________________
૧૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વળી, ત્યાગ-વૈરાગ્યાદિ અંતરપરિણામરૂપ અધ્યાત્મરસના ભાવભીના પ્રવાહ વિનાના શુષ્કજ્ઞાનીને એમ ઉપદેશ આપ્યો છે કે માત્ર શાસ્ત્રોના શબ્દજ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી, પણ આત્મજ્ઞાનમાં કારણભૂત એવાં વૈરાગ્યાદિની પણ આવશ્યકતા છે. જે માત્ર મુખેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરે છે અને ત્યાગ-વૈરાગ્યરહિત છે તેને આત્મજ્ઞાન કેવી રીતે થાય? તે મનમાં એમ ધારી રાખે છે કે દેહ અને આત્મા સર્વથા ભિન્ન છે, આત્મા જ્ઞાનાનંદસ્વભાવી છે, સુખનું ધામ છે ઇત્યાદિ; પણ પોતાને જરા પ્રતિકૂળતા આવે, અપમાન આદિ થાય તો તીવ્ર અશુભ ભાવમાં પ્રવર્તે છે. સંયોગભાવનાના કારણે બાહ્ય વિષયોમાં ફાંફાં મારે છે અને તેમાંથી સંતોષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. જ્યાં હજી પરમાં આધારબુદ્ધિ રહી છે, પરથી સુખ, શાંતિ અને સલામતી ભાસે છે, ત્યાં હજી મુમુક્ષુપણું જ પ્રગટ્યું નથી તો જ્ઞાનીપણું કઈ રીતે સંભવે? આત્મસ્વરૂપની વાતો વાંચી કે સાંભળી લેવામાં આવે, વિચારી કે સમજી લેવામાં આવે, પરંતુ આચરણમાં મૂકવામાં ન આવે તો તે સમજણ હજી પરિપક્વ થઈ નથી, કાચી છે. કાચા ઘડાની મદદથી નદી પાર કરવી જોખમકારક છે. પ્રથમ તેને પકવવો જોઈએ. તેમ વૈરાગ્યાદિ સાધનોનાં સેવન દ્વારા સમજણને પરિપક્વ કરવી ઘટે. કારણ વિના કાર્ય થાય નહીં, પરંતુ શુષ્કજ્ઞાની જીવ વૈરાગ્યાદિ કારણ આપ્યા વગર જ આત્મજ્ઞાનરૂપી કાર્ય ઇચ્છે છે, પ્રરૂપે છે, તો તેને આત્મજ્ઞાન ક્યાંથી પ્રગટે? વૈરાગ્યાદિ ગુણો વિના ઉપદેશ ઝીલવાની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી તો ઉપદેશ આત્મપરિણામી ક્યાંથી થાય? વળી, પૂજાસત્કારાદિની કામના હોવા છતાં, સંસાર પ્રત્યે તીવ્ર મોહ હોવા છતાં, વિષયમાં આસક્તિ હોવા છતાં, આત્મસન્મુખતાનો પણ અભાવ હોવા છતાં પોતાને જ્ઞાની કહેવડાવે છે અને અનંતા જ્ઞાનીઓની આશાતના કરે છે. અંતરમાં ભોગની ઇચ્છા વર્તતી હોવાથી, ‘શું કરું? મારે ઉદય એવો છે' એવું બોલી, પોતાનો બચાવ કરી ભોગેચ્છાને પોષે છે અને પરિણામે તેનો સંસાર વધતો જાય છે. તેવા શુષ્કજ્ઞાનીને શ્રીમદે વૈરાગ્ય, ત્યાગ, દયાદિનાં આચરણની પ્રેરણા કરી છે કે જેથી તે આત્મજ્ઞાનની સન્મુખ થાય. વૈરાગ્યાદિ સાધનો આત્મજ્ઞાન થયા પૂર્વે, આત્મજ્ઞાન પામવાની યોગ્યતા પામવા માટે અવશ્ય સેવવા યોગ્ય છે, કારણ કે તેના સેવનથી આત્મજ્ઞાનની દિશામાં પ્રયાણ થાય છે અને ક્રમે કરીને આત્મજ્ઞાન થાય છે. આમ, શ્રીમદ વૈરાગ્યાદિને આત્મજ્ઞાનનાં કારણ બતાવીને, તે સાધનોની આવશ્યક્તા અને મહત્તા બતાવીને, શુષ્કજ્ઞાનીને તે સાધનોનાં સેવનની ભલામણ કરી છે.
આ રીતે શ્રીમદે ધર્મના નામે કલ્પિત પ્રવૃત્તિ કરનારા બન્ને પ્રકારના જીવોને તેમના દોષોનો લક્ષ કરાવ્યો છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે કે –
‘ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીને ક્રિયાજડપણું અને શુષ્કજ્ઞાનીપણું છોડાવવા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org