________________
ગાથા-૧૨
૨૯૧
જાય - તે ન્યાયથી જિનેશ્વરના ગુણોના ચિંતનથી તે તે ગુણો મુમુક્ષુ જીવમાં અંશે અંશે પ્રગટતા જાય છે, વર્ધમાન થતા જાય છે. આમ, તે સદ્ગુરુના ઉપદેશ દ્વારા જિનનું યથાર્થ સ્વરૂપ સમજે છે અને સાચી ઉપાસના દ્વારા સ્વરૂપદશાને પામે છે. શ્રીમદ્ લખે છે –
સદ્દગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય;
સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય." સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવ જિનસ્વરૂપને જાણે છે અને જિનસ્વરૂપને જાણતાં તે પોતાનું સ્વરૂપ જાણે છે, કારણ કે શુદ્ધાત્મપણું તે જિનનું ખરું સ્વરૂપ છે અને તે શુદ્ધાત્મપદ તો સત્તાએ સર્વ જીવનું છે. સદ્દગુરુના બોધ દ્વારા હું જિનસ્વરૂપ છું' એમ દઢ નિર્ણય થાય છે. તેને નિઃશંકતા આવે છે કે “જેમ જિન ભગવાન પુરુષાર્થ વડે વિભાવનો ક્ષય કરી મોક્ષને પામ્યા છે, તેમ હું પણ પુરુષાર્થ કરીને તે દશા પામી શકીશ.’ ‘હું ત્રિકાળી, મુક્તસ્વભાવી છું' એવું તેને લક્ષ રહે છે. પોતાના જ્ઞાયકસ્વરૂપની સ્મૃતિ રહે છે. ‘આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે' એવું જ્યારે દઢતાપૂર્વક માને છે અને ત્યારે તે જીવ સમ્યકત્વસમ્મુખ થાય છે. તેનું સમગ્ર પરિણમન બદલાઈ જાય છે. તેને અંતરમાં એવી લગની લાગે છે કે હું ચિદાનંદ પરમાત્મા છું.” અંતરમાં એવા દઢ સંસ્કાર પડે છે કે જે કદી ફરે નહીં અને તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય જ છે. આમ, સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન કરવાથી તેને સમ્યગ્દર્શન પ્રગટે છે અને તે સ્વભાવમાં સ્થિરતા કરતાં તેને કેવળજ્ઞાનમય તથા પૂર્ણસુખમય દશા પ્રગટે છે. તેને આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ સંસારના સમસ્ત તાપ, ચિંતા, ફિકર, પીડા આદિ ઉતાપ મટી જાય છે અને સાદિ-અનંત કાળ માટે પરમ શાંતિ અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. જિનભાવનાથી ભાવિત એવો જિનભક્ત સિદ્ધના ઉત્તમ સુખને પામે છે. તે સિદ્ધસુખ કલ્યાણરૂપ છે, નિરુપદ્રવ છે, અજરામર લિંગવાળું છે, અનુપમ છે; તેને સાંસારિક સુખની ઉપમા આપી શકાય નહીં; તે સર્વોત્તમ છે, પરમોત્કૃષ્ટ છે, મહાર્ણ - મહાન અર્થ છે, પૂજ્ય છે, પ્રશંસા યોગ્ય છે; કર્મમળ તથા રાગાદિ મળથી રહિત વિમલ અને અતુલ છે. ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૩૪ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન) ૨- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૧૬૨
'सिवमजरामरलिंगमणोवममत्तमपरमविमलमतुलं । पत्ता वरसिद्धिसुहं जिणभावणभाविया जीवा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org