________________
ગાથા-પ૯
૨૬૩ તે અગ્નિમય લાલચોળ થઈ જાય છે. શ્રી કેશી સ્વામી - હે રાજન! એ નક્કર લોખંડમાં અગ્નિ કેવી રીતે પ્રવેશી? તેમાં જરાસરખું પણ છિદ્ર ન હોવા છતાં પણ જેમ અગ્નિ તેનામાં પ્રવિષ્ટ થઈ ગઈ, એ જ પ્રકારે આત્મા પણ સર્વત્ર પ્રવિષ્ટ થઈ શકે છે. આત્મા અરૂપી છે. અરૂપી આત્મા ગમે ત્યાં પ્રવેશી શકે છે. બરાબર સજ્જડ બંધ કરેલી કોઠીમાં ચોરના મૃત શરીરમાં તે જે કીડાઓ જોયા હતા, તે બધા આત્માઓ બહારથી તેમાં પ્રવેશ્યા હતા અને ત્યાં કીડારૂપે ઉત્પન્ન થયા હતા. માટે શરીર અને આત્મા જુદા છે, એક નથી એમ માનવા યોગ્ય છે. (૪) પ્રદેશી રાજા - બીજી એક વખત મેં દેહાંતદંડ પામેલા ચોરનું જીવતાં વજન કરાવ્યું અને પછી તેના શ્વાસ રૂંધી નાખીને મારીને તેના મૃત શરીરનું વજન કરાવ્યું, તો તે બન્ને વખતના વજનમાં ફરક પડ્યો ન હતો. જીવતા ચોરનું વજન કર્યું, પછી તેને મારી નાખીને વજન કર્યું તો પ્રથમના જેટલું જ વજન હતું. જો આત્મા અને શરીર અલગ હોય તો આત્માના નીકળી જવાથી ચોરના શરીરનું થોડું તો વજન ઓછું થવું જોઈએને? જો આત્મા જેવી કોઈ વસ્તુ ચાલી ગઈ હોય, દેહમાંથી ઓછી થઈ હોય તો મૃત શરીરનું વજન પણ ઓછું થવું જોઈતું હતું, પરંતુ તેમ ન થયું એટલે મેં નિર્ધાર કર્યો કે આત્મા જેવી કોઈ ચીજ નથી. આત્મા અને શરીર એક જ છે. શ્રી કેશી સ્વામી - હે રાજન! તેં ચામડાની કોથળીમાં હવા ભરી છે? ચામડાની ખાલી કોથળીના વજનમાં અને હવા ભરેલી કોથળીના વજનમાં કંઈ ફરક પડે છે? ચામડાની ખાલી કોથળીને જોખવામાં આવે અને પછી તેમાં હવા ભરીને તેને જોખવામાં આવે તો બન્ને વખતનું વજન એકસરખું રહે છે કે ફરક પડે છે? પ્રદેશી રાજા - ના, કોઈ ફરક નથી પડતો. વાયુ વગરની કોથળી અને હવા ભરેલી કોથળીને તોળવા છતાં વજનમાં વધારો નથી થતો. શ્રી કેશી સ્વામી – ખાલી કોથળીનું વજન કરવામાં આવે અને પછી હવાથી તે ભરેલી હોય ત્યારે વજન કરવામાં આવે તો બન્ને વજન સમાન થાય છે, તેથી શું ખાલી કોથળી કે હવા ભરેલી કોથળી સરખી માની શકાશે? ભરેલી કોથળીમાં હવા નથી એમ કહી શકાશે? તે જ પ્રમાણે જીવંત શરીરનું કે મૃત શરીરનું સમાન વજન થવાથી આત્મા નામનો કોઈ પદાર્થ નથી એમ કહી શકાય નહીં. હવા પુદ્ગલમય હોવાથી તેનું વજન અતિશય અલ્પ છે, જેથી સ્થૂળ દૃષ્ટિએ તેને વજનવિહીન કહેવાય છે; પરંતુ આત્મા તો અમૂર્ત પદાર્થ હોવાથી તેનું સૂક્ષ્મ વજન પણ નથી અને તેથી મૃત શરીરના વજનમાં ઘટાડો થતો નથી. વજન (ગુરુત્વ) એ તો પુદ્ગલનો એક ગુણ છે, જેનો સમાવેશ સ્પર્શમાં થાય છે. સ્પર્શના આઠ પ્રકાર છે - શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, મૃદુ-ખર, લઘુ-ગુરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org