________________
उ८४
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સાંભળતાં જ આચાર્ય તે કેવળી શિષ્ય પ્રત્યેના પોતાના વ્યવહારની તથા પોતાના ક્રોધની નિંદા કરવા લાગ્યા, તે ત્યાં સુધી કે તેઓ કેવળી શિષ્યના ચરણમાં પડી ક્ષમાદિ માંગવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરતાં કરતાં તેઓ પણ ત્યાં જ કેવળી થયા.
| (૩) સાધ્વી શ્રી ચંદનબાળા અને સાધ્વી શ્રી મૃગાવતીનું દૃષ્ટાંત પણ આ સંદર્ભમાં ખૂબ પ્રસિદ્ધ છે. મૃગાવતી સાધ્વીજી ચંદનબાળા સાધ્વીજીનાં શિષ્યા હતાં. એક વાર શ્રી મહાવીર ભગવાન કૌશાંબીમાં પધાર્યા હતા. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પ્રભુની દેશના શ્રવણ કરવામાં નિમગ્ન હતાં. સૂર્ય અને ચંદ્ર વિમાનના સ્વામીઓ પોતાના મૂળ વિમાન સાથે ભગવંતને વંદન કરવા આવ્યા હતા, તેથી સૂર્યાસ્તનો સમય થવા છતાં સૂર્યની હાજરીથી અંધારું ન થયું. રાત્રિનો સમય થઈ ગયો હોવાથી આચારસંહિતાનું ધ્યાન રાખીને - ઊઠવાનો સમય થઈ ગયો જાણીને - ચંદનબાળાજી સાધ્વીસમુદાયની સાથે અંધારું થાય તે પહેલાં જ ઉપાશ્રયમાં જતાં રહ્યાં, પરંતુ મૃગાવતીજી પ્રભુનો ઉપદેશ તન્મયતાથી સાંભળતાં રહ્યાં. તેમણે સૂર્યની હાજરીના કારણે રાત્રિ થયેલી જાણી નહીં. પરંતુ સૂર્ય-ચંદ્ર પાછા ચાલ્યા જતાં મૃગાવતીજી રાત્રિ પડી ગઈ છે એમ જાણી, કાળાતિક્રમના ભયથી ચકિત થઈ ઉપાશ્રયે ગયાં. ત્યાં ચંદનબાળાજીએ તેમને કહ્યું, “મૃગાવતી, તમારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શોભતું નથી.' મૃગાવતીજી પોતાના અપરાધનો સ્વીકાર કરી, વારંવાર અંતઃકરણપૂર્વક ખમાવવા લાગ્યાં. તેઓ પોતાના દોષ માટે પોતાની જાતને વારંવાર નિંદવા લાગ્યાં. ચંદનબાળાજી વગેરે સાધ્વીજીઓ સૂઈ ગયાં, પણ મૃગાવતી સાધ્વીજીને ઊંઘ ન આવી. તેઓ વિચારવા લાગ્યાં કે ‘મેં નિયમોનું ઉલ્લંઘન કર્યું, તેથી મારાં ગુરુણીને સંતાપ થયો.” આમ, નિજત્રુટિ ઉપર પશ્ચાત્તાપપૂર્વક વિચાર કરતાં કરતાં શુભ ભાવ ઉદિત થયો અને આત્મચિંતનની ધારા ચાલવા લાગી. ધારા આગળ વધતાં તેઓ શુક્લધ્યાનમાં આરૂઢ થયાં. ઘાતી કર્મોનો ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન પ્રગટ્યું. તે વખતે રાત્રિના અંધકારમાં એક સાપ ચંદનબાળાજીના સંથારાની પડખેથી જતો હતો. કેવળજ્ઞાનની દિવ્ય દૃષ્ટિથી મૃગાવતીજીએ ગહન અંધકારમાં પણ તેને જોયો, એટલે તેમણે ચંદનબાળાજીનો હાથ ઊંચો કર્યો. ચંદનબાળાજી સ્પર્શથી જાગૃત થયાં અને પૂછ્યું, “મારો હાથ કેમ ઊંચો કર્યો?' મૃગાવતીજીએ કહ્યું, “અહીંથી સર્પ જતો હતો.' ચંદનબાળાજીએ પૂછ્યું, “આવા ગાઢ અંધકારમાં તમે સર્પ જોયો શી રીતે?' ત્યારે મૃગાવતીજીએ ઉત્તર આપ્યો કે ‘આપની કૃપાથી થયેલા કેવળજ્ઞાનથી મેં તેને જોયો.' આ સાંભળતાં જ ચંદનબાળાજીને દુઃખ થયું કે પોતે કેવળીની આશાતના કરી. તેઓ પોતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. તેમના અંતઃકરણમાં પણ ભાવનાઓનો પ્રાદુર્ભાવ થયો અને તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચડી, ઘાતી કર્મોનો ક્ષય કરી નિરાવરણ કેવળજ્ઞાન પામ્યા. ૧- જુઓ : આચાર્યશ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજીવિરચિત, ‘ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ', ભાગ ૪, વિષય ર૫૮ ૨- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર', પર્વ ૧૦, સર્ગ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org