________________
६७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
અભાવ હોય છે. (૨) આત્માર્થીના અંતરમાં એવી ખાતરી થાય છે કે સંસારનું કહેવાતું સુખ ક્ષણિક, અનિત્ય, પરાધીન અને વિનાશી હોવાથી વાસ્તવિક નથી. તે યથાર્થપણે સમજે છે કે આ સુખ પછી પાછું દુઃખ મળતું હોવાથી આ શાશ્વત સુખ નથી. અખંડ, અવ્યાબાધ અને અવિનાશી સુખ કેવળ આત્મામાં જ રહ્યું છે. તેથી તેને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા વર્તે છે, અર્થાત્ તે આત્માની શુદ્ધ દશાનો અભિલાષી હોય છે. આત્માની પૂર્ણ શુદ્ધ દશા તે જ મોક્ષ છે. જ્યાં મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ નથી ત્યાં સાંસારિક ઇચ્છાઓ હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે. (૩) આત્મપ્રાપ્તિનો અધિકાર તેને જ છે કે જેને સંસારપરિભ્રમણથી નિવૃત્ત થવાનો અભિપ્રાય થયો હોય. આત્માર્થીને હવે અનંત કાળના પરિભ્રમણનો થાક વર્તે છે. સવિચારના બળથી એવી પ્રતીતિ થાય છે કે વાસ્તવિક સુખનો જ્યાં અભાવ છે એવા સંસારમાં કેવળ દુઃખ, દુઃખ અને દુઃખ જ છે અને તેથી હવે તેને સંસારના આત્યંતિક વિયોગની ઇચ્છા થાય છે. સંસાર, ભોગ અને દેહ પ્રત્યેના તેના અભિગમમાં પલટો આવે છે. સંસાર અનિત્ય, અસાર અને અશરણરૂપ લાગે છે, ભોગ. રોગ સમાન સમજાય છે અને દેહ માત્ર સંયોગરૂપ ભાસે છે. તેને સમજાય છે કે માત્ર આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય તત્ત્વ છે. આ વિવેકપૂર્વકના વિચારથી તેનામાં વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. જ્યાં ભવનો ખેદ નથી, અર્થાત્ સંસારસમુદ્ર તરવાની કામના જાગી નથી ત્યાં તીવ્ર સંસારસ હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે. (૪) આત્માર્થીને એકમાત્ર સ્વસ્વરૂપ પ્રાપ્તિની ઝંખના હોવાથી તેને સાંસારિક બંધનથી છૂટવાની તીવ્ર કામના હોય છે. તેને જેમ પોતાના બંધનયુક્ત આત્માની દયા વર્તતી હોય છે, તેમ અન્ય બંધનગ્રસ્ત જીવો પ્રત્યે પણ તેને તેવી જ દયા વર્તતી હોય છે. જગતના સર્વ જીવો સુખી થાય, કોઈ દુઃખી ન થાય એવી મૈત્રીભાવના તે ભાવતો હોય છે. સર્વ જીવમાં તેને સ્વાત્મતુલ્ય બુદ્ધિ હોય છે. તેના અંતરમાંથી પ્રાણીમાત્ર પ્રત્યે દયા વહે છે. કોઈ પણ પ્રાણીને પોતાના કારણે દુઃખ ન પહોંચે એની સાવધાની રહે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યચ્ય ભાવનાથી ભાવિત તેની વિચારણા સમ્યક, નિર્મળ, સૂક્ષ્મ અને ધારદાર બનતી જાય છે. જ્યાં દયાની ભાવના હોતી નથી ત્યાં પરિણામમાં કોમળતા ન હોવાથી આત્માર્થિતાનો અભાવ હોય છે.
આ પ્રમાણે જેના ક્રોધાદિ કષાય પાતળા પડ્યા છે, માત્ર મોક્ષપદની જેને અભિલાષા છે, જેને સંસારના ભોગ પ્રત્યે વૈરાગ્ય વર્તે છે, તેમજ અંતરમાં સ્વપદયા વર્તે છે; તે જીવ મોક્ષમાર્ગનો કામી છે અને તે જ માર્ગ પામવાને પાત્ર પણ છે. આ લક્ષણો જેનામાં હોય તે જીવ સાચો આત્માર્થી જીવ છે, આત્મપ્રાપ્તિનો અધિકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org