________________
૬૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન રહેતાં, ઉત્તેજિત થઈ પ્રતિકાર કરે છે. ક્રોધ કરવાથી માનસિક શાંતિ હણાય છે, તદુપરાંત વાતાવરણ પણ કલુષિત અને અશાંત થાય છે. ક્રોધી વ્યક્તિ ક્રોધથી એવો તો અંધ થઈ જાય છે કે તેની દૃષ્ટિ પરદોષ પ્રત્યે જ રહે છે, અન્યના ગુણ અને પોતાના દોષ પ્રત્યે તેની દૃષ્ટિ જતી જ નથી. પોતાનાં દુઃખનો કર્તા બીજાને માનવો એ જ ક્રોધની ઉત્પત્તિનું મૂળ કારણ છે.
માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન માર્દવતા(નમતા)નો જીવની દશામાં અભાવ થઈ જાય છે, જેથી તેનામાં અકડાઈ ઉત્પન્ન થાય છે. માન કષાય ઊપજે છે ત્યારે તેને બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે અને એ માટે તે અનેક ઉપાયો વિચારે છે. તે અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે. અનેક પ્રકારે બીજાનો મહિમા ઘટાડી પોતાનો મહિમા કરવા લાગે છે. માન ખાતર તે છળકપટ કરે છે અને માનભંગ થતાં તે કોપાયમાન પણ થઈ જાય છે. આમ, માનના સદ્ભાવમાં સુવિચારને અવકાશ રહેતો નથી.
માયા કષાયના કારણે આત્માની પરિણતિમાં સ્વભાવગત સરળતા ન રહેતાં કુટિલતા આવે છે. માયાચારીનો વ્યવહાર સહજ અને સરળ નથી હોતો. તે વિચારે છે કાંઈ, બોલે છે કાંઈ અને કરે છે કાંઈ. તેનાં મન-વચન-કાયાનાં પ્રવર્તનમાં એકરૂપતા નથી હોતી. તે પોતાના કાર્યની સિદ્ધિ છળ-કપટ વડે જ કરવા ઇચ્છે છે. પોતાનું કપટ ખુલ્લું ન પડી જાય તે વિષે તે હંમેશ ભયભીત રહે છે અને તેને છુપાવવાના પ્રયત્નોમાં તેનું ચિત્ત નિરંતર આકુળ-વ્યાકુળ રહે છે. અશાંત ચિત્તવાળી વ્યક્તિ ધર્મસાધના યથાર્થ રીતે કરી શકતી નથી.
લોભ કષાયના કારણે આત્માની પરિણતિમાં સ્વભાવગત સંતોષ ન રહેતાં તૃષ્ણા, લાલસા, લાલચ, અભિલાષા ઉત્પન્ન થાય છે. લોભ કષાય ઊપજે છે ત્યારે જીવ ઇષ્ટ પદાર્થ મેળવવાની ઇચ્છાના કારણે અનેક ઉપાયો વિચારે છે. તત્સંબંધી અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પોથી ગ્રસ્ત રહેતો હોવાથી તે સતત આર્તધ્યાનમાં ડૂબેલો રહે છે, તેથી તેને આત્માથે વિચારવાનો અવકાશ મળતો નથી.
આત્માર્થી જીવ આત્માને અત્યંત અહિતકારી એવા આ કષાયોને ઉપશમાવે છે. તેને કષાય ન કરવાનો અભિપ્રાય વર્તતો હોવાથી તે કષાય ઉદ્ભવે જ નહીં તેવા પુરુષાર્થમાં લાગેલો રહે છે. તે કષાય થાય તેવા પ્રસંગોને આવવા દેતો નથી, આવતા હોય તો અટકાવવાનો પ્રયત્ન કરે છે અને તેમ છતાં પ્રસંગ આવી જાય તો કપાય ઉત્પન્ન થતાં જ તે શીધ્ર તેને શમાવી દે છે, રોકી લે છે. કષાય લાંબો સમય ટકે નહીં તે માટે તે સજાગ રહે છે. ઉદયપ્રસંગે તે પોતાને પ્રાપ્ત થયેલ બોધને જાગૃત કરે છે અને તે દ્વારા આત્માને ત્યાંથી પાછો વાળી લે છે. તે પોતાની ચિત્તવૃત્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org