________________
૧૫૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
મળે છે. આવા ઉપદેશકો પોતે તત્ત્વમૂઢ હોવાથી ક્રિયાજડની મૂઢ માન્યતાઓનું શોષણ કરવાને બદલે પોષણ કરે છે. એક જીવ કુલાચારની પ્રવૃત્તિમાં ધર્મ માની, ધર્મના સ્વરૂપને સમજ્યા વિના સામાયિક કરતો હોય તો આવા ઉપદેશકો સામાયિકનું વાસ્તવિક સ્વરૂપ શું છે, સમત્વની પ્રાપ્તિ કઈ રીતે થાય, સમત્વદશાની પ્રાપ્તિ થવામાં અંતરાયભૂત એવા દોષોનું સ્વરૂપ શું છે, તે દોષોને નાશ કઈ રીતે થાય વગેરે પ્રયોજનભૂત બાબતો પ્રત્યે તેનું ધ્યાન દોરવાને બદલે તેને પ્રતિક્રમણ આદિનો નિયમ આપી દે છે. તેથી પ્રતિક્રમણના સ્વરૂપને જાણ્યા વિના, અઢાર પાપસ્થાનકમાંથી કેટલાં પાપસ્થાનક ઓછાં થયાં તે વિચાર્યા વિના તે જીવ હંમેશ યંત્રવતું સૂત્રો બોલી જાય છે; અર્થાત્ તે કરે છે. પાઠક્રમણ અને માને છે એમ કે પોતે કરે છે પ્રતિક્રમણ! પરિણામે પાઠના પુનરાવર્તનની સાથે અપરાધોનું પુનરાવર્તન પણ ચાલુ જ રહે છે. આમ, તત્ત્વમૂઢ ઉપદેશકો એક પણ સાધનને સાધ્ય તરફ લઈ જવાનો માર્ગ બતાવ્યા વિના અનેક સાધનો પકડાવી દઈ જીવને અવળા માર્ગે ચડાવી દે છે. તેઓ પોતાનાં અહં અને મમત્વને પોષવાના ઉન્માદમાં શાસ્ત્રોને આગળ કરીને, પોતાની મતિકલ્પિત ધર્મક્રિયાઓમાં એકાંતે આગ્રહ ધરતા રહીને, મૂઢ જીવોને સન્માર્ગથી વંચિત રાખે છે; તેથી જ ક્રિયાજડ જીવો ક્રિયાનો એકાંત આગ્રહ રાખી જ્ઞાનમાર્ગનો નિષેધ કરતાં દેખાય છે. તેમનું જ્ઞાનમાર્ગ પ્રત્યેનું વલણ દર્શાવતાં બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે –
“જે ક્રિયા બાહ્ય ભાવે કરે છે તેથી અમારો મોક્ષ થશે, અમારે જ્ઞાનમાર્ગની જરૂર નથી; જ્ઞાનમાર્ગ આપણે કામનો નથી, દોષો ઉત્પન્ન કરાવનાર, મુશ્કેલ માર્ગ છે વગેરે કહી તે ગ્રહણ કરવા યોગ્ય નથી એમ માને છે, તેવા જીવો ક્રિયાજડ જાણવા.
બાહ્ય ક્રિયાને જ સર્વસ્વ માનનારા ક્રિયાજડ જીવોને જ્ઞાનની વાત નિરર્થક લાગે છે. તેમને બાહ્ય ક્રિયાનું માહાભ્ય એટલું બધું હોય છે કે તેનો પરમાર્થ સમજવાની આવશ્યકતા પણ તેમને ભાસતી નથી. તેઓ તત્ત્વચર્ચા કરનારને વાતોડિયા કહે છે, તત્ત્વવિચારણા કરનારને માથાકૂટિયા કહે છે અને તત્ત્વ-અભ્યાસીને થોથાપંડિત કહે છે. જ્ઞાનમાર્ગીને બાહ્યમાં ક્રિયા ન કરતો જોઈને નિષ્ક્રિય અને આળસુ કહીને ઉતારી પાડે છે. વળી, જ્ઞાનમાર્ગનાં સ્વચ્છેદ આદિ પતનસ્થાનકોને મુખ્ય કરી, તેને દુરારાધ્ય બતાવી ચિંતન-મનન વગરેનો દુર્લક્ષ કરે છે.
સ્વરૂપની સમજણ કરવી ક્રિયાજડને કષ્ટપ્રદ અને કંટાળાજનક લાગે છે. આત્મસ્વરૂપ સમજવું તેમને અઘરું અને અટપટું લાગે છે, પરંતુ તે સમજ્યા વિના છૂટકો નથી. તે સમજ્યા વિના અનંત દુ:ખોની પરંપરાનો અંત આવતો નથી. સ્વરૂપ સમજ્યા વિના, ઉતાવળ કરી બાહ્ય ક્રિયામાં જોડાઈ જવાથી પારમાર્થિક લાભ થઈ શકતો નથી. ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org