________________
૧૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન વૃદ્ધ થાય તો પણ તેને જૂની વાતો યાદ રહે છે; તેથી શરીરની અવસ્થાઓથી જુદો, તેને જાણનાર તથા યાદ રાખનાર શાશ્વત ચૈતન્યવંત પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “અધ્યાત્મસાર'માં જણાવે છે કે શરીરને જ આત્મા માનવાથી પૂર્વે અનુભવેલાની સ્મૃતિ થશે નહીં, કારણ કે બાલ્ય વગેરે અવસ્થાના ભેદના કારણે શરીરની અનવસ્થિતિ - અસ્થિરતા છે. શરીર જ આત્મા હોય તો પૂર્વ અવસ્થામાં અનુભવેલાં સુખ-દુઃખાદિનું પછી સ્મરણ થઈ શકે નહીં. બાલ, યુવાન, વૃદ્ધત્વાદિ અવસ્થારૂપ ભેદથી શરીરની અવસ્થિતિ નથી, તેથી સર્વ અવસ્થામાં તેનું એકપણું રહેતું નથી અને “અહં'ની પ્રતીતિ તો સર્વ અવસ્થામાં એક જ રીતની છે, માટે શરીર એ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન સ્વતંત્ર ચૈતન્યયુક્ત પદાર્થ છે.'
આત્મા બાળાદિ સર્વ અવસ્થાઓને જાણનાર, સ્મરનાર પદાર્થ છે. તે બાળાદિ અવસ્થાઓને તેનાથી જુદો રહીને જાણે છે. બાળ, યુવાદિ અવસ્થાઓ પલટાય છે, પરંતુ તે સર્વમાં ચૈતન્યવિશિષ્ટ એવો આત્મા સળંગ રહે છે. બાળ, યૌવન અને વૃદ્ધત્વ આદિ અવસ્થાઓ સાગરમાંથી ઊઠતી અને તેમાં જ લય થઈ જતી લહેરો જેવી છે. ઊઠતી અને લય પામતી આ અવસ્થાઓથી ભિન્ન એવો આત્મા સ્થિર છે. બાળપણ, યુવાની, ઘડપણ એ બધામાં આત્મા કાયમ રહે છે. બાળપણ, યૌવન અને વૃદ્ધત્વ વખતે આત્મા બાળક, યુવાન કે વૃદ્ધ થતો નથી. તે તો સ્વસ્વરૂપે શાશ્વત જ છે. આમ, બાળાદિ સર્વ અવસ્થાઓનો જાણનાર હોવાથી તથા તે અવસ્થાઓનો અંત આવવા છતાં આત્માનો અંત આવતો નહીં હોવાથી, બાળાદિ અવસ્થાઓમાંથી પસાર થવા છતાં તે સર્વથી જુદો રહેનાર જ્ઞાનધારક પદાર્થ આત્માનું અસ્તિત્વ છે એમ સિદ્ધ થાય છે.
આમ, જાગૃતાદિ કે બાળાદિ અવસ્થાઓ એ યાત્રામાં આવતાં સ્ટેશનો જેવાં છે અને આત્મા તે અવસ્થાઓમાંથી પસાર થનાર યાત્રી છે. સ્ટેશન બદલાતાં રહે છે, પણ યાત્રી એ જ રહે છે. મુંબઈથી દિલ્હી જતાં રસ્તામાં સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, મથુરા આવે છે; પણ યાત્રી એ સ્ટેશનો સાથે એકરૂપ નથી. યાત્રી તેનાથી ભિન્ન છે. તે સુરત કે વડોદરા નથી, પણ તેમાંથી પસાર થનાર છે. તે જ રીતે આત્મા કોઈ પણ અવસ્થા સાથે એકરૂપ નથી. તે સર્વથી ભિન્ન તે સર્વને માત્ર જાણનાર તત્ત્વ છે. બધી અવસ્થાઓને જાણનારો, તેમાંથી પસાર થનારો અને એ સર્વથી ભિન્ન શાશ્વત જ્ઞાયકતત્ત્વ તે આત્મા છે.
જેમાં ચૈતન્ય લક્ષણ છે, જે પોતાનું જ્ઞાન લક્ષણ કોઈ પણ અવસ્થામાં છોડતો ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૭૬
'शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवत् । बालत्वादिदशाभेदात्तस्यैकस्यानवस्थितेः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org