________________
ગાથા-૩૯
૬૯૯
કરી શકતો નથી. દરેક દ્રવ્ય સમયે સમયે સ્વતંત્રપણે પરિણમન કરે છે. જીવનું અને પદ્રવ્યનું પરિણમન પોતપોતાના સ્વભાવથી છે, પરંતુ બન્નેનું પરિણમન યોગાનુયોગે સમકાળે થતાં મિથ્યાત્વીને ભમ થાય છે કે હું પરદ્રવ્યમાં ફેરફાર કરી શકું છું'. એક તરફ તેને ઇચ્છા ઉત્પન્ન થાય, તો બીજી તરફ તે જ કાળે પોતાની સ્વતંત્ર યોગ્યતાથી પરિણમતાં પરદ્રવ્યનું પરિણમન યોગાનુયોગે તે જીવના પરિણમનને અનુસરતું આવે, તેથી આ પ્રકારનું સમકાળે થતું પરિણમન તેનો ભ્રમ પુષ્ટ કરે છે કે “મારી ઇચ્છાનુસાર હું પરમાં ફેરફાર કરી શકું છું, મારી મરજી મુજબ પરપદાર્થો કાર્ય કરે છે.' નિમિત્તનૈમિત્તિક સંબંધથી થતાં કાર્યને તે કર્તા-કર્મ સંબંધમાં ખતવી દઈ પરાશ્રિત માન્યતા દેઢ કરે છે. આ રીતે મિથ્યાત્વના કારણે તે પદાર્થની સ્વતંત્રતાનો સ્વીકાર કરતો નથી અને પદ્રવ્યને પોતાને આધીન કરવા મથે છે. શરીરાદિને પોતાનું કરીને રાખવા માંગે છે, પરંતુ પરદ્રવ્ય તેને આધીન નહીં હોવાથી તે સમયે સમયે વ્યાકુળતા જ પામે છે. તે અનેક ચિંતાઓ તથા વિકલ્પો કરી અશાંત થાય છે, અશાંત રહે છે. વસ્તુસ્વભાવના નિયમને ફેરવી શકવા તે સમર્થ નથી. અનાદિથી પરદ્રવ્યનું પરિણમન પોતાને આધીન કરવાની મહેનત કરવા છતાં હજી સુધી એક પરમાણુ પણ જીવનું થયું નથી અને થવાનું પણ નથી. પરમાં ફેરફાર કરવાની મથામણમાં તે ક્લેશ, વ્યગ્રતા સિવાય કંઈ જ પામતો નથી. આમ, સંસારમાં જે કંઈ દુઃખ છે તે એક આ મિથ્યાત્વના કારણે છે.
આ મિથ્યાત્વરૂપ અંતરરોગને નિર્મૂળ કરવાનો જેઓ પુરુષાર્થ નથી કરતા, તેઓ ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં અશાંત જ રહે છે. જ્યાં સુધી તેઓ પરમાં સુખ-શાંતિસલામતી શોધે છે, ત્યાં સુધી તેઓ તૃષ્ણા આદિથી મુક્ત નથી થઈ શકતા. વિપરીત શ્રદ્ધા ટળે નહીં ત્યાં સુધી તેમની આત્મિક દશા સુધરતી નથી, તેથી મિથ્યાત્વનો છેદ કરવો અત્યંત જરૂરી છે. સત્પાત્રદશાવિહીન જીવ મિથ્યાત્વની નિવૃત્તિના પ્રયોજન ઉપર ધ્યાન આપતો નથી. ધાર્મિક પ્રવૃત્તિઓ કરતાં કરતાં તેના જીવનનો અંત આવી જાય છે, પણ અંતરરોગ મટાડવારૂપ મૂળ વસ્તુ ઉપર તેનું લક્ષ પણ જતું નથી. મિથ્યાત્વના સદ્ભાવમાં જીવ જો બાહ્યથી મહાવ્રત પાળે તોપણ તે વ્રતો આત્મલક્ષવિહીન હોવાથી આસવરૂપ નીવડે છે; સંવર-નિર્જરારૂપ થતાં નથી. સંવર-નિર્જરારૂપ ધર્મની શરૂઆત તો સમ્યગ્દર્શનથી થાય છે, અર્થાત્ સૌ પ્રથમ મિથ્યાત્વનો સંવર થતાં ધર્મ પ્રગટે છે. મિથ્યાત્વના સંવરરૂપ સમકિત પ્રગટ્યા પછી જ અનુક્રમે અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગનો સંવર થાય છે. આત્મવિકાસનો આ જ ક્રમ છે. તેથી સૌ પ્રથમ મિથ્યાત્વરૂપ અંતરરોગ મટાડવો અનિવાર્ય છે, પરંતુ આત્માર્થીપણું આવ્યા વિના આ અંતરરોગ મટી શકતો નથી.
આત્માર્થીનું મિથ્યાત્વ મોળું પડ્યું હોય છે. અનાદિના મિથ્યાત્વનાં પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org