________________
૪૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા જો સર્વથા ક્ષણિક હોય તો કોઈ પણ આત્મા મોક્ષને માટે પ્રયત્ન નહીં કરે, કારણ કે પ્રયત્ન કરનાર તો સર્વથા નાશ પામે છે, એટલે તે મુક્ત થતો નથી, મુક્ત થનાર તો કોઈ અન્ય જ છે. એવો કોણ મૂર્ખ હોય કે જે પોતાના વિનાશને નોતરી બીજાને દુ:ખમુક્ત કરાવવા પ્રયત્ન કરે? જેમ એક દુ:ખી જીવ બીજા જીવના સુખ માટે પ્રયત્ન કરતો દેખાતો નથી, તેમ જે જ્ઞાનક્ષણ દુઃખી છે, તે જ્ઞાનક્ષણ અપર જ્ઞાનક્ષણને સુખી બનાવવા માટે પ્રયત્ન કરશે નહીં.
આત્મા ક્ષણિક હોય તો તે મોક્ષમાર્ગના ફળને પોતે પામતો જ નથી, તો પછી તે મોક્ષમાર્ગમાં શા માટે પ્રવર્તે? કોઈ પણ જીવની મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ જ નહીં થાય. મોક્ષમાર્ગ વ્યર્થ ઠરે છે. શાસ્ત્રમાં ધર્મપ્રવૃત્તિ વડે મોક્ષફળ પામવા માટે જે ઉપદેશ આપવામાં આવે છે તે પણ નિરર્થક ઠરે છે. જો બધું ક્ષણિક હોય તો નૈતિક જીવન પણ અશક્ય બની જાય. નીતિમય જીવન એ મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન છે. શાશ્વત જીવ વિના નીતિમય જીવન શક્ય નથી.
સામાન્યથી જે દ્રવ્યને હેતુનો સંબંધ થાય છે તે દ્રવ્યમાં ફળ પેદા થાય છે, અન્ય દ્રવ્યમાં નહીં. જે માટીના પિંડને ચક્ર, કુંભારાદિનો સંપર્ક થયો હોય તેનો જ ઘડો બને છે, અન્ય માટીના પિંડનો નહીં. હવે આત્મા જો ક્ષણિક હોય તો આત્મજ્ઞાન, ચારિત્ર વગેરે હેતુઓનો જે ક્ષણને સંપર્ક થાય, તે ક્ષણ અને ફળરૂપ મોક્ષક્ષણ એ બન્ને જુદી જુદી હોવાથી હેતુ-ફળનો એક દ્રવ્યમાં સંબંધ સંભવે નહીં અને તો પછી એ બન્ને વચ્ચે હેતુફળભાવ જ રહે નહીં અને તેથી જે હેતુભૂત નથી એવાં આત્મજ્ઞાન, ચારિત્રાદિમાં મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ અંધપરંપરા અનુસાર ચાલવા જેવું થાય, અર્થાત્ આંધળાઓએ પકડેલ માર્ગ તેમને ઇષ્ટ સ્થાન પર પહોંચાડનાર છે કે નહીં એ જાણ્યા વગર તેઓ એકની પાછળ એક ચાલ્યા કરે, તેવી આ પ્રવૃત્તિ થાય.
મોક્ષ તો આત્માને નિત્ય માનવામાં જ ઘટે છે, આત્માને ક્ષણિક માનવામાં તેનો મોક્ષ ઘટશે જ નહીં. જેમ રત્ન પહેલાં અશુદ્ધ હતું અને પછી ઉપાય વડે શુદ્ધ થાય છે, તેમ આત્મા પહેલાં અશુદ્ધ હતો અને પછી આત્મજ્ઞાનાદિથી શુદ્ધ થાય છે એ હકીકત છે. પહેલાનો અશુદ્ધ આત્મા અને પછી શુદ્ધ થયેલ આત્મા બન્ને એક જ દ્રવ્ય હોય તો આ વાત સંભવે છે, એટલે કે આત્મા નિત્ય હોય તો જ આમ થવું સંભવે છે. વળી, આત્મા નિત્ય હોય તો જ એના ઉપર પ્રેમ થાય અને તો જ જીવ ધર્માર્થી બની દુઃખક્ષય માટે પ્રવૃત્તિ કરે. જો આત્મા ક્ષણમાં નાશ પામી જવાનો હોય તો દુ:ખક્ષય કોનો થાય? અને એ માટે પ્રવૃત્તિ પણ કોણ કરે? માટે આત્માને નિત્ય માનવામાં જ મોક્ષ ઘટે છે. આત્માને નિત્ય માનનારા મતમાં જ મુક્તિ અવસ્થા ઘટે છે. આમ, ક્ષણિકવાદમાં મોક્ષના અભાવરૂપ દોષ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org