________________
४८६
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તપ (તત્ત્વએકાગ્રતા), વીર્ય (આત્મશક્તિ) ગુણના ઉલ્લાસ વડે અનુક્રમે સર્વ કર્મોને જીતી મોક્ષમાં જઈ વસે છે.
આમ, શ્રી જિનેશ્વર ભગવાનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દૃષ્ટિ જાય એ જ સાચી ઉપાસના છે. જિનેશ્વરદેવ નિજના નિરુપાધિક આનંદમાં મગ્ન રહી નિર્લેપ નેત્રે વિશ્વને નિહાળે છે. તેમના આ આંતરિક ગુણ પ્રત્યે લક્ષ જતાં જિનના અનુયાયી તરીકે પોતાનું શું કર્તવ્ય છે તેનું સ્વયં ભાન થાય છે. તેને સમજાય છે કે આત્માનાં નિર્મળ જ્ઞાન અને નિરુપાધિક આનંદ સિવાયની બીજી કોઈ પણ વસ્તુ મેળવવાની દોડ અથવા તો પ્રાપ્ત વસ્તુ સ્થાયી બનાવવાની ઇચ્છા તે જ દુઃખનું બીજ છે. પરિણામે કંઈક મેળવવું છે કે કંઈક થવું છે' એવી ઇચ્છાઓમાંથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને છે તેને આતુરતા કે આસક્તિ વિના સાક્ષીભાવે નીરખવાના અભ્યાસ તરફ તે વળે છે. આમ, જિનેશ્વરની વીતરાગતા પ્રત્યે લક્ષ કરતાં તેનામાં વીતરાગી પુરુષાર્થ ઊપડે છે. પરપરિણતિમાં ઉદાસીન બની આત્મપરિણતિ ભણી વળી તે પરમાત્મસ્વરૂપની સાધના કરે છે અને પરમ સિદ્ધિને વરે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આત્મસિદ્ધિરૂપ કાર્યની સિદ્ધિ થવા માટે જિનેશ્વરના અંતરંગ સ્વરૂપની ઓળખાણ કેટલી અગત્યની છે. જે અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે, તે પોતાના આત્માને પણ જાણે છે અને તેથી તેનો મોહ અવશ્ય નાશ પામે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરતાં આત્મસ્વભાવ પ્રતીતમાં આવે છે. અરિહંત ભગવાનને પૂર્ણ નિર્મળ દશા પ્રગટી તે ક્યાંથી પ્રગટી? જ્યાં સામર્થ્ય હતું ત્યાંથી પ્રગટી. સ્વભાવમાં રહેલા પૂર્ણ સામર્થ્યની સન્મુખતાથી તે દશા પ્રગટી. મારો સ્વભાવ પણ અરિહંત ભગવાન જેવો પરિપૂર્ણ છે. સ્વભાવ-સામર્થ્યમાં કાંઈ ફરક નથી. સ્વભાવસામર્થ્યની પ્રતીતિ કરતાં જ મોહ ટળે છે અને સમ્યકત્વ પ્રગટ થાય છે. અરિહંત ભગવાનનું આત્મદ્રવ્ય શુદ્ધ ચેતનમય, તેમના ગુણો પણ શુદ્ધ ચૈતન્યરૂપ અને તેમની પર્યાય પણ શુદ્ધ ચેતનારૂપ; એમાં કશે પણ રાગ નથી, જેવો તે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવો જ પરમાર્થે આ આત્મા શુદ્ધસ્વભાવી છે - એમ ઓળખાણ કરવાથી રાગાદિ પરભાવો સાથેની એ–બુદ્ધિ છૂટીને પરિણતિ અંતરસ્વભાવમાં વળે છે, શુદ્ધ સ્વભાવ સાથે પર્યાયની એકતા થતાં મોહનો અભાવ થાય છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, 'પ્રવચનસાર', ગાથા ૮૦ (ગુર્જરાનુવાદ સહિત)
'जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।' “જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે; તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org