________________
૬૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
મેળવવાની અને ભોગવવાની લાલસા તોડતા રહેવું જરૂરી છે, કારણ કે એ લાલસા જીવને ધર્મ-આરાધનામાંથી ચ્યુત કરીને રાગ-દ્વેષયુક્ત પરિણતિમાં સપડાવે છે. આ લાલસા જો મૃતઃપ્રાય થઈ ગઈ હોય તો ધર્મ-આરાધના કરવા માટે જીવને પૂરતો અવકાશ રહે છે. આવી આંતરિક તૈયારી વિના જીવની ધર્મ-આરાધના સફળ થતી નથી. આત્માર્થી જીવને પ્રતીતિ થઈ હોય છે કે વાસ્તવિક સુખ અને નિર્દોષ આનંદ એકમાત્ર આત્મામાં જ છે. સાંસારિક સુખ ઇન્દ્રિયજન્ય હોવાથી પરાધીન, આકુળતાયુક્ત, અતૃપ્તિકારક, અસ્થિર અને નાશવંત છે; જ્યારે આત્મિક સુખ અતીન્દ્રિય હોવાથી સ્વાધીન, નિરાકુળ, તૃપ્તિપ્રદ, સ્થિર અને અવિનાશી છે. તેથી નિર્દોષ આત્મસુખને મેળવવા તેના કારણરૂપ આત્મજ્ઞાનને પ્રગટાવવું ઘટે કે જેથી અનંત શક્તિમાન એવો પોતાનો આત્મા કર્મનાં બંધનોથી મુક્ત થઈ મોક્ષસુખ પામે. આ તથ્યને તે જાણતો હોવાથી જીવનનિર્વાહ અર્થે આવશ્યક ન હોય એવાં ધન-સંપત્તિ, ઐશ્વર્ય કે વૈભવવિલાસ પાછળની આંધળી દોટ, તેમજ સમાજમાં પ્રતિષ્ઠા કે પદપ્રાપ્તિ અર્થેની લાલસા, કીર્તિ વિસ્તારવાની કામના કે જગતમાં પોતાનું નામ મૂકી જવાની ખેવના આદિ તૃષ્ણાઓ તે આત્માર્થી જીવના અંતરમાંથી ઓસરી ચૂકી હોય છે. તે જાણે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા મોક્ષના પુરુષાર્થમાં શિથિલતા લાવે છે, તેથી સંસારને એકાંત દુઃખરૂપ જાણી માત્ર મોક્ષસુખ પામવા ઇચ્છે છે.
-
તે બળવાન સંકલ્પ કરે છે કે “મોક્ષ માટે જ આ દુર્લભ મનુષ્યભવ ગાળવો છે. આ ઉત્કૃષ્ટ ભવનો માત્ર મુક્તિ માટે જ ઉપયોગ કરવો છે. મારું હિત કોઈ પણ પરવસ્તુથી થઈ શકે એમ નથી. મને એક મોક્ષની જ અભિલાષા છે. મારા આ જીવનનો ઉદ્દેશ એકમાત્ર મોક્ષપ્રાપ્તિ છે અને તેના પુરુષાર્થમાં જ મારા જીવનની સફળતા છે.' આમ, કેવળ એક મોક્ષની જ અભિલાષા જેને વર્તે છે તે જ ખરેખરો મુમુક્ષુ છે અને તે જ મોક્ષનો સાચો અધિકારી છે.
(૩) ‘ભવે ખેદ'
અનાદિ કાળથી આ જીવ સ્વરૂપભ્રાંતિના કારણે જન્મ-મરણની ઘટમાળમાં ફસાઈને વંટોળિયામાં સપડાયેલાં સૂકાં પાંદડાંની જેમ ચારે ગતિઓમાં પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણનો કંટાળો વર્તવો, થાક લાગવો, તેના પ્રત્યે વૈરાગ્ય જાગવો એવું ‘ભવે ખેદ'રૂપ આત્માર્થીનું ત્રીજું લક્ષણ છે.
પોતાના આત્મસ્વરૂપને ભૂલી, પરમાં અહં-મમબુદ્ધિ કરી, તીવ્ર રાગ-દ્વેષ કરી જીવે અનેક પ્રકારનાં કર્મ બાંધ્યાં છે. તે કર્મના ઉદયવશ જે ગતિમાં જવું પડે તે ગતિમાં જઈને તેણે પરવશપણે સુખ-દુઃખરૂપે તે કર્મોને ભોગવ્યાં છે. અજ્ઞાનના કારણે અત્યાર સુધી તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થયો છે, ગાઢ ભયંકર ભવાટવીમાં ભૂલો પડ્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org