________________
૪૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આવી જ રીતે સર્વ પદાર્થોને એકાંતે ક્ષણિક માનનાર અને પછીથી પોતાની ભૂલ સમજાતાં યથાર્થ નિર્ણય કરનાર આર્ય અશ્વમિત્રની કથા જૈન ગ્રંથોમાં આવે છે. આર્ય અશ્વમિત્રને ચોથા નિર્નવ તરીકે ઓળખાવવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણના બસોવીસ વર્ષ પછી મિથિલા નગરીમાં શ્રી અશ્વમિત્રને ક્ષણિકવાદી મિથ્યા દૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી.
મિથિલા નગરીમાં આર્ય મહાગિરિજી નામના આચાર્ય હતા. તેમના શિષ્ય શ્રી કૌડિન્ય હતા અને શ્રી કૌડિન્યના શિષ્ય શ્રી અશ્વમિત્ર હતા. શ્રી અશ્વમિત્ર સ્વાધ્યાયમાં ખૂબ તત્પર રહેતા. તેઓ ગુરુમહારાજ પાસે આગમગ્રંથોમાંથી એક પછી એક અંગનો અભ્યાસ કરતા હતા. તેમણે દષ્ટિવાદ નામના અંગના ચૌદ પૂર્વનો અભ્યાસ ચાલુ કર્યો. એમાં “અનુપ્રવાદ' નામનો વિષય ચાલતો હતો. તેમાં નૈપુણિક વસ્તુનું અધ્યયન ચાલી રહ્યું હતું. તેમાં નારકીના જીવોને લગતી એક ગાથા આવી કે પ્રત્યુત્પન્ન સમયના સર્વ નારકીઓ વિનાશ પામશે. એ પ્રમાણે વૈમાનિક દેવો પણ પ્રથમ સમયના વિનાશ પામશે. એ પ્રમાણે બીજા, ત્રીજા સમય માટે પણ કહેવું. આના સંદર્ભમાં શાસ્ત્રકારે એમ લખ્યું છે કે જગતમાં પ્રથમ સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામે છે. તેવી રીતે બીજા સમયે વર્તતા સર્વ પદાર્થો પણ નાશ પામે છે. તેવી રીતે ત્રીજા સમયે વર્તતા સર્વ પદાર્થો પણ નાશ પામે છે. આમ, પ્રત્યેક સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામે છે.
આ ગાથાનો ગુરુ મહારાજે અર્થ સમજાવ્યો ત્યારે શ્રી અશ્વમિત્રે એવી દલીલ કરી કે આ ગાથા પ્રમાણે તો એવો અર્થ ફલિત થાય છે કે જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે. શ્રી અમિત્રને સમજાવતાં આર્ય મહાગિરિજીએ કહ્યું કે શાસ્ત્રમાં પદાર્થોનું પ્રતિ સમયે નાશ પામવાનું કહ્યું છે તે ફક્ત એક નયની અપેક્ષાએ - ઋજુસૂત્રનયની અપેક્ષાએ કહ્યું છે. સર્વ નયની અપેક્ષાએ તે સમજવાનું નથી, કારણ કે એ વચન સર્વનયાત્મક નથી. દરેક વસ્તુ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે, પરંતુ કોઈ પણ સમયે પર્યાયનો નાશ થવાથી વસ્તુનો સર્વથા નાશ થતો નથી. નારકીના જીવોના પ્રથમ સમયે વર્તતા પદાર્થો નાશ પામે છે, તો બીજા સમયે નારકાધિરૂપે તે ઉત્પન થાય છે, એટલે જીવ દ્રવ્ય તો અવસ્થિત જ રહે છે. ૧- નિહૂનવ એટલે સંતાડનાર, છુપાવનાર, ગોપવનાર એવો અર્થ થાય છે. જે વ્યક્તિ મિથ્યા આગ્રહથી સત્યને છુપાવે, જ્ઞાનને ગોપવે તે નિહુનવ. સમય જતાં નિહુનવ શબ્દનો અર્થ એના કરતાં પણ વ્યાપક બન્યો. જે માણસ આજ્ઞાનો ઉત્થાપક હોય, બળવાખોર હોય અને જેને શિસ્ત ખાતર સંઘની બહાર કાઢવામાં આવ્યો હોય તે નિહુનવ કહેવાયો. જૈન ગ્રંથોમાં આવા માણસો માટે નિહુનવ શબ્દ રૂઢ થઈ ગયો છે. જ્યારે પોતાના સમુદાયમાં જ મોહનીય કર્મના પ્રભાવના કારણે માણસની શ્રદ્ધા ડગી જાય છે, વિવેકાદિ લુપ્ત થઈ જાય છે, ચિત્ત દુર્વિચારોમાં ફસાઈ જાય છે અને મિથ્યા દૃષ્ટિનો ઉદય થાય છે; ત્યારે તેનામાં નિહુનવતા જન્મે છે, તે નિહુનવ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org