________________
ગાથા-૬૯
૪૩૩ નહીં થવાથી લેણ-દેણ વગેરે વ્યવહારનો પણ લોપ થશે. વળી, બૌદ્ધ શાસ્ત્રોમાં કહ્યું છે કે હે ભિક્ષુઓ, અહીંથી એકાણુંમા ભવમાં મેં શક્તિ(શસ્ત્રવિશેષ)થી એક પુરુષને હણ્યો હતો તે કર્મના વિપાકથી મારો પગ વિંધાયો છે.' આવાં સ્મૃતિ દર્શાવનારાં વચનો પણ મિથ્યા ઠરશે, કેમ કે ક્ષણ સિવાય અન્ય કોઈ અન્વયી દ્રવ્યનો બૌદ્ધમતમાં સ્વીકાર કરાયો નથી. ક્ષણિકવાદમાં આ રીતે અનેક દોષો આવે છે.
આમ, બૌદ્ધોના ક્ષણિકવાદની સામે એવો વાંધો ઉઠાવી શકાય છે કે આત્મા નિત્ય ન હોય તો ક્ષણિક વિજ્ઞાનસમૂહને વિષે ક્રમ, વ્યવસ્થા કે શૃંખલા કઈ રીતે જળવાય? અને જો આવી શૃંખલા ન હોય તો સ્મૃતિ (પ્રથમના અનુભવનો પુનર્બોધ) અને પ્રત્યભિજ્ઞાન (આ તે જ છે એવું જ્ઞાન) કઈ રીતે સંભવે? આત્મા જો પ્રતિક્ષણ નાશ પામતો હોય તો જીવને અગાઉના અનુભવનું સ્મરણ થાય છે તે હકીકત કઈ રીતે સમજાવવી? આ જગતમાં પ્રત્યેક પદાર્થ ક્ષણિક હોય તો જે પ્રત્યભિજ્ઞાન થાય છે તેનો ખુલાસો કઈ રીતે કરવો? બૌદ્ધમતમાં આ પ્રશ્નોના કોઈ સંતોષકારક ઉત્તર મળતા નથી.
ક્ષણિકવાદના સિદ્ધાંતથી સ્મૃતિ આદિ સમજાવી શકાતાં નથી, તેથી તેની ઘણી કડક આલોચના કરવામાં આવે છે. અન્ય દાર્શનિકો દ્વારા બૌદ્ધોના ક્ષણિકવાદનું ખંડન કરવામાં આવ્યું છે. આત્મા સર્વથા ક્ષણિક તો સંભવે જ નહીં, કારણ કે પૂર્વોપલબ્ધ વસ્તુનું સ્મરણ થાય છે. જે ક્ષણિક હોય તેને અતીતનું સ્મરણ સંભવે જ નહીં. જો આત્મા ક્ષણિક હોય તો સ્મૃતિ ન થાય, પણ સ્મૃતિ થાય છે એવો બધાનો અનુભવ છે; એટલે ક્ષણિકવાદનો સિદ્ધાંત સાચો ઠરતો નથી. આ રીતે આત્માને સર્વથા ક્ષણિક માનવાથી સ્મરણની અસંભાવનાનો દોષ આવે છે.
આમ, આત્માને ક્ષણિક માનવાથી કરેલાં કર્મોનો નાશ, નહીં કરેલાં કર્મોનો ભોગ, સંસારનો નાશ, મોક્ષનો નાશ અને મરણનો અભાવ વગેરે અનેક દોષો આવે છે. ક્ષણિકવાદની એકાંત માન્યતાથી કર્મફળ, બંધ-મોક્ષ, સ્મરણજ્ઞાન વગેરેની વ્યવસ્થા ઘટી શકતી નથી. ક્ષણિકવાદમાં આવી ઘણી ખામીઓ રહેલી છે. સ્મરણાદિ વ્યવહાર નિત્ય આત્મામાં જ ઘટી શકે છે અને તે સ્વીકારવામાં આવે તો ક્ષણિકવાદનો વિઘાત થઈ જાય છે.
શ્રીમદે આ ગાથામાં, ક્ષણિકવાદમાં ઉપસ્થિત થતા ઉપર્યુક્ત પાંચ દોષોમાંથી સ્મરણની અસંભાવનારૂપ પાંચમા દોષને પ્રાધાન્ય આપી, આત્માના અક્ષણિકપણાનો નિશ્ચય કરવાની પ્રેરણા કરી છે. પ્રત્યેક ક્ષણે આત્મા પલટાઈને નાશ થતો હોય તો તેને પૂર્વની ક્ષણનું કંઈ યાદ રહે નહીં, પરંતુ આત્મા તો પહેલાંની ક્ષણોમાં જે અનુભવ થયો હોય તેને પછીની ક્ષણોમાં યાદ કરે છે અને તેનું કથન પણ કરે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે સ્મૃતિ કરનાર અને તેને વ્યક્ત કરનાર આત્મતત્ત્વ તો સદા નિત્ય જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org