________________
૨૮૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિશેષથી ચૈતન્યની ઉત્પત્તિ કે અભિવ્યક્તિ થાય છે. પ્રત્યક્ષપ્રમાણથી જ્ઞાત એવા ભૂતો કાયાકારે પરિણમે ત્યારે જ તેમાં ચેતન ઉપલબ્ધ થાય છે. ચાર ભૂતો જ્યારે વિશિષ્ટ ભૂતરચનારૂપ શરીરાકારે પરિણામ પામ્યાં હોય છે ત્યારે ચૈતન્ય પ્રગટ દેખાય છે. મૃત શરીરમાં ચૈતન્ય દેખાતું નથી, કારણ કે તે અવસ્થામાં તેજ અને વાયુના અભાવના કારણે વિશિષ્ટ ભૂતસંયોગરૂપ શરીરનો જ અભાવ હોય છે. શરીરના આકારમાત્રના કારણે ત્યાં ચૈતન્ય માની શકાય નહીં. જો એમ માનીએ તો ચિત્રમાં આલેખિત થયેલા અશ્વમાં પણ ચૈતન્ય હોવાનો પ્રસંગ આવે.
કાયાકારે પરિણામ પામેલા ભૂતથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે અને કાયાકાર પરિણામનો નાશ થતાં ચૈતન્યનો નાશ થાય છે, તેથી શરીરનાં ઉત્પત્તિ-નાશ સાથે જ આત્માનાં ઉત્પત્તિ-નાશ સંબંધ ધરાવે છે. ચાર ભૂતના વિશિષ્ટ સંયોગરૂપ શરીરમાં બોલવા, ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે આ ચાર ભૂતોના વિશિષ્ટ સંયોગમાં કંઈ પણ ફેરફાર થાય છે ત્યારે શરીર નરમ પડે છે અને બોલવા, ચાલવા વગેરેની શક્તિ મંદ પડે છે. જ્યારે શરીરમાંથી તેજ આદિ કોઈ પણ ભૂતનો સંયોગ સર્વથા છૂટો પડે છે ત્યારે શરીરની બોલવા, ચાલવા વગેરેની શક્તિનો નાશ થાય છે, ત્યારે તે મૃત કલેવરમાં ચૈતન્ય દેખાતું નથી.
ચૈતન્યશક્તિ ગર્ભથી લઈને મરણ પર્યત જ રહે છે. તે મરણ વખતે નાશ પામી જાય છે, તેથી એવો કોઈ નિત્ય આત્મા હોઈ શકતો નથી કે જે એક ભવમાંથી બીજા ભવમાં જતો હોય. આમ, સુશિક્ષિત ચાર્વાકો આત્માને નિત્ય, અમર સત્તા નથી માનતા કે જેનું અસ્તિત્વ જન્મ પહેલાં પણ હોય અને મૃત્યુ પછી પણ જેનું અસ્તિત્વ રહેતું હોય. આત્માની નિયત્વ વિષેની શિષ્યની પ્રસ્તુત શંકામાં આ માન્યતાનો પ્રભાવ જોઈ શકાય છે.
આત્માના હોવાપણા સંબંધી શ્રીગુરુના સમાધાનથી નિઃશંકતા થઈ હોવાથી શિષ્યને હવે આત્માના અસ્તિત્વ સંબંધી શંકા રહી નથી, પરંતુ આત્માનું અસ્તિત્વ નિત્યરૂપે સ્વીકારવામાં તેને સંશય થાય છે. તેને લાગે છે કે શ્રીગુરુએ આપેલ સમાધાન દ્વારા આત્માનું અસ્તિત્વ તો સિદ્ધ થાય છે, પણ આત્મા અવિનાશી છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય? આત્મા દેહથી ભિન્ન જ્ઞાનગુણધારક તત્ત્વ છે એમ સિદ્ધ થવા માત્રથી તે નિત્ય છે એમ સિદ્ધ થતું નથી. સંસારમાં પ્રત્યક્ષ જણાય છે કે દેહ જન્મે છે ત્યારે એની સાથે ઘટ-પટ આદિ પદાર્થોને જાણનાર એવું આત્મતત્ત્વ પણ જન્મે છે. દેહની ઉત્પત્તિ સાથે આત્માની ઉત્પત્તિ થાય છે અને બન્નેનો અંત પણ એકસાથે થતો જણાય છે. મૃત્યુ થતાં દેહ સાથે આત્માનો, અર્થાત્ જ્ઞાનગુણધારક તત્ત્વનો નાશ થાય છે. દેહનો નાશ થવાથી જાણવાની ક્રિયાનો પણ અંત આવે છે, તેથી દેહના જન્મ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org