________________
४८०
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
થાય છે, જેને મોક્ષ કહેવાય છે.
પ્રકૃતિ અને પુરુષના સંસર્ગનું નામ જ સંસાર છે. જ્યાં સુધી પ્રકૃતિ અને પુરુષ વચ્ચે ભેદજ્ઞાન નથી થતું, જ્યાં સુધી પુરુષ એ નથી સમજતો કે હું પ્રકૃતિથી સર્વથા ભિન્ન છું', ત્યાં સુધી જ સંસારની સ્થિતિ છે. બન્નેનાં સાચાં સ્વરૂપનું જ્ઞાન થાય કે તરત જ બંધનનો નાશ થાય છે અને આત્મા મુક્ત થાય છે. પ્રકૃતિ અને પુરુષમાં ભેદજ્ઞાન થતાં જ પુરુષ પ્રકૃતિના સંસર્ગજન્ય આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનાં દુઃખોથી છૂટી જાય છે. ચોવીસ તત્ત્વોનાં સાચાં સ્વરૂપને સમજવાથી અને એ ચોવીસથી પચ્ચીસમો પુરુષ અલિપ્ત છે એવું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી, વાસ્તવમાં બંધ અને મોક્ષ પુરુષના ન હોઈ શકે. પુરુષ તો શુદ્ધ, બુદ્ધ, નિત્ય, મુક્તસ્વભાવી છે. ચિત્ત જ્યારે અવિવેકજ્ઞાનથી વાસિત હોય છે ત્યારે તે અવિવેકજ્ઞાન ચિત્તના દુઃખનું કારણ બને છે અને ચિત્તનો દુઃખપરિણામનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. ચિત્તના આ દુ:ખરૂપ પરિણામના પ્રતિબિંબને ધારવું એ જ પુરુષનો બંધ છે. વિવેકજ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. વિવેકજ્ઞાનના પરિણામે દુઃખપરિણામરૂપ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે અને છેવટે વિવેકજ્ઞાનરૂપ ચિત્તવૃત્તિ સહિત સર્વ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, જેના ફળસ્વરૂપ પુરુષમાં ચિત્તનું પ્રતિબિંબ પડતું બંધ થઈ જાય છે. પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે. તેનો પ્રકૃતિ સાથેનો સંયોગ છૂટી જાય છે. આ છે પુરુષનો મોક્ષ. આમ, પુરુષમાં બંધ અને મોક્ષ ઔપાધિક છે. વાસ્તવમાં બંધ અને મોક્ષ પ્રકૃતિના જ ધર્મ છે, પુરુષના નહીં. પુરુષ તો સ્વભાવથી અસંગ અને મુક્ત છે. પુરુષ બંધાતો નથી, મુક્ત થતો નથી કે સંસરણ કરતો નથી; પરંતુ પ્રકૃતિ જ બંધાય છે, મુક્ત થાય છે અને સંસરણ કરે છે.
- આમ, પ્રકૃતિનો જ બંધ અને મોક્ષ થાય છે; પુરુષનો બંધ અને મોક્ષ કેવળ ઉપચારથી જ કહેવાય છે. જેમ યુદ્ધમાં સૈનિકો દ્વારા થયેલ જય-પરાજય રાજાનો જયપરાજય કહેવાય છે, કેમ કે જય-પરાજય દ્વારા પ્રાપ્ત લાભ અને હાનિનું ફળ રાજાને મળે છે; તેમ પ્રકૃતિ દ્વારા થતા સંસાર અને મોક્ષ ઉપચારથી પુરુષના કહેવાય છે. ૧ ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, “સ્યાવાદ મંજરી', શ્લોક ૧૫ની ટીકા
___'यतः प्रकृतिरेव नानापुरुषाश्रया सती बध्यते संसरति मुच्यते च न पुरुष इति बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते, तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात् पुरुषे संबन्ध ।' સરખાવો : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યકત્વ પ્રસ્થાન ચઉપઇ”, ગાથા ૪૯
પ્રકૃતિધર્મ હિત અહિત આચાર ચેતનના કહઇ તે ઉપચાર | વિજય પરાજય જિમ ભટતણા નરપતિનઇ કહઈ અતિઘણા IT'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org