________________
ગ્રંથનાં વિવેચન અને ભાષાંતર
૪૫.
આપેલ ફાળા માટે શ્રી કાનજીસ્વામીએ કરેલ આ વિવેચન સદાસ્મરણીય રહેશે. (૩) “શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર (અર્થ સહિત)' - પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના ગુજરાતી અન્વયાર્થનું પ્રકાશન વિ.સં. ૨૦૨૧(ઈ.સ. ૧૯૬૫)માં શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં અર્થકારના નામનો ઉલ્લેખ મળતો નથી. સંસ્કૃતાદિ અઘરી અથવા અલ્પ પરિચિત ભાષાઓની પદ્યરચનાઓનો જ ગુજરાતી અન્વયાર્થ પ્રાયઃ જોવામાં આવતો હોવાથી, આ પુસ્તિકા જોતાં પ્રથમ એ વિચાર સ્ફરે છે કે ગુજરાતી પદ્યકૃતિનો અન્વયાર્થ ગુજરાતી ભાષામાં જ આપવાની જરૂર હોય? પરંતુ પુસ્તિકાનો અભ્યાસ કરતાં તેની અગત્યતા સમજાય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની ગાથાઓનો ગહન અભ્યાસ કરનારને સુવિદિત હશે જ કે ગાથાનું વિવેચન કદાચિત્ સરળતાથી થઈ શકે, પરંતુ અમુક ગાથામાં પ્રત્યેક શબ્દની સમજ આપવી અઘરી પડે છે, કારણ કે એમાં મૂળ આશયને અન્યાય થવાનો સંભવ રહે છે. એ દૃષ્ટિએ અન્વયાર્થનો આ નવીન પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. વળી, સ્વરૂપસ્વાધીનતાનો વિશેષ બોધ થાય એનો સભાન પ્રયત્ન એમાં થયો છે. અર્થકારની વિચારણામાં રહેલ સૂક્ષ્મ દૃષ્ટિકોણ કેટલીક જગ્યાએ સુંદર રીતે પ્રતિબિંબિત થયા છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નાં વિવેચનોની હારમાળામાં પોતાની આગવી ભાતથી જુદો તરી આવતો આ અન્વયાર્થ તેની સરળ ભાષા, નવતર અર્થઘટન તથા તર્કસંગત રજૂઆતના પરિણામે પ્રારંભિક ભૂમિકાના પાઠકગણને તથા અભ્યાસી વર્ગને પોતપોતાની રીતે અર્થસંદર્ભના અભ્યાસ માટે ઉપયોગી નીવડે તેવો છે. (૪) શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)' - શ્રી ભોગીલાલ ગિ. શેઠ
શ્રી ભોગીલાલ ગિ. શેઠે લખેલ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું વિવેચન મુંબઈમાં વિ.સં. ૨૦૧૭(ઈ.સ. ૧૯૬૧)માં એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયું હતું. નાના કદનાં ૪૨૩ પાનાંના આ પુસ્તકની રચનામાં તેમને પાંચથી છ મહિના જેટલો સમય લાગ્યો હતો. અત્યાર પર્યત આ વિવેચનની પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પાંચમી આવૃત્તિ વિ.સં. ૨૦૫૨ (ઈ.સ. ૧૯૯૬)માં પ્રસિદ્ધ થઈ હતી.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની અપૂર્વતા, મહત્તા તેમજ પરમ ઉપયોગિતા નિહાળી શ્રી ભોગીલાલ શેઠને તેનું વિવેચન કરવાની પ્રેરણા મળી હતી. તેઓ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મહત્ત્વ દર્શાવતાં લખે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org