________________
ગાથા-૧૯
૩૮૭ છે. તે વિના જીવન અણઘડ, અશિષ્ટ અને અંધકારમય છે. વિનય વિના જ્ઞાન અને ભક્તિની જાળવણી થતી નથી. વિનયના અભાવમાં ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ પણ પ્રજ્ઞારૂપે પરિણમતી નથી અને ગમે તેવી ભાવના છતાં જીવ માયામાં સપડાઈ જાય છે. જેના જીવનમાં વિનય ન હોય તે આત્મતત્ત્વને ગ્રહણ કરી શકતો નથી. જીવને સદ્ગુરુ પ્રત્યે વિનય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે અને તેના પરિણામમાં અવરોધ આવે છે, તેથી મોક્ષમાર્ગે આગળ વધી શકાતું નથી. માટે જે જીવ વિનયની ઉપેક્ષા કરે છે, તે નિજ ઉત્કર્ષના દરવાજા જાતે જ બંધ કરે છે અને જેનામાં સદ્ગુરુ પ્રત્યે પરમ વિનય પ્રગટે છે, તેને માર્ગપ્રાપ્તિ અત્યંત નિકટ છે.
જેમ જેમ જીવનો સદ્ગુરુ પ્રત્યે વિનય વધતો જાય છે તથા તેમના પ્રત્યેનો પ્રેમ ઊર્ધ્વ ગતિને પામતો જાય છે, તેમ તેમ તેના હૃદયમાં અનાદિથી સ્થિત થયેલ સંસારગત વહાલપ ઘટતી જાય છે. સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ તે તેમના નિર્મળ વીતરાગસ્વરૂપ પ્રત્યેનો પ્રેમ છે અને તે પરમાર્થે નિજાત્મા પ્રત્યેનો પ્રેમ છે. તે પ્રેમ વર્ધમાન થતાં તેનું સુખદ પરિણામ એ આવે છે કે સંસારભાવ ન્યૂન ન્યૂન થતો જઈ આત્મભાવ વૃદ્ધિ પામતો જાય છે. આત્મભાવ વધવાથી, આત્માનો ઉપયોગ સ્વસ્વરૂપ પ્રતિ વારંવાર વળવાથી ઉપયોગ શુદ્ધતાની કેડી ઉપર આગળ વધે છે અને પુરુષાર્થ તથા સંયમના બળે તે જીવને આત્માની અપૂર્વ દશા સંપ્રાપ્ત થાય છે. આમ, જે જીવ વિનયપૂર્વક સદ્ગુરુના પરમ સત્સંગના આશ્રયે મોક્ષમાર્ગે વળે છે તે પરમપદને અવશ્ય પ્રાપ્ત કરે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘જે સદગુરુ ઉપદેશથી, શિષ્ય થયા સદ્ભાવ; આજ્ઞા આરાધક ભલો, ગુણમાં થઈ ગરકાવ. શિક્ષા સહીને આકરી, પામ્યો કેવળજ્ઞાન; અહો! અહો! સદ્ગુરુ તણા, પ્રભાવ પુણ્ય નિધાન. અહો! પરિણામ વિચિત્રતા, ન્યૂન યોગ સમ થાય; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, જુઓ વિનય સચવાય. યોગ ક્રિયા સમભાવથી, લોભ રહિત નિર્માન; સહજપણે તે ગુરુ તણો, વિનય કરે ભગવાન.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૧૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૭૩-૭૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org