________________
૧૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ન સ્પર્શવાનો તેનો સ્વભાવ છે. તેથી કમલિનીપત્રના સ્વભાવના લક્ષે જોઈએ તો તેનું જળને સ્પર્શવું અસત્યાર્થ છે. તેવી રીતે આત્માનું અનાદિ કાળથી પુદ્ગલ કર્મથી બંધાવું વ્યવહારથી અને અવસ્થાદષ્ટિથી સત્યાર્થ છે, પરંતુ આત્માનો સ્વભાવ જોતાં એ અસત્યાર્થ છે, કારણ કે પુદ્ગલથી આત્મા કદી લપાતો નથી, સ્પર્શતો નથી. સ્વભાવલક્ષે જોતાં આત્મા અને પુદ્ગલનો સંબંધ અસત્યાર્થ છે, જૂઠો છે. તેથી સ્વભાવદષ્ટિએ જોતાં આત્માનો બંધ અને મોક્ષ થતો નથી.
આત્મવસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એમ ત્રણ અંશવાળી છે. ઉત્પાદ અને વ્યય તે વસ્તુના પલટાતા અંશ હોવાથી તેને પર્યાય કહેવામાં આવે છે. વસ્તુના ટકતા અંશને ધ્રુવ કહેવામાં આવે છે. પર્યાયમાં મલિનતા હોય, અંશે નિર્મળતા હોય કે પૂર્ણ નિર્મળતા હોય; પણ ધ્રુવ વસ્તુ - કાયમ એકરૂપ ટકવાવાળી વસ્તુ તો એવી ને એવી રહે છે. નિશ્ચયનયનો વિષય ત્રિકાળી ધ્રુવ વસ્તુ છે. શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુમાં બંધમોક્ષ નથી. જેનો બંધ થયો હોય તેનો મોક્ષ થાય, અર્થાત્ મોક્ષને બંધની અપેક્ષા હોય છે. પરંતુ શુદ્ધ નિશ્ચયનયના મત અનુસાર આત્માને બંધ છે જ નહીં અને તેથી બંધનો પ્રતિપક્ષ એવો મોક્ષ પણ નથી. વસ્તુસ્વભાવથી બંધ હોય તો બંધ કદી છૂટે નહીં, આત્મા હંમેશાં બંધાયેલો જ રહે. સ્વભાવમાં બંધ હોય તો બંધ પણ ધ્રુવ રહે, બંધનો અભાવ કદી ન થઈ શકે. તેથી ધ્રુવ તત્ત્વને બંધાયેલ કે મુક્ત કહેવું યોગ્ય નથી. કોઈ એક પુરુષ સાંકળથી બંધાયેલો હોય અને કોઈ એક પુરુષ બંધરહિત હોય તો તેમાંથી જે પહેલાં બંધાયેલો હતો તે છૂટે ત્યારે તેને મુક્ત કહેવો યોગ્ય છે, પરંતુ બીજો, જે બંધાયો જ નથી તેને 'છૂટ્યો' કહેવામાં આવે તો તેને આશ્ચર્ય થાય કે ‘હું ક્યારે બંધાયો હતો કે મને છૂટ્યો કહે છે?' જે બંધાયો હોય તે છૂટે, તેથી બંધાયેલાને તો છૂટ્યો કહેવું યોગ્ય છે, પણ જે બંધાયેલો ન હોય તેને છૂટ્યો કહેવું યોગ્ય નથી. તેવી જ રીતે શુદ્ધ નિશ્ચયનયથી જીવ બંધાયેલો છે જ નહીં, તેથી તેને બંધાયેલો કે મુક્ત કહેવો યોગ્ય નથી. બંધ અને મોક્ષ તો અવસ્થામાં - પર્યાયમાં થાય છે, જે વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનયથી બંધ અને મોક્ષની પર્યાય આત્મામાં થાય છે. પર્યાયમાં બંધનો ઉત્પાદ થાય છે અને તેનો નાશ થવાથી મોક્ષ થાય છે. શુદ્ધાત્માનુભૂતિના અભાવમાં આત્મા શુભાશુભ ઉપયોગમાં પરિણમી શુભાશુભ કર્મનો બંધ કરે છે. આત્મામાં જ્યાં સુધી જ્ઞાયકવસ્તુનાં શ્રદ્ધાનજ્ઞાન-રમણતારૂપ મોક્ષમાર્ગની શુદ્ધ પર્યાયનો અભાવ છે, ત્યાં સુધી શુભાશુભ ભાવની અશુદ્ધ પર્યાયનો સદ્ભાવ છે અને તે શુભાશુભ ભાવના કારણે જીવ જન્મ-મરણ કરે છે. શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ થતાં શુદ્ધોપયોગમાં પરિણમી જીવ મોક્ષનો કર્તા થાય છે. આ કથન વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી આત્મા બંધ અને મોક્ષનો કર્તા નથી. શુદ્ધ, પારિણામિક, ત્રિકાળી, એકરૂપ, ધ્રુવ તત્ત્વમાં બંધ અને મોક્ષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org