________________
૫૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તરફ ઢળી જતો હોય તો વ્યવહારનય તેને વર્તમાન વિભાવયુક્ત પર્યાયનું દર્શન કરાવે છે અને શુદ્ધ સ્વભાવદશા પ્રગટાવવા માટે તથા અશુદ્ધ દશા ટાળવા માટે સાવધાન કરી જીવને સમતોલ કરે છે; અને જો જીવ માત્ર વર્તમાન વિભાવયુક્ત પર્યાયને ગ્રહી, એકાંત વ્યવહાર તરફ ઢળી જતો હોય તો નિશ્ચયનય તેને આત્માના શુદ્ધ સ્વભાવનું દર્શન કરાવે છે અને અશુદ્ધ દશા ટાળી, શુદ્ધ સ્વભાવદશા પ્રગટાવવા જાગૃત કરી જીવને સમતોલ કરે છે. આમ, યથાસ્થાને બન્ને નયની દૃષ્ટિ ઉપકારી છે. બન્ને નયમાંથી એકની પણ ઉપેક્ષા કરનાર જીવ એકાંતવાદી - મિથ્યાદષ્ટિ છે. નિશ્ચયનયની ઉપેક્ષા નહીં કરતાં તેની અપેક્ષા રાખી કથન કરનાર વ્યવહા૨ાભાસી નથી, પણ સમ્યક્ વ્યવહારી છે તથા વ્યવહારનયની ઉપેક્ષા નહીં કરતાં તેની અપેક્ષા રાખી કથન કરનાર નિશ્ચયાભાસી નથી, પણ સમ્યક્ નિશ્ચયી છે. આમ, પરસ્પર સાપેક્ષપણે ઉભય નયગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ છે અને તેવો ઉપદેશ તે સમ્યક્ ઉપદેશ છે.
આ પ્રકારે જ્ઞાની ભગવંતોએ આત્માનું સ્વરૂપ નિશ્ચય તેમજ વ્યવહારથી બતાવીને પરમ અદ્ભુત રહસ્ય જાહેર કર્યું છે. આત્મતત્ત્વનું પરિજ્ઞાન યથાર્થપણે કરવામાં ન આવે તો સમ્યગ્દર્શન પ્રગટતું નથી. અવસ્થાના જ્ઞાન વિના દ્રવ્યનું યથાર્થ જ્ઞાન થતું નથી અને સ્વભાવના લક્ષ વિના અવસ્થા નિર્મળ થતી નથી, તેથી આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવા માટે નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો ઘટે છે. પોતાની બુદ્ધિથી એક અપેક્ષાએ જ વસ્તુસ્વરૂપને પકડતાં તેનું ખરું રહસ્ય સમજાતું નથી. યથાર્થ પરિજ્ઞાન વિના એકાંત ગ્રહણ થવાની તથા શિથિલાચારમાં સરવાની સંભાવના રહે છે, તેથી સૌ પહેલાં યથાર્થ પરિજ્ઞાન કરવું ખૂબ અગત્યનું છે. જેમ પ્રથમ બે આંખ વડે બધું બરાબર જાણીને પછી લક્ષિત પદાર્થ તરફ એકાગ્રતા કરવામાં આવે છે, તેમ નિશ્ચય અને વ્યવહા૨ એમ બન્ને નય દ્વારા આત્મસ્વરૂપને જાણીને, અનાદિ કાળથી જેના તરફ લક્ષ નહીં અપાયાથી ભવભ્રમણ થયું છે, તે તરફ એકાગ્રતા કરવી આવશ્યક છે.
નિશ્ચયપ્રધાન ‘સમયસાર' આદિ શાસ્ત્રોમાં મુખ્યત્વે નિશ્ચયનયનું કથન છે અને વ્યવહારનયનું કથન ગૌણતાએ છે. વ્યવહારને ઉડાવી દેવા અર્થે આ રીતે નિરૂપણ હોય નહીં, કારણ કે કોઈ પણ શાસ્ત્ર એકાંતિક કથન કરે તો તે મિથ્યાત્વરૂપ બની જાય અને તેવા પ્રકારનું કથન તો જ્ઞાનીપુરુષ કરે નહીં. તેથી આવા પ્રકારનાં શાસ્ત્રોનું સાપેક્ષપણું સમજવું જોઈએ. નિશ્ચયનય વસ્તુના શુદ્ધ સ્વરૂપને પ્રકાશે છે, તેથી જ્ઞાતવ્ય અને પ્રાપ્તવ્ય એવા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે મુમુક્ષુ જીવનું લક્ષ કેન્દ્રિત કરાવવા માટે તથા સ્વરૂપાનુસંધાનને વિષે પરમ ઉપકારભૂત થવા અર્થે શુદ્ધ નયનું કથન છે એમ સમજવા યોગ્ય છે. ‘સમયસાર' આદિ શાસ્ત્રોમાં જે નિશ્ચયનયપ્રધાન કથનો છે તે વ્યવહારનયનું ઉત્થાપન કરતાં નથી, પણ આત્માના શુદ્ધ સ્વરૂપ પ્રત્યે વ્યવહારપ્રધાન (ક્રિયાપ્રધાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org