________________
૨૫૪
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લોષ્ટ (માટીનો ઢેલો) અને સુવર્ણ સમાન છે, તથા જીવન-મરણ પ્રત્યે જેમને સમતા છે, તે શ્રમણ છે.
ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થાય એવા નિમિત્તસભર સંસારમાં આવી સમદશાથી રહેનાર સદ્ગુરુને ધન્ય છે. સંયોગો તેમને પ્રભાવિત કરી શકતા નથી. ધ્રુવ ચિદાનંદસ્વભાવના અવલંબનથી ક્ષણે ક્ષણે તેમની વીતરાગતા અને શુદ્ધતા વધતી જાય છે. જગતના બદલાતા સંજોગો વચ્ચે પણ સ્વરૂપસન્મુખતા રહેતી હોવાથી તેમની સમદર્શિતા જળવાઈ રહે છે. સદ્ગુરુની આવી સમદર્શિતાની ઓળખાણ થતાં મુમુક્ષુ જીવ તે દશાને ઉપાસે છે અને બદલાતા સંજોગોમાં સમભાવ રાખવાનો પુરુષાર્થ આદરે છે. “સગુરુ કેવા સ્વસ્થ અને સમપરિણામી છે, તેઓ કર્મોદયને કેવા અભિપ્રાયવલણથી વેદે છે, તેમને કેવી અદ્ભુત વીતરાગદશા વર્તે છે' ઇત્યાદિ વિચારણા કરી, તેમની ચર્યામાંથી બોધ મેળવી મુમુક્ષુ વિષમ ઉદયમાં પોતાને સમપરિણામી રાખવાનું શક્ય બનાવે છે. સદગુરુની સમદર્શિતાના અહોભાવ વડે વીર્યબળ પ્રગટાવતો જઈ તે સમત્વભાવ કેળવતો જાય છે. તે વિચારે છે કે પદાર્થોનો પર્યાયસ્વભાવ ક્ષણે ક્ષણે પલટાતો જ રહેવાનો છે. તે પદાર્થો તો તેના પરિણમનપ્રવાહમાં નિરંતર વહી રહ્યા છે. કોઈ પણ પદાર્થ સ્થિર રહેતો નથી. આ સર્વ પદાર્થો આત્માથી ભિન્ન છે અને આત્માને તેનાથી કોઈ લાભ-હાનિ નથી. આત્માનાં સુખ, શાંતિ અને સલામતી આત્મામાં જ છે. આ પ્રકારે સદ્ગુરુના પ્રત્યક્ષ ઉદાહરણથી તેને સમજાય છે કે આત્માનો આશ્રય કરવાથી જીવને પદાર્થ અને પરિસ્થિતિના સંયોગ-વિયોગથી હર્ષ-શોક થતા નથી. સ્વરૂપની આવી સાચી શ્રદ્ધા અને સ્થિરતાથી તે સમદશાને પામે છે. (૩) વિચરે ઉદયપ્રયોગ’
વિચરે ઉદયપ્રયોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ ઉદયાનુસાર સહજપણે થવી. પૂર્વબદ્ધ કર્મ અનુસાર, અનાસક્તપણે - માત્ર છૂટવા માટે જ્ઞાનીના દેહાદિનું વર્તવું થાય છે તેને “વિચરે ઉદયપ્રયોગ' કહે છે.
પ્રશ્ન થાય કે સદ્ગુરુને અંતરમાં સતત સમદર્શિતા વર્તે છે અને છતાં તેમનાં બાહ્ય પ્રવર્તનમાં તો વિવિધતા દેખાય છે, તો આ ભેદ યથાર્થપણે કઈ રીતે સમજી શકાય? સમદર્શિતાના કારણે જો તેમને અંતરમાં ઇચ્છારહિતપણું વર્તતું હોય તો તેમની દેહાદિ ક્રિયાનું પ્રવર્તન કઈ રીતે થાય છે? શ્રીમદે સદ્ગુરુના ત્રીજા લક્ષણ તરીકે વિચરે ઉદયપ્રયોગ' દર્શાવી આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પ્રવચનસાર', ગાથા ૨૪૧
'समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो । समलोट्टकंचणो पुण जीविदमरणे समो समणो ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org