________________
૨૭૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તેની દૃષ્ટિ તેમની મુદ્રાના નિરીક્ષણમાં વધારે ને વધારે ઓતપ્રોત થતી જાય છે. પ્રલયકાળે સમુદ્રનું પાણી ખસી જતાં પેટાળમાં રહેલ રત્નસમૂહ ખુલ્લો થાય છે, તેમ મુખમુદ્રાના નિરીક્ષણથી સદ્ગુરુનાં મન-વચન-કાયાની ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો પ્રગટ થાય છે, સમજાય છે અને તેથી તેમની અપૂર્વ, આશ્ચર્યયુક્ત આત્મદશા જોઈને તેમના પ્રત્યેનો અહોભાવ અતિશય વધી જાય છે. સદ્ગુરુની અંતર્મુખતા સમજાતાં, તેમની અંતરંગ દશા પ્રત્યે આદર થતાં આત્માર્થીને પણ તે પ્રાપ્ત કરવાની રુચિ પ્રગટે છે. ‘હું પણ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું અને મારા સ્વરૂપની ભાવનાથી હું પણ આવી ધન્ય દશા પામી શકીશ' એવી દૃઢતા પ્રગટે છે.
વળી, આત્મનિષ્ઠ સદ્ગુરુના સમાગમમાં આત્માર્થી જીવ સાધનામાં ઓછી મહેનતે વિશેષ પ્રગતિ કરી શકે છે, કારણ કે એમના સાન્નિધ્યમાં ચિત્તશુદ્ધિ અને આત્મભાવની વૃદ્ધિ સરળતાથી થઈ શકે છે. એમના ક્ષણમાત્રના સહવાસમાં તેની જીવનદૃષ્ટિ બદલાઈ જાય છે. સદ્ગુરુની પ્રત્યેક હિલચાલ, વાતચીત અને તેમની આસપાસનું વાતાવરણ સુધ્ધાં આત્મભાવનાં પોષક હોય છે. જેમ મોરલીના નાદે સર્પ જાગીને ડોલવા લાગે છે, તેમ તેમના દિવ્યપણાથી વ્યાપ્ત એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતાં પવિત્ર સ્પંદનોના વાતાવરણમાં આત્માર્થી જીવની મોહમૂર્છા ઊતરવા લાગે છે. તે વાતાવરણમાં વીતરાગતા જ ઘૂંટાતી હોવાથી, મનમાંથી સંસારનો મોહ છૂટતાં કોઈ અનેરી શાંતિ અનુભવાય છે. તેમનો સંગ વીતરાગતાપોષક હોય છે. સદ્ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં તેમના અંતરમાં રહેલી જ્ઞાનનિધિનો લાભ મળે છે. સદ્ગુરુ સાધકને માર્ગ બતાવે છે, એટલું જ નહીં પણ એ માર્ગે તેની પ્રગતિની ચકાસણી કરે છે, તેની સાધનાને યોગ્ય વળાંક આપે છે, તેને માર્ગમાં આવતાં વિઘ્નોથી બચાવે છે, નિરાશાના સમયમાં આશા આપે છે અને નિરંતર લોકોત્તર માર્ગની પ્રેરણા આપતા રહે છે. આત્મસાક્ષાત્કાર કરવા માટે તેઓ સાધના બાબત અનેક કૂંચીઓ આપતા રહે છે કે જેથી તેનાથી પ્રાપ્ત થતા વિવેક દ્વારા મિથ્યાત્વનો નાશ કરી શકાય. તે કૂંચીઓને બરાબર વાપરતાં, અનાદિથી બંધ રહેલો એવો, સ્વધનથી ભરપૂર પોતાના આત્મગુણોનો ભંડાર ઊઘડી જાય છે અને જીવનમાં જ્ઞાનાનંદની એક એવી જ્યોત પ્રગટે છે, જે કદાપિ ઝાંખી પડ્યા વિના, દિનપ્રતિદિન વધુ ને વધુ પ્રજ્વલિત થતી જઈ અંતે પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે.
સદ્ગુરુનાં આવાં અલૌકિક વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનાં અવલંબનથી જીવમાં ભક્તિનો વિપાક થાય છે અને સદ્ગુરુ સાથેનો સંબંધ વધારે ને વધારે ગાઢ થતો જાય છે. તેની રગે રગમાં, રોમે રોમમાં, અંગે અંગમાં એવી પ્રેમભક્તિ જાગે છે કે ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, હરતાં-ફરતાં, ઘરમાં કે બહા૨, દિવસે કે રાત્રે, સૂતાં કે જાગતાં સર્વત્ર, દરેક સમયે તેને સદ્ગુરુનું સ્મરણ થાય છે. જેવી રીતે લોભીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org