________________
ગાથા-૫૩
૧૬૧
જડ હોવાથી જ્ઞાયક આત્મપદાર્થને જાણી શકતા નથી. જો તે જડ પદાર્થોનાં જ્ઞાન માટે પણ અસમર્થ છે, તો તે ચેતનને કઈ રીતે ગ્રહણ કરી શકે? ઊલટું આત્મા તો દેહાદિ સર્વને જાણે છે, તેથી ફલિત થાય છે કે દેહ, ઇન્દ્રિય કે પ્રાણ એ ત્રણે આત્મા નથી અને જડ હોવાથી તે આત્માને જાણી પણ શકતાં નથી.
આમ, શ્રીગુરુએ અહીં બતાવ્યું કે દેહ, ઇન્દ્રિય તથા પ્રાણ જડ પદાર્થ છે. તેનામાં ચેતનતા નથી, તેથી તે ત્રણે આત્મા નથી. દેહાદિ જડ હોવાના કારણે તે આત્માને જાણી શકતાં નથી. જેની સત્તા વડે જ દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પોતપોતાની નિયમિત પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે, તે દ્રવ્ય આત્મા છે. ગમનાગમન, હલનચલન આદિ સમસ્ત દેહપ્રવૃત્તિ આત્માના અસ્તિત્વ વિના થઈ શકતી નથી. આત્માનું અસ્તિત્વ ન હોય તો મૃતકપણે નિર્જીવ એવો જડ દેહ પડ્યો રહે છે. તે કોઈ પણ કાર્યમાં પ્રવર્તી શકતો નથી. તેવી જ રીતે પોતપોતાની વિષયગ્રહણરૂપ પ્રવૃત્તિમાં પાંચ ઇન્દ્રિય પણ આત્મા હોય તો જ પ્રવર્તી શકે છે, નહીં તો શૂન્યપણે પડી રહે છે; તેમજ શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ આત્માની સત્તા હોય તો જ પ્રવર્તી શકે છે. આ વિષયને વિસ્તારથી વિચારીએ – (૧) આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે છે.
કેટલાક લોકો એમ માને છે કે આત્માની કોઈ સ્વતંત્ર સત્તા નથી. ચૈતન્યના આધાર તરીકે આત્મા નામનો દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ માનવાની જરૂર નથી. ચૈતન્યમય એવો દેહ તે જ આત્મા છે. આત્મા કોઈ પૃથક્ દ્રવ્ય નથી. આત્મા અને દેહ એક છે. આમ, તેઓ દેહને જ આત્મા માને છે અને તે માટે અનેક તર્કો પણ આપે છે. પરંતુ જો ચૈતન્ય એ દેહનો ધર્મ કે કાર્ય હોય તો, ‘જે જેનો ધર્મ અથવા કાર્ય હોય તે તેના સર્ભાવમાં જરૂર હોય છે' એ ન્યાય અનુસાર દેહની દરેક અવસ્થામાં ચૈતન્ય જણાવું જોઈએ. જેમ જીવંત દેહમાં ચૈતન્ય જણાય છે, તેમ મૃતદેહમાં પણ ચૈતન્ય જણાવું જોઈએ; પણ તેમ તો જણાતું નથી. જ્યારે મૃત કલેવરને જોવામાં આવે છે ત્યારે તેને અત્યંત સ્પષ્ટપણે અચેતન તરીકે સ્વીકારવામાં આવે છે. તેથી ચૈતન્ય દેહનો ધર્મ કે કાર્ય નથી.
જીવ મરે છે ત્યારે તેનો દેહ જેવો હતો તેવો જ હોય છે. તેની આકૃતિ, હાથ, પગ વગેરે જેવાં હતાં તેવાં જ હોય છે; પરંતુ મરી ગયા પછી તેનામાં જરા પણ જીવંતતા દેખાતી નથી. તે કાંઈ જ કરી શકતો નથી. જીવ મૃત્યુ પામે પછી દેહની ક્રિયાઓ બંધ થઈ જાય છે. તેનું મરણ થયું તે પહેલાં તે ખાવા માટે માંગતો હતો, પીવા માટે માંગતો હતો. હવે તે કાંઈ જ માંગતો નથી. હવે તેના મુખમાં અન્નનો કોળિયો મૂકવામાં આવે તો શું તે ખાશે? અને પાણી મૂકવામાં આવે તો શું તે પીશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org