________________
૨૩)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન
પણ જીવનું કલ્યાણ થયું નથી, તેથી સદ્ગુરુના ઉપદેશનું એવું કંઈ વિશેષપણું દેખાતું નથી. તો તેનું સમાધાન એ છે કે જીવને સદ્ગુરુનો યોગ થયો હોવા છતાં પોતાના પક્ષના આગ્રહમાં રોકાઈ ગયો હોવાથી તેને સદ્ગુરુની ઓળખાણ થઈ નથી. તેઓ સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તેઓ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની જ સિદ્ધિ કરે છે અને તેમની જ પ્રતીતિથી મોક્ષમાર્ગ સ્વીકારવા-આરાધવા યોગ્ય છે; એવો સદ્ગુરુ સંબંધી નિઃશંક નિર્ણય થયો નહીં હોવાથી આત્મકલ્યાણ થયું નથી. જો તેણે માન અને મન મૂકીને સર્વાર્પણપણે તેમની આજ્ઞા ઉપાસવાનો સંનિષ્ઠ પુરુષાર્થ આદર્યો હોત તો અવશ્ય સદ્ગુરુનો ઉપદેશ તેના અંતરમાં પરિણામ પામ્યો હોત અને પરમાર્થની પ્રાપ્તિ થઈ હોત. આમ, સદ્ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ પ્રગટી નહીં હોવાના કારણે સગુરુનો અપૂર્વ યોગ પણ નિષ્ફળ ગયો છે.
પરમાર્થને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળો આત્માર્થી જીવ અજ્ઞાન-અંધકારમાં લાંબો સમય રહી નથી શકતો. ગતાનુગતિકતાથી થતી ધર્મપ્રવૃત્તિથી તેને તૃપ્તિ થતી નથી. સ્વાનુભૂતિ માટે તેનું અંતર તલસતું હોય છે. પોતાની એ ઉત્કટ અભીપ્સા સંતોષવા માટે તે પ્રયાસ કરે છે. જેમ દુકાળમાં ભૂખ્યો માણસ ખોરાક શોધવા નીકળે છે, ભોજનની રાહ જોતો ઘરમાં બેસી રહેતો નથી; તેમ પરમાર્થને પામવા આત્માર્થી જીવ ઉત્કંઠિત હોય છે અને પોતાની એ જિજ્ઞાસા સંતોષવા તે સદગુરુની શોધ કરે છે, કારણ કે સદ્ગુરુનો સમાગમ સાધના અંગે યથાર્થ પથદર્શન મેળવવાનો સીધો, સરળ અને ટૂંકો માર્ગ છે. તે સમજે છે કે અનાદિ કાળથી તે પોતાના પક્ષના આગ્રહના કારણે રખડ્યો છે. અનેક વાર મનુષ્યભવ અને સગુરુનો યોગ પ્રાપ્ત થયો હોવા છતાં નિજપક્ષના આગ્રહના કારણે તેને પરમાર્થપ્રાપ્તિ થઈ નથી. તેથી હવે ક્રિયાજડપણું કે શુષ્કજ્ઞાનીપણું ત્યજી, સદ્ગુરુના બળવાન આલંબનના યોગે સ્વની શોધ કરી, સ્વાનુભૂતિનો આસ્વાદ લેવા તે પ્રયત્નશીલ બને છે. પોતાના સર્વ આગ્રહો છોડી દઈ, દોષોની નિવૃત્તિ માટે તે સદ્ગુરુની આશ્રયભક્તિ સ્વીકારે છે અને સગુરુના પાવનકારી ચરણકમળનું સેવન કરે છે. પૂર્વે તેણે જે જે માન્યતા કરી હોય, જે જે પક્ષનો આગ્રહ સેવ્યો હોય, તે સર્વને તે તજી દે છે. આમ કર્યા વગર સગુરુની ઓળખાણ અને સેવા થઈ શકતી નથી. હૃદયની પાટી ચોખ્ખી થાય તો જ સદ્ગુરુનો ઉપદેશ અને આદેશ પરિણમી શકે. આગ્રહ મૂક્યા વિના જીવનું કલ્યાણ થવું સંભવતું નથી.
આમ, અનંત કાળના પરિભ્રમણની નિવૃત્તિ ઇચ્છનાર આત્માર્થી જીવ ક્રિયાજડત્વ અને શુષ્કજ્ઞાનીપણું ટાળવાના આશયપૂર્વક, યથાર્થ તત્ત્વને પામ્યા છે એવા સદ્ગુરુના ચરણનું સેવન કરે છે. સદ્ગુરુ તેના દોષો કઢાવવા નિષ્કારણ કરુણાથી તેને સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org