________________
ગાથા-૭૨
૪૮૩ ભરયુવાનીમાં અકસ્માત કરાવનાર ઈશ્વર, હૉસ્પિટલમાં જવાની પ્રેરણા કરનાર પણ ઈશ્વર, વેદના ઉત્પન્ન કરનાર પણ ઈશ્વર અને મૃત્યુ આપનાર પણ ઈશ્વર. એ રીતે નવોઢાના જીવનને પતિના સુખથી વંચિત કરવામાં પણ ઈશ્વરનું જ કર્તુત્વ હોય છે.
- સૂર્ય-ચંદ્રને આકાશમાં પકડી રાખનાર, તેને ગતિ આપનાર પણ ઈશ્વર છે. સમુદ્રને મર્યાદામાં રાખનાર પણ એ જ છે. જગતની કોઈ પણ હિલચાલમાં, જગતના કોઈ પણ કાર્યમાં ઈશ્વર જ પ્રેરક બને છે, ભલે સાક્ષાત્ રીતે તેનો કર્તા માનવ વગેરે કહેવાતા હોય. સૃષ્ટિની ક્રિયામાં પ્રાણ પૂરનારું અને તે ક્રિયાને નિરંતર ચાલતી રાખનારું તત્ત્વ ઈશ્વર છે. ઈશ્વર એ એક એવું પ્રેરક તત્ત્વ છે કે જેની પ્રેરણા દ્વારા સૃષ્ટિના વિકાસક્રમમાં નવા નવા ગુણવાળા પદાર્થો પ્રગટ થાય છે. સૃષ્ટિવિકાસની આખી ક્રિયાને પ્રેરનારો અને દોરનારો એક ઈશ્વર જ છે.
વિશ્વની ઘટના કેવી રીતે થઈ અને એ આજની સ્થિતિએ કેવી રીતે આવી પહોંચ્યું એ સંબંધમાં ઈશ્વરકર્તુત્વવાદીઓ કહે છે કે એ ઘટનામાં ઈશ્વરનો હાથ છે. દરેક કાર્યને કારણ તો હોવું જ જોઈએ. વિશ્વરૂપી મહાકાર્ય પ્રત્યક્ષ દેખાય છે, એટલે તેનું પણ કારણ તો હોવું જ જોઈએ. કારણ વિના વિશ્વની આ સ્થિતિ હોય નહીં.
જેમ ઘડો બનવામાં કુંભાર કારણરૂપ છે, તેમ આ વિશ્વની અદ્ભુત રચના તથા વ્યવસ્થામાં ઈશ્વર કારણરૂપ છે. આ વિરાટ વિશ્વની રચના જોતાં એમ માન્યા વિના રહી શકાય નહીં કે આવી યોજના બનાવનાર (plan-maker) કોઈ હોવો જ જોઈએ. તેનો કોઈ ને કોઈ સંયોજક હોવો જ જોઈએ, એના વિના આવી સુંદર અને વ્યવસ્થિત રચના થઈ શકે જ નહીં. વિશ્વ એ માત્ર પદાર્થોનું સમૂહીકરણ છે તેવું માનવા કરતાં, તે કોઈના દ્વારા સંયોજિત છે તેવું માનવા માટે વધુ સબળ કારણો મળે છે એવું ઈશ્વરવાદીઓને લાગે છે.
જો કે સર્વને આ મંતવ્ય માન્ય નથી. આ સૃષ્ટિનો કોઈ કર્તા છે કે નહીં એ બાબત માટે જગતમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે. કેટલાક સૃષ્ટિરચનામાં કર્તારૂપ કોઈને પણ સ્વીકારતા નથી, પરંતુ સૃષ્ટિરચનાને આકસ્મિક રીતે, સ્વભાવથી કે કુદરતથી જ થયેલી માને છે. વૈજ્ઞાનિકો પણ આવી માન્યતાનું અનુસરણ કરે છે. અન્ય વર્ગ એવી માન્યતાવાળો છે કે સૃષ્ટિરચના કરવાવાળી એક જ્ઞાનમય સત્તા છે જેને ઈશ્વર કહેવાય છે. આકસ્મિકવાદીઓ, સ્વભાવવાદીઓ તથા કુદરતવાદીઓની માન્યતાઓનું ખંડન ઈશ્વરવાદીઓ કઈ રીતે કરે છે તે જોઈએ. (૧) આકસ્મિકવાદીઓનું કહેવું એમ છે કે નિત્ય એવા પ્રકૃતિનાં પરમાણુ અસંખ્ય પ્રકારે સંયુક્ત થતાં રહેવાથી ભૂતકાળમાં જે કરોડો અને અબજો પ્રકારના સંયોગો બન્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org