________________
૫૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સંપ્રદાય કે મતનાં વ્રત, પચ્ચખાણ આદિ સાથે સરખાવવાં નહીં, કારણ કે લોકો જે વ્રત, પચ્ચખાણ આદિ કરે છે તેમાં ઉપર જણાવેલા દોષો હોય છે. આપણે તો તે દોષોથી રહિત અને આત્મવિચારને અર્થે કરવો છે.”
લૌકિક માનની કામના અને લોકોત્તર પરમાર્થ બન્નેનો મેળ હોઈ શકતો નથી. પરમાર્થપ્રાપ્તિ અર્થે લોકને ભૂલીને વ્રત-તપ સાધવા ઘટે છે. જેને આત્મા પ્રાપ્ત કરવાની ખુમારી હોય છે તે દુનિયા શું કહેશે એ જોવા રોકાતો નથી. તેને આત્માથી અધિક જગતમાં કાંઈ વહાલું હોતું નથી. તે માનનું વિસર્જન કરે છે. જેટલા પ્રમાણમાં માન ઓગળે એટલા પ્રમાણમાં તે મોક્ષની નજીક જાય છે. આમ, જો આત્માર્થ જોઈતો હોય તો માનાર્થ છોડવો ઘટે છે અને જો માનાર્થ જોઈતો હોય તો આત્માર્થ જતો કરવો પડે છે. આત્માર્થી જીવ લોકેષણાને છોડી પરમાર્થને રહે છે, જ્યારે મતાર્થી જીવ લૌકિક માનને લેવા પરમાર્થને ગ્રહતો નથી. આ ગાથાનો ફલિતાર્થ દર્શાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
‘સાચું “લહું' નહિ ને ખોટું “ગ્રહ્યું' એમ અદ્દભુત શબ્દ - અર્થ ચમત્કૃતિથી ભગવાન શાસ્ત્રકારે દર્શાવ્યું, અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય એવું જે સાચું સ્વરૂપ ગ્રહણ કર્યું નહિ, અને નહિ ગ્રહણ કરવાયોગ્ય એવું જે દુષ્ટ અભિમાન તે ગ્રહણ કર્યું, એ જ મતાગ્રહી આત્માને લાગુ પડેલ ગ્રહણરૂપ દુર્ગહ, અને એ જ એકાંત વ્યવહારાભાસી મતાગ્રહરૂપ મતાર્થીપણું.”
આમ, મતાર્થી જીવ વૃત્તિઓનું સ્વરૂપ જાણતો નથી અને ધારણ કરેલ વ્રતોનું અભિમાન કરે છે તથા લૌકિક માન-સન્માન લેવા માટે સાચા પરમાર્થને પકડતો નથી. તે વૃત્તિનિરીક્ષણનો તથા પરમાર્થગ્રહણનો ઉદ્યમ કરતો નથી, તેથી તેને વ્રત-તારૂપ સત્સાધનનું સેવન કરવા છતાં શિવલાભ પ્રાપ્ત થતો નથી; જ્યારે આત્માર્થી જીવ વૃત્તિનિરીક્ષણ કરી, પરમાર્થ રહી, વ્રત-તપ દ્વારા શીઘ આત્મકલ્યાણ સાધી લે છે.
વ્રત-તપ દ્વારા પોતાનું આત્મહિત સાધી શકે તે અર્થે જ્ઞાની મતાર્થી જીવને કહે છે કે “હે જીવ! અત્યારે તારું હિત સાધવાનો અવસર છે. તેં આજ સુધી વ્રત-તપના નામે ઘણા પ્રયત્નો કર્યા છે, પણ વ્રત-તપની આરાધનાનું યથાર્થ સ્વરૂપ નિર્ધાર્યું નથી. આત્મનિરીક્ષણના અભાવમાં વ્રત-તપ કરીને પણ સ્વસમ્મુખ થવાને બદલે તું અહંકાર જ વધારતો રહ્યો છે. પરિણામે તારાં સર્વ વ્રત-તપ માત્ર નિષ્ફળ જ નહીં, બલ્ક બંધનરૂપ નીવડ્યાં છે. લોકરંજનથી તારું કંઈ હિત થયું નહીં. લૌકિક માનની વાસનાના કારણે તારો આત્મવિકાસ રૂંધાઈ ગયો છે. તેથી હે જીવ! તું સમજ કે માનમાં કાંઈ લાભ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૮૬ (ઉપદેશછાયા-૩) ૨- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org