________________
૩૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
માતા-પિતાનાં સંતાનો કાયર અને કાયર માતા-પિતાનાં સંતાનો બહાદુર, મૂર્ખ માતાપિતાનાં સંતાનો બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી માતા-પિતાનાં સંતાનો મૂર્ખ જોવા મળે છે. આવા વિરોધો પ્રત્યક્ષ પ્રગટ જોવા મળે છે. સંતાનોના સ્વભાવ ઘણી વાર માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ જોવા મળે છે. જો વારસાગત આંતરિક ગુણો સંતાનોમાં ઊતરતા હોય તો આમ કઈ રીતે બની શકે? તેથી સંતાનોના આંતરિક ગુણો માતા-પિતાના ગુણો અનુસાર હોય છે એ સિદ્ધાંત મિથ્યા છે.
માતા-પિતાના સ્વભાવથી વિરુદ્ધ સંતાનનો સ્વભાવ એમ સૂચવે છે કે સંતાનનો આત્મા જુદા સંસ્કાર લઈને આવ્યો છે. સંતાનનો આત્મા જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે તે પૂર્વભવના સંસ્કારોની પૂંજી પોતાની સાથે લેતો આવ્યો હોય છે અને તે પૂંજી વર્તમાન ભવમાં વ્યક્ત થાય છે. જ્યારે આત્મા એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરે છે ત્યારે સંસ્કારોની પૂંજી તેની સાથે નવા ભવમાં જાય છે અને તે પૂર્વજન્મીય સંસ્કારોના કારણે તેનામાં અમુક પ્રકૃતિઓની ન્યૂનાધિકતા હોય છે.
જ્યાં માતા-પિતા અને બાળકની પ્રકૃતિ સમાન હોય ત્યાં પૂર્વજન્મના સિદ્ધાંતને સમર્થન મળતું નથી, ઊલટું વંશવાદનો સિદ્ધાંત સમર્થિત થાય છે એમ માનવું યુક્ત નથી. તેનું સમાધાન આ પ્રમાણે છે - જે બાળકનો આત્મા પોતાના ભાવિ માતાપિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતો હોય, તે આત્મા તે જ માતા-પિતાને ત્યાં જન્મે છે ત્યારે આવું બને છે. એક માથા ઉપર ટોપી બરાબર બેસી જાય તો તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગોળાઈ હતી તે ટોપીમાં ઊતરી ગઈ, માટે માથા ઉપર ટોપી બેસી ગઈ. પરંતુ એમ જ કહેવાય છે કે જેવી ગોળાઈ માથાની હતી તેવી જ ગોળાઈ ટોપીની હતી અને તે બે એક સ્થાને ભેગાં થઈ ગયાં.
વંશવાદનો સિદ્ધાંત યુક્તિયુક્ત નથી એમ સ્વયં સિદ્ધ થાય છે, કારણ કે ક્રોધાદિ ભાવો ચેતન વિના અન્ય કોઈ પણ સ્થળે રહેતા નથી, અર્થાત્ તે ચેતનાશ્રિત છે અને વીર્ય-રજ પૌગલિક હોવાથી તે ક્રોધાદિ ભાવ વીર્ય-રજને આશ્રિત નથી. વીર્ય-રજના ન્યૂનાધિકપણાથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થવું સંભવતું નથી, પણ ચેતનના ન્યૂનાધિક અભ્યાસથી તે ક્રોધાદિ પ્રકૃતિનું ન્યૂનાધિકપણું થાય છે.
જન્મથી જ ક્રોધાદિ દોષોનું તરતમપણું અથવા જ્ઞાનાદિ ગુણોનું ન્યૂનાધિકપણું તે આત્માના પૂર્વના અભ્યાસથી સંભવે છે, કારણ કે વર્તમાન જન્મમાં તેનો અભ્યાસ હજી થયો નથી. ક્રોધાદિ તારતમ્યતા જન્મથી જ જોવા મળે છે, તેથી પૂર્વનું અનુસંધાન જ કારણભૂત છે એમ સંભવે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. પૂર્વસંસ્કારરૂપ બીજકારણ વર્તમાનમાં કાર્યરૂપે ઉદયમાં આવે છે, તેથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org