________________
૨૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અગ્નિથી પચે છે તે આદિનો સમાવેશ થાય છે અને વાયોધાતુમાં શરીરના વાયુ પદાર્થ - જેમ કે શ્વાસોચ્છવાસ, શરીરની અંદર રહેલ હવા વગેરેનો સમાવેશ થાય છે. (૨) વિજ્ઞાન સ્કંધ (Reason or Consciousness) – ‘હું છું' એવું ભાન અને રૂપ, રસ વગેરેનું જ્ઞાન તે વિજ્ઞાન સ્કંધ છે. જો આંખ સાજી હોય તો તેની દૃષ્ટિમર્યાદામાં જે બાહ્ય વસ્તુઓ આવે તેનો સંયોગ થાય છે અને પછી તે તે વસ્તુઓનું જ્ઞાન - વિજ્ઞાન થાય છે. તેથી વિજ્ઞાનની ઉત્પત્તિ કેટલાંક કારણો ઉપર આધાર રાખે છે અને તે વિજ્ઞાન જે કારણ ઉપર આધાર રાખે છે તે કારણના નામથી તે વિજ્ઞાન ઓળખાય છે. ચક્ષુ અને રૂપ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત (કાન) અને શબ્દ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે શ્રોત્રવિજ્ઞાન, ઘાણ (નાક) અને ગંધ ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે ધ્રાણવિજ્ઞાન, જીભ અને સ્વાદ (રસ) ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે જિદ્યાવિજ્ઞાન, શરીર અને શરીરસ્પર્શ ઉપર અવલંબનાર વિજ્ઞાન તે કાયવિજ્ઞાન તથા મન અને વિચારો ઉપર આધાર રાખનાર વિજ્ઞાન તે મનોવિજ્ઞાન કહેવાય છે. (૩) વેદના સ્કંધ (Feeling) - બાહ્ય વસ્તુનું જ્ઞાન થતાં ચિત્તની જે વિશેષ અવસ્થા થાય છે તે જ વેદના સ્કંધ છે. વેદના ત્રણ પ્રકારની હોય છે - સુખ, દુઃખ તથા ન સુખ - ન દુ:ખ. પ્રિય વસ્તુના સ્પર્શથી સુખ, અપ્રિય વસ્તુના સ્પર્શથી દુ:ખ તથા પ્રિયઅપ્રિય બન્નેથી ભિન્ન વસ્તુના સ્પર્શથી ન સુખરૂપ - ન દુ:ખરૂપ વેદના થાય છે. વિજ્ઞાન સ્કંધથી ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખાદિની પ્રતીતિરૂપ જે વ્યવહાર છે તે વેદના સ્કંધ કહેવાય છે. વિજ્ઞાન અને રૂપ સ્કંધના સંબંધથી ઉત્પન્ન થતો સુખ-દુ:ખ આદિની સંવેદનાનો પ્રવાહ તે વેદના સ્કંધ છે. (૪) સંજ્ઞા સ્કંધ (Perception) – સવિકલ્પક જ્ઞાનનું નામ સંજ્ઞા સ્કંધ છે. જ્યારે કોઈ વસ્તુને નામ, જાતિ, ગુણ, ક્રિયા આદિથી સંયુક્ત રીતે તેનું જ્ઞાન કરવામાં આવે છે તો તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ગાય, ઘોડો આદિ સંજ્ઞાને સૂચિત કરનાર જે વિજ્ઞાનપ્રવાહ તે સંજ્ઞા સ્કંધ કહેવાય છે. ગાય, ઘોડો ઇત્યાદિ શબ્દને સૂચવનાર વિજ્ઞાનપ્રવાહ, એટલે કોઈ પદાર્થનું વિશિષ્ટ જ્ઞાન કે જેના વડે તે પદાર્થને ઓળખી શકાય. વિજ્ઞાન અને સંજ્ઞા બને જ્ઞાન જ છે. તે બન્ને વચ્ચે માત્ર એટલું જ અંતર છે, જેટલું અંતર નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને સવિકલ્પક પ્રત્યક્ષ વચ્ચે છે. વિજ્ઞાન એટલે નિર્વિકલ્પક, નિર્વિચાર વિષયાકાર જ્ઞાન અને સંજ્ઞા એટલે સવિકલ્પક, અવધારણાત્મક નિશ્ચયાત્મક જ્ઞાન. (૫) સંસ્કાર સ્કંધ (Mental dispositions) - સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે. રાગાદિ ક્લેશ, મદ-માનાદિ ઉપક્લેશ અને ધર્મ-અધર્મ એ સર્વ સંસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org