________________
ગાથા-૭૫
૫૩૫
નવા નવા ભાવ ઉત્પન્ન થાય છે. સજાતીયપણાની અપેક્ષાએ જ તે જ કાર્ય, તેનું જ કારણ' એમ કહેવામાં આવ્યું છે.
જો કોઈ સજાતીય કર્મને પણ કર્મત્વ ધર્મની અપેક્ષાએ એક જ કર્મ સમજીને શંકા ઉત્પન્ન કરે કે કર્મ જ સ્વયં કાર્ય અને કર્મ જ સ્વયં કારણ કેવી રીતે હોઈ શકે? તો આ શંકાનો ઉત્તર એક જ પદાર્થમાં કાર્ય-કારણભાવ બતાવનાર દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ થઈ શકે છે. દર્પણમાં જ્યારે મુખ જોવામાં આવે છે ત્યારે આંખનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે. પોતાના પ્રતિબિંબમાં કારણ સ્વયં આંખ છે અને પ્રતિબિંબ કાર્ય છે. જ્યારે આંખથી દર્પણ જોવામાં આવે છે ત્યારે આંખનો આકાર દર્પણમાં પડે છે, તેથી તે આકાર આંખનું કાર્ય થયું, કેમ કે તે આંખથી ઉત્પન્ન થયું છે; પરંતુ તે જ આકાર જ્યારે આંખથી જોવામાં આવે છે ત્યારે પોતાને દેખાડવામાં તે આકાર કારણ પણ થાય છે. આમ, એક જ પદાર્થમાં કાર્ય-કારણભાવ પણ ઉપર્યુક્ત દષ્ટાંત દ્વારા સારી રીતે ઘટે છે.
જીવનાં રાગપરિણામથી બંધ થાય અને એ જ બંધથી તે જ રાગપરિણામ થાય તો ઇતરેતરાશ્રય દોષ કહેવાય; પરંતુ તેમ નથી. જીવ રાગ-દ્વેષરૂપે પરિણમે ત્યારે નવાં કર્મ બંધાય છે અને તે અમુક સ્થિતિ સુધી આત્મા સાથે એકક્ષેત્રાવગાહે રહે છે તથા જે રાગ-દ્વેષરૂપે પરિણમન થાય છે તેમાં પૂર્વના કર્મનો ઉદય નિમિત્તરૂપે હોય છે. આ પ્રમાણે જે પરિણામથી જે કર્મનો બંધ થયો, તે બંધ તેજ વિકા૨પરિણામનું નિમિત્ત નથી થતો; પણ તે પરિણામમાં જૂના કર્મનો ઉદય નિમિત્ત થાય છે તથા જે વિકારી પરિણામ થયાં તે નવીન કર્મબંધનું નિમિત્ત થાય છે. આમ, ઇતરેતરાશ્રય દોષ નથી.
ચેતન આત્મા પોતે પૂર્વકર્મના ઉદયના નિમિત્તે રાગ-દ્વેષરૂપી ભાવોમાં પરિણમી નવાં કર્મપુદ્ગલોને પોતાના તરફ આકર્ષે છે. જીવ સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે અને તેનાથી નવો કર્મબંધ થાય છે; પરંતુ જો જીવ રાગ-દ્વેષરૂપે ન પરિણમે તો કર્મબંધન થતું નથી, માટે જીવ જ કર્મનો કર્તા છે. કર્મ સહજ સ્વભાવે અથવા અનાયાસે થાય છે એમ કહેવું ઘટતું નથી, પણ જીવ કરે તો જ થાય એમ માનવું ઘટે છે. કર્મનું ગ્રહણ અનાયાસે નહીં પણ નિશ્ચિત કારણને લઈને જ થાય છે. આ તથ્યને સ્પષ્ટ કરતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે
‘કર્મ સહજ સ્વભાવે વિના પ્રયાસે થયા કરે છે એમ નથી, પણ પ્રેરક નિવર્તક નિમિત્તકર્તારૂપ જીવના પ્રયાસ થકી થાય છે; જીવના કર્યાં થાય છે, ન કર્યાં નથી થતા. - એટલે સહજ સ્વભાવે અનાયાસે (Without effort) થયા કરે છે એમ કહેવું અયથાર્થ છે. કારણ કે ક્વચિત્ જીવ કરે છે તો થાય છે, ક્વચિત્ નથી કરતો તો નથી થતા; અને કદાચિત્ક કદાચિત્ બનનારી વસ્તુ સકારણ હોવી જોઈએ
Jain Education International
1
For Private & Personal Use Only
-
www.jainelibrary.org