો તે તને તેવા અસંગ સ્વરૂપે પ્રગટ અનુભૂતિથી જણાવો જોઈતો હતો. જો આત્મા કેવળ (સર્વ પ્રકારે) શુદ્ધ અને અસંગ હોત, અર્થાત્ જો તેને પરભાવનું કરવાપણું ન હોય એવો શુદ્ધ હોત અને ક્યારે પણ કર્મનું કરવાપણું ન હોય એવો કર્મસંગરહિત અસંગ હોત તો સુખ-દુઃખના ઉછાળા વિનાના, કર્મબંધરહિત એવા શુદ્ધ આત્માનો અનુભવ તને પ્રથમથી જ થવો જોઈતો હતો; પરંતુ તેવો અસંગ આત્મા અનુભવમાં આવતો નથી અને એ જ સૂચવે છે કે તે સસંગ છે, અર્થાત્ વર્તમાનમાં તેને કર્મ-આવરણરૂપ સંગ અવશ્ય છે. જો આત્મા સદા શુદ્ધ અને અસંગ હોત તો તેનું તે રૂપ પ્રગટ જણાત, પણ તે શુદ્ધ અને અસંગ સ્વરૂપે પ્રગટ જણાતો ન હોવાથી વર્તમાનમાં તે સર્વથા અસંગ - નિરાવરણ નથી એમ સિદ્ધ થાય છે. હજી આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો નથી તથા તેના સ્વરૂપ વિષે શંકા છે, આ તથ્ય એમ દર્શાવે છે કે આત્મા પરપદાર્થોની ઉપાધિના નિમિત્તથી સસંગ, અશુદ્ધ, મલિન અને વિકારયુક્ત છે. શ્રી કાર્તિકેયસ્વામી ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહે છે કે જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે છે? નાના પ્રકારનાં કર્મોને કેમ કરે છે? તથા ‘કોઈ સુખી છે, કોઈ દુઃખી છે' એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા શુદ્ધ નથી.'
શ્રીગુરુ કહે છે કે “પરમાર્થથી', અર્થાત્ આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ કરતાં શુદ્ધ નિશ્ચયનયથી આત્મા અસંગ, શુદ્ધ, નિર્મળ છે અને રાગાદિ ભાવકર્મ તથા જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મથી રહિત છે; પરંતુ વર્તમાનમાં તે કર્મસંગથી લેપાયેલો હોવાના કારણે વ્યવહારનયથી તે સસંગ અને અશુદ્ધ છે. જો કે નિશ્ચયનયથી જીવ સદા શુદ્ધ છે, તોપણ વ્યવહારનયની અપેક્ષાએ સંસારી જીવ અશુદ્ધ છે. સંસારી જીવોના ૧- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૨૦૧
'ता किह गिर्हदि देहं णाणाकम्माणि ता कहं कुणदि । सुहिदा वि य दुहिदा वि य णाणारूवा कहं होति ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org